News of Friday, 13th February 2026
'એઆઈ ફોર ઓલ': ભારત બનશે વૈશ્વિક એઆઈ પાવરહાઉસ: નવી દિલ્હીમાં સોમવારથી ભવ્ય એઆઈ ઈમ્પેક્ટ સમિટનું આયોજન; ૯ વડાપ્રધાન, ૭ રાષ્ટ્રપતી, ૨ ઉપરાષ્ટ્રપતિ સહિત વિશ્વભરના નેતાઓ આપશે હાજરી: ન્યુઝ ફર્સ્ટ
અબજો ડોલરના રોકાણોની સમજૂતીઓ થઈ શકે છે: માત્ર રાજકીય નેતાઓ જ નહીં, પરંતુ વિશ્વની ટોચની ટેક કંપનીઓના વડાઓ ગૂગલના સુંદર પિચાઈ, ઓપનએઆઈના સેમ ઓલ્ટમેન, માઈક્રોસોફ્ટના બ્રેડ સ્મિથ અને એનવીડિયાના જેન્સન હુઆંગ જેવા દિગ્ગજો પણ આ મંચ પરથી સંબોધન કરશે

નવી દિલ્હી: દેશની રાજધાની નવી દિલ્હી ખાતે આગામી સોમવાર તા. ૧૬ થી ૨૦ ફેબ્રુઆરી, ૨૦૨૬ દરમિયાન આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઈ) ના ક્ષેત્રમાં એક ઐતિહાસિક વૈશ્વિક મંથનનું સાક્ષી બનવા જઈ રહ્યું છે. ભારત સરકાર દ્વારા આયોજિત આ 'ઈન્ડિયા એઆઈ ઈમ્પેક્ટ સમિટ' માં ભાગ લેવા માટે ભારતે વિશ્વભરના ૧૮ થી વધુ ટોચના રાષ્ટ્રીય નેતાઓને આમંત્રણ પાઠવ્યું છે. આ સમિટમાં ૯ વડાપ્રધાન, ૭ રાષ્ટ્રપતિ અને ૨ ઉપરાષ્ટ્રપતિઓ સહિત કુલ ૧૮ મહાનુભાવો નવી દિલ્હીમાં ઉપસ્થિત રહીને આધુનિક ટેકનોલોજીના ભવિષ્ય અંગે ચર્ચા કરશે.
ભારત મંડપમ ખાતે યોજાનારા આ પાંચ દિવસીય કાર્યક્રમમાં આંતરરાષ્ટ્રીય સ્તરે ટેકનોલોજીના સંતુલિત અને સર્વસમાવેશી ઉપયોગ પર ભાર મૂકવામાં આવશે.
આ સમિટની જાહેરાત વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ અગાઉ કરી હતી, જેનો મુખ્ય ઉદ્દેશ્ય 'ગ્લોબલ સાઉથ' એટલે કે વિકાસશીલ દેશોના અવાજને એઆઈ જેવી ક્રાંતિકારી ટેકનોલોજીમાં સ્થાન અપાવવાનો છે.
ભારતના આમંત્રણને માન આપીને આર્મેનિયા, ભૂટાન, ક્રોએશિયા, ફિનલેન્ડ, સ્પેન, ગ્રીસ, નેધરલેન્ડ, કઝાકિસ્તાન અને મોરેશિયસના વડાપ્રધાનો આ સમિટમાં જોડાશે. આ ઉપરાંત બ્રાઝિલ, એસ્ટોનિયા, સ્લોવાકિયા, શ્રીલંકા, ફ્રાન્સ, સર્બિયા અને સ્વિટ્ઝર્લેન્ડના રાષ્ટ્રપતિઓ પણ ભારતની મુલાકાતે આવશે. આ સાથે ગુયાના અને સેશેલ્સના ઉપરાષ્ટ્રપતિઓ પણ ખાસ હાજરી આપવાના છે.
સમિટ દરમિયાન વિવિધ વિષયો પર ઊંડાણપૂર્વક ચર્ચા કરવામાં આવશે, જેમાં એઆઈ ગવર્નન્સ, સુરક્ષિત અને વિશ્વાસપાત્ર ટેકનોલોજી, કૃષિ અને આરોગ્ય ક્ષેત્રે એઆઈનો ઉપયોગ તેમજ સામાજિક સશક્તિકરણ જેવા મુખ્ય મુદ્દાઓનો સમાવેશ થાય છે.
કેન્દ્રીય આઈટી મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું છે કે આ સમિટ ભારતને એઆઈ, સેમિકન્ડક્ટર અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે મોટા રોકાણો મેળવવામાં મદદરૂપ થશે. અંદાજ મુજબ આ સમિટ દરમિયાન અબજો ડોલરના રોકાણોની સમજૂતીઓ થઈ શકે છે.
નોંધનીય છે કે માત્ર રાજકીય નેતાઓ જ નહીં, પરંતુ વિશ્વની ટોચની ટેક કંપનીઓના વડાઓ પણ દિલ્હીમાં ધામા નાખશે. ગૂગલના સુંદર પિચાઈ, ઓપનએઆઈના સેમ ઓલ્ટમેન, માઈક્રોસોફ્ટના બ્રેડ સ્મિથ અને એનવીડિયાના જેન્સન હુઆંગ જેવા દિગ્ગજો પણ આ મંચ પરથી સંબોધન કરશે.
ભારત આ સમિટ દ્વારા વિશ્વને એ સંદેશ આપવા માંગે છે કે ટેકનોલોજી માત્ર મર્યાદિત દેશો પૂરતી સીમિત ન રહેતા, પૃથ્વીના દરેક નાગરિકના કલ્યાણ માટે ઉપયોગમાં લેવાવી જોઈએ. આ પાંચ દિવસીય કાર્યક્રમમાં પ્રદર્શન, ગોળમેજી પરિષદ અને પેનલ ચર્ચાઓ દ્વારા ભારતીય સ્ટાર્ટઅપ્સને પણ વૈશ્વિક પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવશે.
આ સમિટમાં ૧૦૦ થી વધુ દેશોના પ્રતિનિધિઓ અને ૫૦ થી વધુ આંતરરાષ્ટ્રીય મંત્રીઓ હાજરી આપીને 'એઆઈ ફોર ઓલ' ના વિઝનને મજબૂત બનાવશે.
(9:40 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
