<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 12th February 2026

યુરોપ જનારા ભારતીયો સાવધાન! નવા ‘બોર્ડર ચેકિંગ’ નિયમો ઉનાળુ વેકેશન બગાડી શકે છે, એરપોર્ટ પર 4 કલાક સુધીની લાંબી કતારોની ચેતવણી

શેંગેન દેશોની નવી ‘એન્ટ્રી/એક્ઝિટ સિસ્ટમ’ (EES) બની માથાનો દુખાવો; એરલાઇન્સે ટેકનિકલ ખામીઓ અને સ્ટાફની અછત અંગે યુરોપિયન કમિશનને પત્ર લખી વ્યક્ત કરી ચિંતા

પેરિસ | તા.12: જો તમે આ ઉનાળામાં પેરિસના આઈફલ ટાવર કે સ્વિટ્ઝર્લૅન્ડની વાદીઓમાં ફરવાનું પ્લાનિંગ કરી રહ્યા હોવ, તો તમારી મુસાફરીમાં મોટો અવરોધ આવી શકે છે. યુરોપિયન એરલાઇન્સ અને ઇન્ટરનેશનલ એર ટ્રાન્સપોર્ટ એસોસિએશન (IATA) એ ચેતવણી આપી છે કે નવી અમલમાં આવેલી ‘એન્ટ્રી/એક્ઝિટ સિસ્ટમ’ (EES) ને કારણે આ ઉનાળામાં પ્રવાસીઓને એરપોર્ટ પર ભારે હાલાકી ભોગવવી પડી શકે છે. સ્થિતિ એટલી ગંભીર છે કે એરપોર્ટ પર કતારો 4 કલાક કે તેથી વધુ લાંબી થઈ શકે છે.
શું છે આ નવી EES સિસ્ટમ?
યુરોપના 27 દેશોના 'શેંગેન ઝોન'માં ગત ઓક્ટોબરથી આ નવી ડિજિટલ સિસ્ટમ અમલમાં આવી છે. જેનો હેતુ પાસપોર્ટ પર જૂના જમાનાના સિક્કા (સ્ટેમ્પ) મારવાની પ્રથા બંધ કરીને બિન-યુરોપિયન નાગરિકોના ફોટોગ્રાફ્સ અને ફિંગરપ્રિન્ટ્સ ડિજિટલી લેવાનો છે. જોકે, આ ટેકનોલોજી જેટલી આધુનિક દેખાય છે, જમીની સ્તરે તેટલી જ જટિલ સાબિત થઈ રહી છે. હાલમાં પણ પ્રવાસીઓને બે કલાક સુધી રાહ જોવી પડી રહી છે, જે ઉનાળાની પીક સીઝનમાં 'ગંભીર વિક્ષેપ' પેદા કરી શકે છે.
સ્ટાફની અછત અને ટેકનિકલ લોચા
એરલાઇન સંગઠનોએ યુરોપિયન કમિશનરને પત્ર લખીને ગંભીર મુદ્દાઓ તરફ ધ્યાન દોર્યું છે. રિપોર્ટ અનુસાર, બોર્ડર કંટ્રોલ પર કર્મચારીઓની ભારે અછત છે અને ઓટોમેટિક સિસ્ટમમાં પણ વારંવાર ટેકનિકલ ખામીઓ સર્જાય છે. એરલાઇન્સનું કહેવું છે કે જો અત્યારે સુગમતા માટે પગલાં લેવામાં નહીં આવે, તો ઉનાળામાં પ્રવાસીઓનો ઘસારો વધતા એરપોર્ટ પર અંધાધૂંધી સર્જાઈ શકે છે.
નિયમો હળવા કરવા માંગ
મુસાફરોની મુશ્કેલીને જોતા એરલાઇન જૂથોએ માંગ કરી છે કે જો જરૂર પડે તો ઉનાળાના મહિનાઓ દરમિયાન EES સિસ્ટમને આંશિક રીતે અથવા સંપૂર્ણપણે સ્થગિત (Suspend) કરવાની છૂટ આપવી જોઈએ. આ સમાચાર એવા ભારતીય પ્રવાસીઓ માટે મહત્વના છે જેઓ આગામી રજાઓમાં યુરોપ જવાનું વિચારી રહ્યા છે. મુસાફરોએ હવે ફ્લાઈટના સમય અને કનેક્ટિવિટીમાં બોર્ડર ચેકિંગના વિલંબને ધ્યાનમાં રાખીને વધારાનો સમય હાથ પર રાખવો પડશે.

(4:19 PM IST)