News of Thursday, 12th February 2026
ટેક્સટાઇલ ઉદ્યોગ માટે ‘ગોલ્ડન ઓફર’: અમેરિકામાં ભારતીય કાપડ પર લાગી શકે છે ‘ઝીરો’ ટેરિફ : પીયૂષ ગોયલનો ધડાકો
બાંગ્લાદેશની જેમ ભારતને પણ મળશે વિશેષાધિકાર: ટ્રમ્પ વહીવટીતંત્ર સાથેના અંતિમ સોદામાં કાપડ નિકાસકારોને મળશે મોટી રાહત : રાહુલ ગાંધીના ‘શરણાગતિ’ના આક્ષેપો પર કેન્દ્રીય મંત્રીનો વળતો પ્રહાર

નવી દિલ્હી: ભારતીય કાપડ ઉદ્યોગ માટે વોશિંગ્ટનથી અત્યંત આનંદદાયક સમાચાર આવી રહ્યા છે. કેન્દ્રીય વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલે સંકેત આપ્યો છે કે ભારત અને અમેરિકા વચ્ચેના અંતિમ વેપાર કરારમાં ભારતીય કાપડ પરનો ટેરિફ ઘટાડીને 'શૂન્ય' (0%) કરવામાં આવી શકે છે. અત્યાર સુધી અમેરિકાએ બાંગ્લાદેશને જે રીતે કપાસના બદલામાં ટેક્સ ફ્રી નિકાસની સુવિધા આપી છે, તેવી જ સુવિધા હવે ભારતને પણ મળવા જઈ રહી છે. ગોયલે ગુરુવારે જણાવ્યું હતું કે જોકે વચગાળાના કરારમાં ટેરિફ ૫૦% થી ઘટાડીને ૧૮% કરવામાં આવ્યો છે, પરંતુ જ્યારે આ સોદો અંતિમ સ્વરૂપ લેશે, ત્યારે ભારતીય નિકાસકારોને બાંગ્લાદેશ જેટલો જ અથવા તેનાથી વધુ ફાયદો થશે.
આ જાહેરાત એવા સમયે કરવામાં આવી છે જ્યારે દેશમાં ભારત-અમેરિકા વેપાર સોદાને લઈને રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ આ કરારને ટ્રમ્પ સામેની ‘શરણાગતિ’ ગણાવ્યો હતો, જેના જવાબમાં પીયૂષ ગોયલે સંસદમાં વળતો પ્રહાર કર્યો હતો. તેમણે કહ્યું કે વિપક્ષ દ્વારા ફેલાવવામાં આવતા જુઠ્ઠાણાથી વિપરીત, ભારતને પણ અમેરિકન કપાસનો ઉપયોગ કરીને તેને પ્રોસેસ કરી શૂન્ય ડ્યુટી સાથે નિકાસ કરવાનો હક મળશે. ભારત માટે અમેરિકા સૌથી મોટું માર્કેટ છે, જ્યાં દેશના કુલ કાપડ નિકાસનો ૩૦% હિસ્સો જાય છે. જો ટેરિફ શૂન્ય થઈ જશે, તો ભારતીય વસ્ત્રો વૈશ્વિક બજારમાં ચીન અને વિયેતનામ સામે વધુ મજબૂતીથી સ્પર્ધા કરી શકશે.
નિકાસકારો માટે સૌથી મોટી ચિંતા એ હતી કે ૧૮% ટેરિફ છતાં પણ જો બાંગ્લાદેશને શૂન્ય ડ્યુટીનો લાભ મળે, તો ભારતીય પ્રોડક્ટ્સ મોંઘી સાબિત થઈ શકે. પરંતુ પીયૂષ ગોયલની સ્પષ્ટતાએ હવે ઉદ્યોગજગતમાં નવી આશા જગાડી છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે અમેરિકા સાથેનો આ વેપાર સોદો હજુ ‘વર્ક ઇન પ્રોગ્રેસ’ છે અને અંતિમ વિગતોમાં ભારતની તમામ ચિંતાઓનું નિરાકરણ લાવવામાં આવશે. આ ઐતિહાસિક સોદાથી માત્ર ટેક્સટાઇલ સેક્ટર જ નહીં, પરંતુ લાખો કામદારો અને કપાસ પકવતા ખેડૂતોને પણ સીધો આર્થિક ફાયદો થવાની પૂરેપૂરી સંભાવના છે.
(7:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
