<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 12th February 2026

રાજપાલ યાદવ પાસે ₹50 કરોડનું સામ્રાજ્ય હોવા છતાં જેલવાસ કેમ? KRK એ ઉઠાવ્યા ગંભીર સવાલો- ‘પત્ની બહાર અને પતિ જેલમાં, આ તે કેવું ગણિત?’

કોમેડી કિંગની કાનૂની મુશ્કેલીમાં બોલિવૂડના ‘વિવેચક’નો નવો વિવાદ: 5 કરોડની લોન સામે કરોડોની સંપત્તિ હોવાનો દાવો; સલમાન-અજય જેવા દિગ્ગજો મદદ માટે આગળ આવ્યા છતાં KRK એ ખોલ્યા જૂના પાના

મુંબઈ:બોલિવૂડના ફેમસ કોમેડિયન રાજપાલ યાદવ અત્યારે જેલના સળિયા ગણી રહ્યા છે, પરંતુ બહાર તેમના નામે વિવાદોનું તોફાન શમવાનું નામ નથી લઈ રહ્યું. હંમેશા વિવાદોમાં રહેતા કમાલ રાશિદ ખાન ઉર્ફે KRK એ રાજપાલ યાદવના કેસમાં સોશિયલ મીડિયા પર એક પછી એક અનેક વિસ્ફોટક ટ્વીટ કરીને ખળભળાટ મચાવી દીધો છે. KRK નો દાવો છે કે રાજપાલ યાદવ પાસે ₹૫૦ કરોડની સંપત્તિ છે, તેમ છતાં તેઓ જાણીજોઈને લોન ચૂકવી રહ્યા નથી.
KRK એ પોતાની પોસ્ટમાં એક મોટો પ્રશ્ન ઉઠાવ્યો છે કે જો આ કેસ રાજપાલ યાદવ અને તેમની પત્ની બંને સામે હતો, તો માત્ર રાજપાલ જ કેમ જેલમાં છે? તેમણે દાવો કર્યો કે, "રાજપાલ યાદવની પત્નીનો ₹૧.૫૦ કરોડનો હિસ્સો ચૂકવી દેવામાં આવ્યો છે, તેથી તેઓ બહાર છે." વધુમાં, KRK એ એવો પણ ગંભીર આરોપ લગાવ્યો કે રાજપાલે બોલિવૂડની અનેક હસ્તીઓ પાસેથી પૈસા ઉધાર લીધા છે અને હજુ સુધી પરત કર્યા નથી.
આ સમગ્ર વિવાદ ૨૦૧૦માં શરૂ થયો હતો જ્યારે રાજપાલે પોતાની ડિરેક્ટોરિયલ ડેબ્યૂ ફિલ્મ ‘આતા પતા લપતા’ માટે ₹૫ કરોડની લોન લીધી હતી. ફિલ્મ ફ્લોપ રહી અને વ્યાજ સાથે આ રકમ ₹૯ કરોડ સુધી પહોંચી ગઈ. જ્યારે ચેક આપવામાં આવ્યો ત્યારે તે બાઉન્સ થયો, જેના કારણે કોર્ટે કડક વલણ અપનાવ્યું. KRK એ કટાક્ષ કરતા કહ્યું કે, "જો તેની પાસે ખરેખર પૈસા નથી તો મદદ કરવી જોઈએ, પણ જો સંપત્તિ હોવા છતાં તે લોન નથી ચૂકવતો તો તે તેની પોતાની સમસ્યા છે."
એકતરફ KRK દ્વારા ટીકા કરવામાં આવી રહી છે, તો બીજી તરફ ફિલ્મ ઉદ્યોગના દિગ્ગજો રાજપાલ યાદવની વહારે આવ્યા છે. સલમાન ખાન, અજય દેવગન, સોનુ સૂદ અને મીકા સિંહ જેવા સ્ટાર્સે રાજપાલને આ મુશ્કેલીમાંથી બહાર લાવવા માટે આર્થિક મદદ અને ટેકો આપવાની ખાતરી આપી છે. હવે જોવાનું એ રહેશે કે સોમવારે કોર્ટની સુનાવણીમાં રાજપાલને રાહત મળે છે કે વિવાદ વધુ વકરે છે

(9:27 PM IST)