News of Thursday, 12th February 2026
ભારતમાં કમાણીનો નવો ચિત્તાર: પગારમાં ૧૨ વર્ષમાં ૯૦% નો ધરખમ વધારો, છતાં ફુગાવાએ ધોઈ નાખ્યો અસલી નફો; જાણો મહિલાઓ અને પુરુષોના પગાર વચ્ચેનું મોટું અંતર
રોજગારના આંકડામાં ચોંકાવનારો ખુલાસો: ભારતના માત્ર ૨૩% લોકો જ પગારદાર, બાકીના શ્રમિકો સામાજિક સુરક્ષાથી વંચિત; ગુજરાતમાં ૩૧% લોકો નોકરીયાત, જ્યારે પંજાબ દેશમાં મોખરે

નવી દિલ્હી | તા.૧૨: ભારતના અર્થતંત્રમાં નોકરીયાત વર્ગની હાલત અંગેનો એક લેટેસ્ટ રિપોર્ટ સામે આવ્યો છે. ૨૦૧૨ થી ૨૦૨૪ વચ્ચેના ડેટાનું વિશ્લેષણ કરતા જાણવા મળ્યું છે કે ભારતીયોના પગારમાં આંકડાકીય રીતે ૯૦% નો મોટો ઉછાળો આવ્યો છે, પરંતુ જ્યારે આ વધારાને વધતી જતી મોંઘવારી (ફુગાવા) સાથે સરખાવવામાં આવે છે, ત્યારે વાસ્તવિકતામાં પગારમાં ૪% નો ઘટાડો જોવા મળ્યો છે. એટલે કે, ખિસ્સામાં આવતા રૂપિયા વધ્યા છે પણ તેની ખરીદશક્તિ ઘટી છે.
જેન્ડર ગેપ: મહિલાઓ હજુ પણ પાછળ
દેશમાં સમાન કામ માટે સમાન વેતનની વાતો વચ્ચે પણ કડવું સત્ય એ છે કે મહિલાઓનો સરેરાશ પગાર પુરુષો કરતા ૨૫% ઓછો છે. ૨૦૨૪ ના આંકડા મુજબ, એક સરેરાશ પગારદાર કર્મચારી દર મહિને આશરે ₹૨૧,૦૦૦ કમાય છે, જેની સરખામણીએ છૂટક મજૂરી કરનારા માત્ર ₹૯,૦૦૦ માં ગુજરાન ચલાવી રહ્યા છે.
પગારદાર દેશોની યાદીમાં ભારત ક્યાં?
ભારતમાં કુલ કાર્યબળના માત્ર ૨૩% લોકો જ પગારદાર નોકરીમાં છે, જે વૈશ્વિક સરેરાશ (૫૨%) કરતા અડધાથી પણ ઓછું છે. વિકસિત દેશોની વાત કરીએ તો અમેરિકામાં ૯૪% અને જર્મનીમાં ૯૧% લોકો પગારદાર છે. પાડોશી દેશ શ્રીલંકા (૫૮%) અને ચીન (૫૪%) પણ આ બાબતે ભારત કરતા ઘણું આગળ છે.
રાજ્યોની સ્થિતિ: ગુજરાતનું સ્થાન
ભારતના રાજ્યોમાં પંજાબ ૫૬% પગારદાર કામદારો સાથે પ્રથમ ક્રમે છે. ગુજરાત અને મહારાષ્ટ્ર ૩૧% સાથે મધ્યમ સ્તરે છે, જ્યારે બિહારમાં માત્ર ૯% લોકો પાસે જ પગારદાર નોકરી છે. રિપોર્ટમાં એ પણ જાણવા મળ્યું છે કે ઉચ્ચ શિક્ષણ મેળવનારા ૫૭% લોકોને નોકરી મળી જાય છે, જ્યારે અભણ લોકોમાં આ પ્રમાણ માત્ર ૬% છે.
સામાજિક સુરક્ષાનો અભાવ
નોકરી હોવા છતાં સુરક્ષાના મામલે સ્થિતિ ગંભીર છે. ૫૭% કર્મચારીઓ પાસે કોઈ લેખિત કોન્ટ્રાક્ટ નથી અને તેમને પેન્શન કે પીએફ (PF) જેવી સુવિધાઓ મળતી નથી. દેશના ૮૫% પગારદારો ગ્રેચ્યુઇટીથી વંચિત છે અને ૭૨% ને હેલ્થકેરનો કોઈ લાભ મળતો નથી. આ આંકડા દર્શાવે છે કે ભારતમાં 'ક્વોલિટી જોબ્સ' ની હજુ પણ મોટી અછત છે.
(5:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
