News of Thursday, 12th February 2026
અવકાશમાં પાકિસ્તાનની ‘ચીની’ છલાંગ: નવો EO-2 ઉપગ્રહ લોન્ચ : શું ભારતની સુરક્ષામાં પડશે ગાબડું?
ચીનના દરિયાકિનારેથી પાકિસ્તાને બીજો સ્વદેશી પૃથ્વી નિરીક્ષણ ઉપગ્રહ સફળતાપૂર્વક તરતો મૂક્યો: હાઈ-રિઝોલ્યુશન ઈમેજિંગ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટમાં મદદ મળવાનો દાવો

ઇસ્લામાબાદ: પાકિસ્તાને ચીનના યાંગજિયાંગ સીશોર લોન્ચ સેન્ટરથી તેના બીજા સ્વદેશી અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઇટ 'EO-2' ને સફળતાપૂર્વક અવકાશમાં મોકલ્યો છે. પાકિસ્તાનની સ્પેસ એજન્સી 'સુપારકો' ના જણાવ્યા અનુસાર, આ ઉપગ્રહ દેશની પૃથ્વી નિરીક્ષણ ક્ષમતાઓને નવી ઊંચાઈ પર લઈ જશે. EO-2 નો મુખ્ય ઉદ્દેશ્ય રાષ્ટ્રીય વિકાસના આયોજન, પર્યાવરણીય દેખરેખ અને કુદરતી સંસાધનોના નકશા તૈયાર કરવાનો છે. ગયા વર્ષે લોન્ચ કરાયેલા EO-1 પછી આ પાકિસ્તાનનો બીજો મહત્વપૂર્ણ ડિજિટલ પગદંડો છે, જે ચીનની ટેકનીકલ મદદથી સાકાર થયો છે.
આ ઉપગ્રહ દ્વારા પાકિસ્તાન હવે પોતાના પ્રદેશની હાઈ-રિઝોલ્યુશન તસવીરો મેળવી શકશે, જેનો ઉપયોગ આપત્તિ વ્યવસ્થાપન, શહેરી વિસ્તરણ અને આબોહવા પરિવર્તનના વિશ્લેષણ માટે કરવામાં આવશે. સુપારકોના અધિકારીઓએ દાવો કર્યો છે કે આ ડેટા ગવર્નન્સ અને વ્યૂહાત્મક નિર્ણય લેવામાં અત્યંત મદદરૂપ સાબિત થશે. જોકે, આ ઉપગ્રહ પાકિસ્તાની બનાવટનો હોવાનું કહેવાય છે, પરંતુ તેના લોન્ચિંગથી લઈને ટેકનોલોજી સુધીના તમામ પાસાઓમાં ચીનનો મોટો હાથ રહ્યો છે, જે દક્ષિણ એશિયામાં ચીનના વધતા પ્રભાવને ફરી એકવાર સાબિત કરે છે.
જ્યારે પણ પાકિસ્તાન કોઈ સૈન્ય કે અવકાશ સંબંધી પ્રવૃત્તિ કરે છે, ત્યારે ભારતમાં સુરક્ષા અંગે સવાલો ઉઠતા હોય છે. જોકે, સંરક્ષણ નિષ્ણાતો માને છે કે ભારતે આનાથી ગભરાવાની જરૂર નથી. પાકિસ્તાનનો અવકાશ કાર્યક્રમ હજુ તેના શૈશવકાળમાં છે, જ્યારે ભારતનું ISRO (ઈસરો) કાર્ટોસેટ જેવી અત્યાધુનિક શ્રેણીના ઉપગ્રહો ધરાવે છે જે ૨૫-૫૦ સેમી સુધીની અત્યંત ચોકસાઈભરી તસવીરો ઝડપે છે. ભારત પાસે રહેલી એન્ટી-સેટેલાઇટ (A-SAT) ક્ષમતા અને મજબૂત જાસૂસી નેટવર્ક સામે EO-2 જેવો નાગરિક ઉપયોગ માટેનો ઉપગ્રહ કોઈ મોટો સુરક્ષા ખતરો ઉભો કરી શકે તેમ નથી.
(7:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
