News of Thursday, 12th February 2026
ભારતીય પ્રવાસીઓ માટે હવે વિદેશ ગમન બન્યું સરળ: Atlys ના 'ટ્રાવેલ એક્સેસ રિપોર્ટ'માં શ્રીલંકા અને થાઈલેન્ડ અવ્વલ, જાણો કયા દેશમાં વિઝાની ઝંઝટ છે સૌથી ઓછી
વિઝા પ્રોસેસિંગ પ્લેટફોર્મે 50 દેશોનું રેન્કિંગ જાહેર કર્યું; કનેક્ટિવિટી, બજેટ અને વિઝા પ્રક્રિયાના આધારે એશિયન દેશોએ પશ્ચિમી દેશોને પછાડ્યા

નવી દિલ્હી | તા.12: ભારતીયોમાં વિદેશ ફરવાનો ક્રેઝ દિન-પ્રતિદિન વધી રહ્યો છે, ત્યારે વિઝા પ્રોસેસિંગ પ્લેટફોર્મ 'Atlys' દ્વારા જાહેર કરવામાં આવેલો તાજેતરનો 'ટ્રાવેલ એક્સેસ રિપોર્ટ' પ્રવાસીઓ માટે આંખ ઉઘાડનારો સાબિત થયો છે. આ રિપોર્ટ મુજબ, ભારતીય પાસપોર્ટ ધારકો માટે શ્રીલંકા, થાઈલેન્ડ અને UAE જેવા એશિયન દેશો મુસાફરી માટે સૌથી વધુ સુલભ અને સરળ સાબિત થયા છે. પાસપોર્ટ પાવરની સાથે સાથે ફ્લાઇટની સુવિધા અને ખર્ચને ધ્યાનમાં રાખીને તૈયાર કરાયેલા આ રેન્કિંગમાં ટોચના 10 સ્થાનો પર એશિયન દેશોનો જ દબદબો જોવા મળ્યો છે.
પશ્ચિમી દેશોની લોકપ્રિયતા વધુ પણ વિઝાના 'લોઢાના ચણા'
રિપોર્ટમાં એક ચોંકાવનારી વિગત સામે આવી છે કે ભારતીયોમાં અમેરિકા (USA) અને બ્રિટન (UK) જેવા દેશોની લોકપ્રિયતા ખૂબ વધારે હોવા છતાં, સુલભતાની દ્રષ્ટિએ તેઓ ઘણા પાછળ છે. યુકે 23માં અને યુએસએ 26માં ક્રમે છે. આ દેશોમાં વિઝા મેળવવાની જટિલ પ્રક્રિયા, લાંબો વેટિંગ પિરિયડ અને ઊંચા ખર્ચને કારણે સામાન્ય ભારતીય પ્રવાસી માટે ત્યાં પહોંચવું આજે પણ એક મોટો પડકાર છે. 'Atlys' ના સ્થાપક મોહક નાહતાના જણાવ્યા અનુસાર, પ્રવાસીઓ જે દેશના સપના જુએ છે અને જ્યાં ખરેખર જઈ શકે છે, તે બે વચ્ચે મોટું અંતર જોવા મળે છે.
બજેટ ફ્રેન્ડલી અને લક્ઝરી ડેસ્ટિનેશનનું લિસ્ટ
જો તમે ઓછા બજેટમાં વિદેશની મોજ માણવા માંગતા હોવ, તો નેપાળ, લાઓસ, શ્રીલંકા, થાઈલેન્ડ અને વિયેતનામ શ્રેષ્ઠ વિકલ્પો છે. બીજી તરફ, લક્ઝરી અનુભવ માટે માલદીવ, સ્વિટ્ઝર્લૅન્ડ, ફ્રાન્સ અને ઇટાલી ભારતીયોની પહેલી પસંદ છે. ખાસ કરીને મહિલા પ્રવાસીઓમાં જાપાન અને હોંગકોંગ લોકપ્રિય બન્યા છે, જ્યારે એકલા પ્રવાસ (સોલો ટ્રાવેલ) માટે થાઈલેન્ડ અને વિયેતનામને સૌથી સુરક્ષિત અને અનુકૂળ માનવામાં આવ્યા છે.
વધતો પાસપોર્ટ પાવર અને પ્રવાસીઓની સંખ્યા
ભારતીય પાસપોર્ટની તાકાતમાં પણ સુધારો થયો છે. હેનલી પાસપોર્ટ ઇન્ડેક્સ મુજબ, ભારત હવે 80માં ક્રમે છે, જે પાંચ સ્થાનનો ઉછાળો દર્શાવે છે. વર્ષ 2024માં રેકોર્ડબ્રેક 1.46 કરોડ પાસપોર્ટ ઇશ્યૂ કરવામાં આવ્યા હતા, જે દર્શાવે છે કે ભારતીયો હવે વૈશ્વિક સ્તરે ફરવા માટે સજ્જ છે. ડિસેમ્બર 2024 સુધીમાં લગભગ 2.91 કરોડ ભારતીયો વિદેશ પ્રવાસે ગયા હોવાના સરકારી આંકડા ગરવી ગુજરાત અને સમસ્ત ભારતની વધતી આર્થિક શક્તિનો પણ પુરાવો આપે છે.
(4:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
