તા. ૪ ડિસેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર સુદ – ૧૫ ગુરૂવાર
News of Thursday, 12th February 2026
ભારત બન્યું ‘ડિજિટલ સુપરપાવર’: RBIનો પેમેન્ટ ઇન્ડેક્સ પહેલીવાર ૫૦૦ને પાર: દુનિયા જોતી રહી ગઈ ભારતની સ્પીડ!
માર્ચ ૨૦૧૮ના ૧૦૦ના સ્કોર સામે સપ્ટેમ્બર ૨૦૨૫માં ઇન્ડેક્સ ૫૧૬.૭૬ પર પહોંચ્યો: UPIના દમ પર ભારતે ચીન અને બ્રાઝિલને પછાડી વૈશ્વિક રિયલ-ટાઇમ પેમેન્ટ્સમાં ૪૯% બજાર હિસ્સા સાથે મેળવ્યું પ્રથમ સ્થાન

મુંબઈ: ભારત અત્યારે રોકડ વ્યવહારો છોડીને ડિજિટલ ચૂકવણી તરફ એટલી ઝડપથી આગળ વધી રહ્યું છે કે ભારતીય રિઝર્વ બેંકનો ડિજિટલ પેમેન્ટ્સ ઇન્ડેક્સ (RBI-DPI) ઇતિહાસમાં પહેલીવાર ૫૦૦ના આંકડાને પાર કરી ગયો છે. તાજેતરના ડેટા મુજબ, માર્ચ ૨૦૨૫માં જે ઇન્ડેક્સ ૪૯૩.૨૨ હતો, તે સપ્ટેમ્બર ૨૦૨૫ સુધીમાં વધીને ૫૧૬.૭૬ પર પહોંચી ગયો છે. વર્ષ ૨૦૧૮ને આધાર વર્ષ (સ્કોર ૧૦૦) ગણીને શરૂ કરાયેલા આ સૂચકાંકમાં આવેલો આ જંગી ઉછાળો સાબિત કરે છે કે ગલીના નાકે ઉભેલા લારીવાળાથી લઈને મોટા શોરૂમ્સ સુધી હવે ડિજિટલ પેમેન્ટ એ જીવનશૈલીનો ભાગ બની ગયું છે. કેન્દ્રીય બેંકના મતે, પેમેન્ટ પરફોર્મન્સ અને દેશભરમાં ઉપલબ્ધ નવીન પેમેન્ટ સુવિધાઓ આ પ્રગતિના મુખ્ય સ્તંભો છે.
આ સફળતામાં સૌથી મોટો ફાળો 'યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ' એટલે કે UPIનો રહ્યો છે. આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ (IMF) એ પણ જૂન ૨૦૨૫ના તેના રિપોર્ટમાં UPIને વિશ્વની સૌથી મોટી રિટેલ ઇન્સ્ટન્ટ પેમેન્ટ સિસ્ટમ તરીકે બિરદાવી છે. 'ACI વર્લ્ડવાઇડ'ના આંકડા તો વધુ ચોંકાવનારા છે, જે મુજબ વૈશ્વિક રિયલ-ટાઇમ પેમેન્ટ માર્કેટમાં ભારત એકલું ૪૯ ટકા હિસ્સો ધરાવે છે. વર્ષ ૨૦૨૪માં ભારતે ૧૨૯.૩ અબજના વ્યવહાર વોલ્યુમ સાથે ચીન (૧૭.૨ અબજ), બ્રાઝિલ (૩૭.૪ અબજ) અને થાઇલેન્ડને જોજનો પાછળ છોડી દીધા છે. ભારતની આ સિદ્ધિ હવે વિકસિત દેશો માટે પણ એક અભ્યાસનો વિષય બની ગઈ છે.
RBI-DPI ની ગણતરીમાં કુલ પાંચ પરિમાણોનો ઉપયોગ કરવામાં આવે છે, જેમાં પેમેન્ટ પરફોર્મન્સને સૌથી વધુ ૪૫ ટકા વેઇટેજ આપવામાં આવે છે. ત્યારબાદ પેમેન્ટ સુવિધા (૨૫%), ડિમાન્ડ અને સપ્લાય સાઇડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર (૧૦-૧૦%) અને ગ્રાહક કેન્દ્રિતતા (૫%) ને સ્થાન અપાયું છે. જે રીતે ગામડાઓમાં પણ ઇન્ટરનેટ અને સ્માર્ટફોનનો વ્યાપ વધ્યો છે, તેને જોતા આગામી સમયમાં ડિજિટલ ઇકોનોમી નવી ઊંચાઈઓ સર કરશે તે નક્કી છે. ભારતની આ 'કેશલેસ' મુસાફરી માત્ર પારદર્શિતા જ નથી લાવી, પરંતુ અર્થતંત્રને ગતિશીલ બનાવવામાં પણ પાયાનો પથ્થર સાબિત થઈ રહી છે.
(10:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
