News of Thursday, 12th February 2026
કાનપુર લક્ઝરી કાર કાંડ: ₹10 કરોડની લેમ્બોર્ગિનીથી અકસ્માત સર્જનાર ઉદ્યોગપતિના પુત્ર શિવમ મિશ્રાની ધરપકડ, પણ ગણતરીના કલાકોમાં મળ્યા જામીન
પોલીસે માંગી હતી 14 દિવસની જેલ, પણ ₹20,000ના બોન્ડ પર મળ્યો છુટકારો; ડ્રાઈવરને બદલે માલિક જ સ્ટીયરિંગ પર હોવાના સીસીટીવી પુરાવા છતાં કાનૂની દાવપેચ તેજ

કાનપુર | તા.12: ઉત્તર પ્રદેશના કાનપુરમાં રવિવારે વીઆઈપી રોડ પર મચેલી તબાહી બાદ આજે આ કેસમાં મોટો વળાંક આવ્યો છે. શહેરના જાણીતા તમાકુ ઉદ્યોગપતિ કે.કે. મિશ્રાના પુત્ર શિવમ મિશ્રાને પોલીસે દિલ્હીની હોસ્પિટલમાંથી કસ્ટડીમાં લઈ કાનપુર કોર્ટમાં રજૂ કર્યા હતા. જોકે, હાઈ-પ્રોફાઈલ ડ્રામા અને પોલીસની કડક માંગ છતાં, શિવમ મિશ્રાને માત્ર ₹20,000 ના પર્સનલ બોન્ડ પર જામીન મળી ગયા છે.
દિલ્હીથી ધરપકડ અને કોર્ટમાં રજૂઆત
8 ફેબ્રુઆરીના રોજ સર્જાયેલા ભયાનક અકસ્માત બાદ શિવમ મિશ્રા દિલ્હીની એક હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા. પોલીસે આજે સવારે 10 વાગ્યે તેમને એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં રજૂ કર્યા અને 14 દિવસની ન્યાયિક કસ્ટડીની માંગણી કરી હતી. પરંતુ આરોપીના વકીલ અનંત શર્માની દલીલોને ગ્રાહ્ય રાખી કોર્ટે જેલ મોકલવાને બદલે જામીન મંજૂર કર્યા હતા.
કોણે બદલ્યો ડ્રાઈવર? પોલીસ વિરુદ્ધ મિશ્રા પરિવાર
આ કેસમાં શરૂઆતથી જ ‘ડ્રાઈવર બદલવા’નો ખેલ ચાલી રહ્યો હોવાનો આક્ષેપ છે. બુધવારે મોહન લાલ નામના એક વ્યક્તિએ કોર્ટમાં આત્મસમર્પણ કરી દાવો કર્યો હતો કે કાર તે ચલાવી રહ્યો હતો. જોકે, પોલીસે સજ્જડ પુરાવા રજૂ કરતા કહ્યું કે સોશિયલ મીડિયા પર વાયરલ વીડિયો અને સીસીટીવીમાં સ્પષ્ટ દેખાય છે કે અકસ્માત બાદ શિવમ મિશ્રાને જ ડ્રાઈવિંગ સીટ પરથી ખેંચીને બીજી એસયુવીમાં બેસાડવામાં આવ્યા હતા. આ પુરાવાને આધારે કોર્ટે ‘ડમી’ ડ્રાઈવરની અરજી ફગાવી દીધી હતી.
₹10 કરોડની કાર અને લોહીલુહાણ રસ્તા
રવિવારે બપોરે 3 વાગ્યે જ્યારે ₹10 કરોડથી વધુની કિંમતની લક્ઝરી સ્પોર્ટ્સ કાર ‘લેમ્બોર્ગિની રેવ્યુલ્ટો’ રોડ પર દોડી રહી હતી, ત્યારે તેણે નિયંત્રણ ગુમાવી રાહદારીઓ અને ઈ-રિક્ષાને ટક્કર મારી હતી. 18 વર્ષીય ઈ-રિક્ષા ચાલક મોહમ્મદ તૌફીકે આ મામલે એફઆઈઆર નોંધાવી હતી. મિશ્રા પરિવારે દાવો કર્યો હતો કે કારમાં ટેકનિકલ ખામી હતી અને શિવમ મિશ્રાની તબિયત લથડતા આ દુર્ઘટના સર્જાઈ હતી. હાલમાં આ કેસમાં સોશિયલ મીડિયા પર જનતાનો આક્રોશ જોવા મળી રહ્યો છે, લોકો તેને ‘અમીરઝાદાની બેદરકારી’ ગણાવી રહ્યા છે.
(5:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
