<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 12th February 2026

રાજસ્થાનમાં વિકાસનો મહાકુંભ: CM ભજન લાલ શર્માએ રજૂ કર્યું ₹6.10 લાખ કરોડનું ‘અમૃત બજેટ’; 4 લાખ નોકરીઓ અને ખેડૂતો માટે ભેટની વર્ષા

વિકસિત રાજસ્થાન 2047નો રોડમેપ તૈયાર: 8મા પગાર પંચ માટે ઉચ્ચ સ્તરીય સમિતિની રચના; મહિલાઓ માટે ગ્રામીણ બેંક અને શેખાવતીની હવેલીઓના પુનરુદ્ધાર માટે કરોડોના પેકેજની જાહેરાત

જયપુર | તા.12: રાજસ્થાનના મુખ્યમંત્રી ભજન લાલ શર્માએ રાજ્યના ઇતિહાસનું સૌથી મોટું અને સર્વગ્રાહી બજેટ રજૂ કરીને રાજસ્થાનને પ્રગતિના નવા પંથે લઈ જવાની નેમ વ્યક્ત કરી છે. અંદાજે ₹6.10 લાખ કરોડના આ બજેટને મુખ્યમંત્રીએ 'અંત્યોદય'ને સમર્પિત ગણાવ્યું છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય સમાજના છેલ્લા માણસ સુધી સુવિધાઓ પહોંચાડવાનો છે. આ બજેટમાં પ્રતિ વ્યક્તિ આવકમાં 21% નો ધરખમ વધારો થવાની આગાહી પણ કરવામાં આવી છે.
યુવાનો માટે રોજગારનો મહાપિટારો
બજેટની સૌથી મોટી જાહેરાત યુવાનો માટે છે. આગામી 5 વર્ષમાં 4 લાખ નોકરીઓ આપવાના વચન સાથે સરકારે અત્યાર સુધીમાં 1 લાખ નિમણૂકો પૂરી કરી છે અને વધુ 1.50 લાખથી વધુ જગ્યાઓ પર ભરતી પ્રક્રિયા ચાલુ છે. પરીક્ષાઓમાં પારદર્શિતા લાવવા માટે 'રાજસ્થાન રાજ્ય પરીક્ષણ એજન્સી' (RSTA) ની સ્થાપના કરવામાં આવશે, જે ઓનલાઇન પરીક્ષા કેન્દ્રોનું સંચાલન કરશે.
ખેડૂતો અને પર્યાવરણ પર વિશેષ ભાર
ખેડૂતોના કલ્યાણ માટે સરકાર 'રામ જી યોજના' હેઠળ ₹4,000 કરોડ ખર્ચશે. યમુનાનું પાણી શેખાવતી ક્ષેત્રમાં લાવવા માટે ₹32,000 કરોડના પ્રોજેક્ટની જાહેરાત કરવામાં આવી છે. પર્યાવરણ પ્રેમીઓ માટે દરેક જિલ્લામાં 'નમો નર્સરી' અને પંચાયત સ્તરે 'નમો પાર્ક' બનાવવામાં આવશે, જે રાજ્યમાં હરિયાળી ક્રાંતિ લાવશે.
મહિલા સશક્તિકરણ અને પ્રવાસન
મહિલાઓને આર્થિક રીતે સધ્ધર બનાવવા માટે જિલ્લા સ્તરે ગ્રામીણ મહિલા બેંકોની સ્થાપના થશે. 'લખપતિ દીદી' યોજના હેઠળ લોન મર્યાદા વધારીને ₹1.5 લાખ કરવામાં આવી છે. પ્રવાસન ક્ષેત્રે જૈસલમેરમાં લક્ઝરી ટુરિઝમ ઝોન અને શેખાવતીની ઐતિહાસિક 660 હવેલીઓના સંરક્ષણ માટે ₹200 કરોડની ફાળવણી કરવામાં આવી છે, જે પ્રવાસીઓને આકર્ષવામાં મદદરૂપ થશે.
કર્મચારીઓ માટે ખુશખબર
સરકારી કર્મચારીઓ માટે 8મા પગાર પંચના અમલીકરણ અને પ્રમોશનની તકોના અભ્યાસ માટે એક ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરવાની મહત્વની જાહેરાત કરવામાં આવી છે. શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે બજેટમાં અનુક્રમે 35% અને 53% નો જંગી વધારો કરીને મજબૂત માળખાગત સુવિધાઓ તૈયાર કરવાનો સંકલ્પ લેવાયો છે.

(5:59 PM IST)