News of Thursday, 12th February 2026
ભારતની ‘વોટર સર્જિકલ સ્ટ્રાઈક’ થી પાકિસ્તાનમાં ફફડાટ: ચેનાબ નદી પર ₹5,129 કરોડનો મેગા ડેમ પ્રોજેક્ટ શરૂ; ઇસ્લામાબાદે ગણાવી ‘ડીવોટરિંગ પોલિસી’, ભારતે આપ્યો જડબાતોડ જવાબ
સિંધુ જળ સંધિ થોભાવ્યા બાદ પીએમ મોદીનો મોટો એક્શન પ્લાન: જમ્મુ-કાશ્મીરમાં 1,856 મેગાવોટનો સાવલકોટ પ્રોજેક્ટ ભારતની શક્તિ વધારશે; પાકિસ્તાને આંતરરાષ્ટ્રીય મંચ પર જવાની ધમકી આપી

નવી દિલ્હી: ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધોમાં અત્યારે ‘પાણી’ મરચું છાંટી રહ્યું છે. જમ્મુ અને કાશ્મીરમાં ચેનાબ નદી પર ભારતે 1,856 મેગાવોટના સાવલકોટ હાઇડ્રોઇલેક્ટ્રિક પ્રોજેક્ટ પર કામ શરૂ કરી દેતા પાકિસ્તાનમાં હડકંપ મચી ગયો છે. પાકિસ્તાને આ પ્રોજેક્ટને પોતાની વિરુદ્ધ ભારતની ‘ડીવોટરિંગ પોલિસી’ (પાણી વંચિત રાખવાની નીતિ) ગણાવીને આંતરરાષ્ટ્રીય સ્તરે વિરોધ કરવાની પ્રતિજ્ઞા લીધી છે. જોકે, ભારતે સ્પષ્ટ કરી દીધું છે કે પોતાના વિસ્તારમાં વિકાસલક્ષી પ્રોજેક્ટ્સ ચલાવવા એ ભારતનો સાર્વભૌમ અધિકાર છે.
શું છે આ સાવલકોટ પ્રોજેક્ટ?
NHPC લિમિટેડ દ્વારા ₹5,129 કરોડના ખર્ચે તૈયાર થઈ રહેલો આ પ્રોજેક્ટ જમ્મુ-કાશ્મીરના ઉધમપુર અને રામબન જિલ્લામાં સ્થિત છે. આ પ્રોજેક્ટ બે તબક્કામાં (1,406 મેગાવોટ અને 450 મેગાવોટ) પૂર્ણ કરવામાં આવશે. આ ભારતનો એવો પહેલો મોટો પ્રોજેક્ટ છે જે સિંધુ જળ સંધિ (IWT) ને અસરકારક રીતે થોભાવ્યા બાદ શરૂ કરવામાં આવ્યો છે. આ ડેમ કાર્યરત થવાથી ભારતની વીજળી ઉત્પન્ન કરવાની ક્ષમતા તો વધશે જ, પણ સાથે સાથે પાણીના પ્રવાહ પર ભારતનું નિયંત્રણ પણ મજબૂત બનશે.
પાકિસ્તાનનો ‘અસ્તિત્વ’નો ડર
પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા તાહિર અંદ્રાબીએ આક્ષેપ કર્યો છે કે ભારત 1960ની સિંધુ જળ સંધિનું ઉલ્લંઘન કરી રહ્યું છે. પાકિસ્તાન માટે ચેનાબ નદી અસ્તિત્વનો સવાલ છે, કારણ કે દેશની ત્રણ-ચતુર્થાંશ પાણીની જરૂરિયાત આવી પશ્ચિમી નદીઓ દ્વારા પૂરી થાય છે. પાકિસ્તાને આ મામલે સિંધુ જળ કમિશનરો સમક્ષ ઔપચારિક પત્ર લખીને ભારત પાસે જવાબ માંગ્યો છે અને આંતરરાષ્ટ્રીય કોર્ટમાં જવાની ચીમકી આપી છે.
ભારતનું મક્કમ વલણ: ‘કોઈ સમાધાન નહીં’
બીજી તરફ, ભારતીય વિદેશ મંત્રાલયે પાકિસ્તાનની વાંધા અરજીઓને ફગાવી દેતા જણાવ્યું છે કે ભારતમાં હાથ ધરાતા કોઈ પણ પ્રોજેક્ટ અમારી પોતાની સમજણ અને જરૂરિયાત પર આધારિત છે. પીએમ મોદીના ‘જળ સિદ્ધાંત’ મુજબ, ભારત હવે પોતાની નદીઓના પાણીનો મહત્તમ ઉપયોગ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે. સાવલકોટ ઉપરાંત પાકલ દુલ, કિરુ અને રાતલે ડેમ જેવા પ્રોજેક્ટ્સને પણ ફાસ્ટ-ટ્રેક પર મૂકવામાં આવ્યા છે, જે ઉત્તર ભારતની ઉર્જા જરૂરિયાતો માટે ગેમ-ચેન્જર સાબિત થશે.
(8:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
