બાંગ્લાદેશમાં 'Gen-Z' નો શંખનાદ: ૧૭ વર્ષના ઈંતઝાર બાદ યુવાનોએ પહેલીવાર કર્યું મતદાન; ‘નવા બાંગ્લાદેશ’ ના જન્મદિવસ પર પરિવર્તનની આશા
શેખ હસીનાના શાસનનો અંત લાવનાર વિદ્યાર્થીઓના જોશથી મતદાન મથકો છલકાયા: ૨૭ વર્ષના યુવાનોએ પણ જીવનમાં પ્રથમવાર વાપર્યો મતાધિકાર; ભ્રષ્ટાચાર અને અરાજકતા મુક્ત દેશની કરી માંગ

ઢાકા : બાંગ્લાદેશના ઈતિહાસમાં ૧૨ ફેબ્રુઆરી, ૨૦૨૬નો દિવસ સુવર્ણ અક્ષરે લખાશે. જુલાઈ ૨૦૨૪ના હિંસક વિદ્યાર્થી આંદોલને ૧૫ વર્ષ જૂની સત્તાને ઉથલાવી દીધી હતી, અને આજે એ જ ક્રાંતિના મશાલચી એવા યુવાનોએ બુલેટના બદલે બેલેટ (મતદાન) દ્વારા દેશનું ભાગ્ય લખવા મતદાન મથકો પર કતારો લગાવી હતી. વચગાળાની સરકારના મુખ્ય સલાહકાર મુહમ્મદ યુનુસે આ ચૂંટણીને "નવા બાંગ્લાદેશના જન્મદિવસ" તરીકે ઓળખાવી છે.
મતદાન મથક પર ઉભેલા ૨૭ વર્ષના એક યુવાને ભાવુક થઈને જણાવ્યું કે, "મને આજે જે ગૌરવ અનુભવાય છે તે શબ્દોમાં વર્ણવી શકાય તેમ નથી. હું ૨૭ વર્ષનો છું, પરંતુ અગાઉના સરમુખત્યારશાહી શાસનને કારણે છેલ્લા ૧૭ વર્ષમાં મને ક્યારેય મતદાન કરવાની તક મળી નહોતી. આજે પહેલીવાર હું અનુભવી રહ્યો છું કે આ દેશમાં મારો અવાજ પણ સંભળાશે." આ વાર્તા બાંગ્લાદેશના લાખો યુવાનોની છે જેમણે લોકશાહીનો સાચો અર્થ આજે અનુભવ્યો છે.
ચૂંટણીમાં યુવતીઓ અને મહિલાઓનો ઉત્સાહ પણ જોરદાર રહ્યો હતો. એક મહિલા મતદાતાએ કહ્યું કે, "આ મારો પહેલો મતદાન છે અને અનુભવ શાનદાર છે. અમારો દેશ ભ્રષ્ટાચાર અને અરાજકતામાં ફસાયેલો હતો. હવે અમને આશા છે કે નવા બંધારણ અને નવા નિયમો સાથે પ્રગતિશીલ બાંગ્લાદેશનું નિર્માણ થશે. અમે એવા નેતાને ઈચ્છીએ છીએ જે નેતૃત્વ કૌશલ્ય ધરાવતા હોય અને નૈતિક મૂલ્યોને પ્રાથમિકતા આપે."
મુખ્ય સલાહકાર ડૉ. મુહમ્મદ યુનુસે ઢાકાના મતદાન મથક પર પોતાનો મત આપીને નાગરિકોને લોકશાહીના આ પર્વમાં જોડાવા હાકલ કરી હતી. બીજી તરફ, બાંગ્લાદેશ રાષ્ટ્રવાદી પક્ષ (BNP) ના વડા તારિક રહેમાન પણ તેમની પત્ની અને પુત્રી સાથે મતદાન કરવા પહોંચ્યા હતા. તેમણે આ ચૂંટણીને દેશને દુઃસ્વપ્ન જેવા ભૂતકાળમાંથી બહાર લાવવાની તક ગણાવી હતી. સમગ્ર દેશમાં અત્યારે એક જ સૂર ગુંજી રહ્યો છે: "અવરોધ વગરનું મતદાન અને સુંદર બાંગ્લાદેશનું સપનું.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
