News of Thursday, 12th February 2026
સુરતથી પશ્ચિમ બંગાળ સુધી દોડશે ‘ગૂડ્સ ટ્રેન’ની સ્પેશિયલ લાઈન: ડંકુની-સુરત ફ્રેઈટ કોરિડોર માટે રેલવેની ફાસ્ટ-ટ્રેક એક્શન; 2100 કિમી લાંબો રૂટ બદલી નાખશે દેશનો નકશો
કેન્દ્રીય બજેટ 2026ની જાહેરાત બાદ રેલવે બોર્ડ એક્શન મોડમાં: ગુજરાત સહિત 5 રાજ્યોને મળશે સીધો ફાયદો; માલસામાનની હેરફેર થશે સુપરફાસ્ટ અને રેલવેના મુખ્ય રૂટ પર ટ્રાફિકનું ભારણ ઘટશે

નવી દિલ્હી : ભારતીય રેલવેએ દેશના ઔદ્યોગિક વિકાસને નવી ગતિ આપવા માટે કમર કસી છે. કેન્દ્રીય બજેટ 2026-27માં જાહેર કરાયેલા 'ડંકુની-સુરત ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોર' (DFC) ના અમલીકરણ માટે રેલવે મંત્રાલયે હવે ફાસ્ટ-ટ્રેક કાર્યવાહી શરૂ કરી દીધી છે. આશરે 2,100 કિલોમીટર લાંબો આ મેગા પ્રોજેક્ટ પશ્ચિમના સુરતથી શરૂ થઈને પૂર્વના પશ્ચિમ બંગાળના ડાંકુની સુધી જશે, જે ભારતના લોજિસ્ટિક્સ સેક્ટરમાં ક્રાંતિ લાવશે.
પાંચ રાજ્યોમાંથી પસાર થતો આર્થિક કોરિડોર
રેલવેનો આ પ્રસ્તાવિત કોરિડોર માત્ર એક પાટાની લાઈન નથી, પરંતુ પાંચ રાજ્યો — ગુજરાત, મહારાષ્ટ્ર, ઓડિશા, ઝારખંડ અને પશ્ચિમ બંગાળ — માટે આર્થિક સમૃદ્ધિનો માર્ગ છે. આ કોરિડોર દ્વારા દેશના પૂર્વ અને પશ્ચિમ છેડાઓ વચ્ચે માલસામાનની અવરજવર અત્યંત ઝડપી અને કાર્યક્ષમ બનશે. તે ઉદ્યોગો માટે ખર્ચ ઘટાડશે અને સમયની બચત કરશે, જેનાથી ભારતની વૈશ્વિક સ્પર્ધાત્મકતા વધશે.
ભીડમાંથી મળશે મુક્તિ
હાલમાં ભારતીય રેલવેના મુખ્ય રૂટ પર પેસેન્જર ટ્રેનો અને માલગાડીઓ એક જ ટ્રેક પર દોડે છે, જેના કારણે ટ્રેનો મોડી પડે છે. આ નવો સમર્પિત કોરિડોર તૈયાર થવાથી માલગાડીઓ અલગ ટ્રેક પર દોડશે, જેના કારણે હાલના રેલવે રૂટ પર ભીડ ઘટશે અને મુસાફર ટ્રેનોની ઝડપમાં પણ સુધારો થશે.
રેલવે બોર્ડની યુદ્ધના ધોરણે તૈયારી
રેલવે બોર્ડે તાજેતરમાં કડક નિર્દેશ આપ્યા છે કે બાંધકામ શરૂ થાય તે પહેલાની તમામ પ્રવૃત્તિઓ જેવી કે જમીન સંપાદન અને સર્વેક્ષણને વહેલી તકે પૂર્ણ કરવામાં આવે. સાથે જ કરાર અને ટેન્ડર પ્રક્રિયાના દસ્તાવેજો તૈયાર કરવાનું કામ પણ શરૂ કરી દેવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટ આગામી વર્ષોમાં ભારતીય રેલવેનો સૌથી મહત્વનો પિલર સાબિત થશે.
(9:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
