News of Friday, 13th February 2026
દેશમાં પહેલી વાર મુંબઈમાં મ્યુઝિકલ રોડ બન્યો
રસ્તા પર ટાયર ઘસાવાથી ગીતની ધૂન વાગશે

મુંબઈ તા.૧૩: ભારતમાં હવે રોડ રસ્તા કંઈક અલગ પ્રકારના બની રહ્યા છે. આ વાત એટલા માટે અમે કહી રહ્યા છે કારણકે મુંબઈમાં પહેલી વાર હવે રસ્તા પરથી શાંતિથી ગાડી લઈને નીકળશો તો તમને મ્યુઝિક સાંભળવા મળશે. આ અનોખો રોડ મુંબઈના કોસ્ટલ રોડ પર બનાવવામાં આવ્યો છે. જે નરીમન પોઈન્ટથી વર્લી જતા લેન વચ્ચે આવે છે. રસ્તા પર આપમેળે મ્યુઝિકની ધૂન સાંભળવામાં આવે આ વાત ઘણી રસપ્રદ છે.
બીએમસીએ છત્રપતિ સંભાજી મહારાજ કોસ્ટલ રોડ પર ભારતની પહેલી મ્યુઝિકલ રોડ શરૂ કરી છે. નરીમન પોઈન્ટથી વર્લી જતા રોડ પર ૫૦૦ મીટર ભાગ ખાસ રીતે ડિઝાઈન કરવામાં આવ્યો છે. જો ગાડી ૬૦ થી ૮૦ની સ્પીડે ચલાવશો તો તમને અહીંયા ઓસ્કર વિનિગ ફિલ્મ સ્લમ ડોગ મિલિયોનેરનું ગીત જય હો ની ધૂન સાંભળવા મળશે.
સૌથી ખાસ વાત એ છે કે આ અવાજ કોઈ સ્પીકર દ્વારા નથી આવતી પરંતુ ટાયર અને રસ્તાના ઘર્ષણથી ઉત્પન્ન થાય છે. આ ટેક્રોલોજી પાછળ સાયન્સ છે જેમાં રસ્તા પર ખાસ પ્રકારના rumble Strips એટલે કે ખાંચા બનાવવામાં આવ્યા. આ ખાંચાઓના અંતરને યોગ્ય રીતે સેટ કરવામાં આવ્યા છે. જ્યારે ટાયર અહીંયાથી પસાર થાય ત્યારે ફ્રીક્વન્સી વાઈબ્રેશન બને છે. જેના કારણે કારની અંદર બેઠેલા લોકોને મ્યુઝિક જેવો અનુભવ થાય છે. પરંતુ જો સ્પીડ ઓછી કે વધારે હોય તો સૂર બગડી શકે છે.
ઈન્સ્ટાગ્રામ પર બીએમસીના ઓફિશિયલ એકાઉન્ટ પર આ રોડનો વીડિયો પણ શેર કરવામાં આવ્યો છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને નાયબ મુખ્યમંત્રી એકનાથ શિદેએ રોડનું ઉદ્ધાટન કર્યું. જેમાં ડેપ્યુટી સીએમ શિદેએ કહ્યું કે આ હજુ ટ્રાયલ છે. સાથે જ કહ્યું કે આ રોડનો હેતુ માત્ર મનોરંજનનો નથી પણ ડ્રાઈવરોને એલર્ટ કરવાનો પણ છે. આ હંગેરીની ટેક્રોલોજી પર આધારિત છે. જે ભારતમાં પહેલી વાર લાગુ થઈ છે.
ઉલ્લેખનીય છે કે મુંબઈની આ મ્યુઝિકલ રોડ માત્ર મુસાફરીને રસપ્રદ નથી બનાવતી પરંતુ સુરક્ષિત ડ્રાઈવિગ નિયમોનો પણ ઉલ્લેખ કરે છે. હવે લોકો અહીંયાથી નીકળશે ત્યારે તો રસ્તા પોતે કહેશે જય હો. આ રીતનો રોડ દેશમાં પહેલી વાર બનાવવામાં આવ્યો છે. જેથી આ રોડ સોશિયલ મીડિયા પર ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.(૩૮.૧૦)
(9:58 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
