POK લોહિયાળ બન્યું: ૧૨૦ના મોત 2:41 PM
બાંગ્લાદેશની ચૂંટણીમાં ૩ દાયકા બાદ ઈતિહાસ બદલાયો: બેલેટ પેપર પરથી ‘હોડી’ ગાયબ! શેખ હસીનાની અવામી લીગ પર પ્રતિબંધ વચ્ચે લોહીયાળ ક્રાંતિ પછી પ્રથમ મતદાન
સત્તા પરથી હકાલપટ્ટી અને પક્ષની નોંધણી સ્થગિત થતા અવામી લીગ ચૂંટણીના મેદાનમાંથી બહાર: માનવતા વિરુદ્ધના ગુનાઓના આરોપો હેઠળ ટ્રાયલ ચાલુ; ૫૧ પક્ષોના ૨,૦૦૯ ઉમેદવારો વચ્ચે ખરાખરીનો જંગ

ઢાકા: બાંગ્લાદેશના રાજકીય ઈતિહાસમાં આજે એક એવો વળાંક આવ્યો છે જેની કલ્પના ત્રણ દાયકા પહેલા કોઈએ કરી નહોતી. ૩૦ વર્ષમાં પ્રથમવાર, બાંગ્લાદેશની સામાન્ય ચૂંટણીમાં મતદારોને બેલેટ પેપર પર અવામી લીગનું પ્રખ્યાત ચૂંટણી પ્રતીક ‘હોડી’ (Boat) જોવા મળશે નહીં. ઓગસ્ટ ૨૦૨૪માં થયેલા ભીષણ વિદ્યાર્થી આંદોલન અને શેખ હસીનાના ૧૬ વર્ષના શાસનના અંત બાદ, આ ચૂંટણી દેશ માટે એક નવી શરૂઆત સમાન છે.
પક્ષની નોંધણી સ્થગિત અને પ્રતિબંધનો ગાળિયો
બાંગ્લાદેશના સૌથી જૂના રાજકીય પક્ષોમાંના એક, અવામી લીગ માટે આ સમય અત્યંત કપરો સાબિત થયો છે. વચગાળાની સરકારે ગત વર્ષે પક્ષની તમામ પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ લાદ્યા બાદ ચૂંટણી પંચે તેની નોંધણી સ્થગિત કરી દીધી હતી. આંતરરાષ્ટ્રીય ગુના ટ્રિબ્યુનલમાં હત્યા, લૂંટફાટ અને માનવતા વિરુદ્ધના ગંભીર ગુનાઓની સુનાવણી પૂર્ણ ન થાય ત્યાં સુધી આ પ્રતિબંધ અમલમાં રહેશે. પરિણામે, બે દાયકાથી વધુ સમય સુધી દેશ પર શાસન કરનાર પક્ષ આ વખતે પોસ્ટલ બેલેટમાં પણ સ્થાન મેળવી શક્યો નથી.
ઈતિહાસનું પુનરાવર્તન કે પરિવર્તન?
આ અગાઉ ૧૯૮૮ અને ૧૯૯૬માં અવામી લીગે ચૂંટણીનો બહિષ્કાર કર્યો હતો, પરંતુ આ વખતે બહિષ્કાર નહીં પણ કાયદાકીય મનાઈને કારણે પક્ષ મેદાનની બહાર છે. બાંગ્લાદેશની કુલ ૧૩ સંસદીય ચૂંટણીઓમાંથી આ ત્રીજી એવી ચૂંટણી છે જ્યાં ‘હોડી’નું ચિહ્ન ગેરહાજર છે. જુલાઈ ૨૦૨૪ના સામૂહિક બળવાએ દેશના રાજકીય નકશા પરથી એક મજબૂત પક્ષને હાલ પૂરતો અદ્રશ્ય કરી દીધો છે.
ચૂંટણીનું ચિત્ર: કોણ છે મેદાનમાં?
ચૂંટણી પંચના જણાવ્યા મુજબ, દેશમાં કુલ ૬૩ નોંધાયેલા પક્ષોમાંથી હાલ ૫૯ પક્ષો અસ્તિત્વમાં છે, જેમાંથી ૫૧ પક્ષો ૧૩મી સંસદીય ચૂંટણી લડી રહ્યા છે. કુલ ૨,૦૦૯ ઉમેદવારો નસીબ અજમાવી રહ્યા છે, જેમાં પક્ષ દ્વારા નામાંકિત અને મોટી સંખ્યામાં સ્વતંત્ર ઉમેદવારોનો સમાવેશ થાય છે. શેખ હસીના ભારત ગયા બાદ અને અવામી લીગની ગેરહાજરીમાં, બાંગ્લાદેશનો સામાન્ય નાગરિક હવે કયા પક્ષ પર ભરોસો મૂકે છે તે જોવું રસપ્રદ રહેશે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
