<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 12th February 2026

કોરિયન ડ્રામાના ચાહકો આઘાતમાં: ‘વેલકમ ટુ વાઇકીકી 2’ ના લોકપ્રિય અભિનેતા જંગ યુન-વુનું 39 વર્ષની વયે રહસ્યમય અવસાન; છેલ્લી પોસ્ટમાં છલકાયું હતું દર્દ

અભિનેતાની ઇન્સ્ટાગ્રામ પોસ્ટ બની ચર્ચાનો વિષય: લેસ્લી ચેઉંગ અને એમી વાઇનહાઉસને યાદ કરી લખ્યું હતું- ‘પસ્તાવો અને ઈર્ષ્યા..’; આવતીકાલે દક્ષિણ કોરિયામાં યોજાશે અંતિમ સંસ્કાર

સિઓલ (દક્ષિણ કોરિયા) | તા.12: દક્ષિણ કોરિયાના લોકપ્રિય અભિનેતા જંગ યુન-વુના અચાનક અવસાનથી માત્ર કોરિયા જ નહીં, પણ સમગ્ર વિશ્વમાં ફેલાયેલા તેમના ચાહકો શોકમાં ડૂબી ગયા છે. બુધવારે 11 ફેબ્રુઆરીના રોજ માત્ર 39 વર્ષની વયે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. સૌથી વધુ ચોંકાવનારી વાત એ છે કે અત્યાર સુધી તેમના મૃત્યુનું સચોટ કારણ બહાર આવ્યું નથી, જેના કારણે સોશિયલ મીડિયા પર અનેક તર્ક-વિતર્ક શરૂ થયા છે.
છેલ્લી ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં ગૂઢ સંકેત?
જંગ યુન-વુના નિધન બાદ તેમની છેલ્લી ઇન્સ્ટાગ્રામ પોસ્ટ વાયરલ થઈ રહી છે, જે જોઈને ચાહકોની આંખો ભીની થઈ ગઈ છે. તેમણે હોંગકોંગના સ્વર્ગસ્થ સ્ટાર લેસ્લી ચેઉંગ અને બ્રિટિશ સિંગર એમી વાઇનહાઉસના ફોટા શેર કર્યા હતા, જેમણે ખૂબ નાની ઉંમરે દુનિયા છોડી દીધી હતી. આ ફોટા સાથે જંગે પોતાનો પ્રોફાઇલ ફોટો મૂકીને કેપ્શનમાં લખ્યું હતું, "યાદ કરવું, ઈર્ષ્યા કરવી, પસ્તાવો કરવો..." તેમના આ શબ્દો હવે તેમના જ નિધનનો કોઈ ગૂઢ સંકેત હોવાનું મનાઈ રહ્યું છે.
અભિનયની સફર અને લોકપ્રિયતા
10 એપ્રિલ, 1986ના રોજ જન્મેલા જંગ યુન-વુએ 2006માં અભિનયની શરૂઆત કરી હતી. 2018માં લશ્કરી સેવા પૂર્ણ કર્યા પછી, તેઓ 'માય ઓન્લી વન'માં વાંગ યી-લુની ભૂમિકા દ્વારા ઘરે-ઘરે જાણીતા બન્યા હતા. ત્યારબાદ 'વેલકમ ટુ વાઇકીકી 2' અને 'વન વેલ-રાઇઝ્ડ ડોટર' જેવા હિટ નાટકોમાં તેમના અભિનયના ખૂબ વખાણ થયા હતા. ડોંગગુક યુનિવર્સિટીમાંથી થિયેટરનો અભ્યાસ કરનાર આ કલાકારે ખૂબ જ ટૂંકા સમયમાં પોતાની અલગ ઓળખ બનાવી હતી.
આવતીકાલે અંતિમ વિદાય
અહેવાલો મુજબ, જંગ યુન-વુના અંતિમ સંસ્કાર આવતીકાલે, 13 ફેબ્રુઆરી, 2026ના રોજ દક્ષિણ કોરિયાના ગ્યોંગગી સ્થિત ન્યુ કોરિયા હોસ્પિટલના ફ્યુનરલ હોલમાં કરવામાં આવશે. બપોરે 12 વાગ્યે (કોરિયન સમય મુજબ) તેમની અંતિમ યાત્રા નીકળશે. તેમના નિધન પર કોરિયન ફિલ્મ ઉદ્યોગના દિગ્ગજો અને સહ-કલાકારોએ ઘેરા શોકની લાગણી વ્યક્ત કરી છે.

(5:44 PM IST)