<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 12th February 2026

મોંઘવારી માપવાની રીત બદલાઈ: હવે OTT સબસ્ક્રિપ્શન અને ઓનલાઈન સેવાઓ પણ નક્કી કરશે તમારા ખિસ્સાનો ભાર!

કેન્દ્ર સરકારે ૨૦૨૪ને નવું ‘આધાર વર્ષ’ બનાવી નવી CPI શ્રેણી જાહેર કરી: જાન્યુઆરીમાં છૂટક ફુગાવો ૨.૭૫% અને ખાદ્ય ફુગાવો ૨.૧૩% નોંધાયો : ડેટામાં હવે રેલ ભાડા, વિમાન ટિકિટ અને ડિજિટલ સેવાઓનો પણ સમાવેશ

નવી દિલ્હી : ભારત સરકારે દેશમાં મોંઘવારીના સચોટ આંકડા મેળવવા માટે ૧૪ વર્ષ જૂની પદ્ધતિને અલવિદા કહી દીધું છે. રાષ્ટ્રીય આંકડાકીય કાર્યાલય દ્વારા જાન્યુઆરી મહિનાના છૂટક ફુગાવાના (CPI) આંકડા જાહેર કરવામાં આવ્યા હતા, જે નવી શ્રેણી મુજબ ૨.૭૫ ટકા નોંધાયા છે. આ નવી સિસ્ટમમાં ૨૦૨૪ ને ‘બેઝ યર’ (આધાર વર્ષ) તરીકે સ્વીકારવામાં આવ્યું છે. સૌથી મહત્વની વાત એ છે કે, હવે મોંઘવારીની ગણતરી કરતી વખતે માત્ર દાળ-ચોખા જ નહીં, પણ બદલાતા જમાનાની જરૂરિયાતો જેવી કે OTT સબસ્ક્રિપ્શન, ઓનલાઈન મીડિયા સેવાઓ અને ઈન્ટરનેટ ચાર્જીસને પણ ધ્યાનમાં લેવામાં આવશે.

આ નવી ગણતરી પદ્ધતિમાં વસ્તુઓની સંખ્યા ૨૫૯ થી વધારીને ૩૦૮ અને સેવાઓની સંખ્યા ૪૦ થી વધારીને ૫૦ કરવામાં આવી છે. મુખ્ય આર્થિક સલાહકાર  વી. અનંત નાગેશ્વરનના જણાવ્યા મુજબ, નવી શ્રેણીમાં ટેલિફોન ચાર્જ, વિમાન ભાડા, રેલ ટિકિટ અને CNG/PNG જેવા ઈંધણનો સમાવેશ કરવાથી ડેટાની ગુણવત્તામાં નોંધપાત્ર સુધારો થશે. આ ફેરફારથી સરકારને નાણાકીય અને રાજકોષીય નીતિઓ ઘડવામાં વધુ સચોટતા મળશે. જાન્યુઆરીમાં ખાદ્ય ફુગાવો ૨.૧૩ ટકા રહેતા મધ્યમ વર્ગને રસોડાના બજેટમાં થોડી રાહત મળતી જણાઈ રહી છે, જોકે નવી વસ્તુઓના ઉમેરા પછી આંકડાઓ વધુ વાસ્તવિક બન્યા છે.

નવી CPI શ્રેણીમાં ગ્રામીણ વિસ્તારોના મકાન ભાડાનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે, જે અત્યાર સુધી મોંઘવારીના આંકડામાં યોગ્ય રીતે પ્રતિબિંબિત થતા નહોતા. ૨૦૨૩-૨૪ ના ઘરગથ્થુ વપરાશ ખર્ચ સર્વેને આધારે વિવિધ ચીજવસ્તુઓના 'વેઇટેજ' (મહત્વ) માં પણ ફેરફાર કરાયા છે. આનો અર્થ એ થયો કે ભારતીય પરિવારો હવે જે વસ્તુઓ પાછળ ખર્ચ કરી રહ્યા છે, તેના આધારે જ મોંઘવારી નક્કી થશે. જૂની અને બિનઉપયોગી વસ્તુઓને યાદીમાંથી બાકાત કરી દેવામાં આવી છે. આ મોટો સુધારો ભારતની આર્થિક સ્થિતિ અને ગ્રાહકોની ખરીદશક્તિનું સાચું ચિત્ર રજૂ કરશે તેવું આર્થિક નિષ્ણાતો માની રહ્યા છે.

(7:15 PM IST)