<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 13th February 2026

રોલ્‍સ-રોયસની ભારત માટે મેગા યોજનાઃ યુદ્ધવિમાનના એન્‍જિનનું ઉત્‍પાદન કરશે

યુકેની બહાર ભારતને તેનું ત્રીજું હોમ માર્કેટ બનાવશે : રોલ્‍સ રોયસ ભારતમાં તેના કર્મચારીઓની સંખ્‍યા બમણી એટલે કે ૧૦,૦૦૦ કરશે અને સ્‍થાનિક બજારમાંથી ખરીદીમાં ૧૦ ગણો વધારો કરશે

 

નવી દિલ્‍હી,તા.૧૩: વડાપ્રધાન  મોદીને મળ્‍યાના એક દિવસ પછી બ્રિટનની અગ્રણી એરો એન્‍જિન ઉત્‍પાદન કંપની રોલ્‍સ-રોયસના સીઈઓ તુફાન ઇર્ગિનબિલજિકે ગુરુવારે ભારતના સંરક્ષણ, ઉર્જા અને નાગરિક ઉડ્ડયન ક્ષેત્રો માટે મેગા યોજનાની જાહેરાત કરી હતી. તેમાં ભારતમાં નેક્‍સ્‍ટ જનરેશન યુદ્ધ વિમાનો માટે એરો એન્‍જિનનું સહ-ઉત્‍પાદન કરવાની અને તેની ટેકનોલોજી ટ્રાન્‍સફર કરવાનો પણ સમાવેશ થાય છે. કંપની ભારતને યુકેની બહાર તેનું ત્રીજા હોમ માર્કેટ બનાવવા પર ધ્‍યાન કેન્‍દ્રિત કરી રહી છે.

આ રોડમેપ હેઠળ રોલ્‍સ રોયસ ભારતમાં તેના કર્મચારીઓની સંખ્‍યા બમણી એટલે કે ૧૦,૦૦૦ કરશે અને સ્‍થાનિક બજારમાંથી ખરીદીમાં ૧૦ ગણો વધારો કરશે. કંપનીએ તેના હાઇ ટેક મેન્‍યુફેક્‍ચરિગ માટે ભારતને વૈશ્વિક હબ બનાવવાની પણ લાંબા ગાળાની યોજના બનાવી છે.  વડાપ્રધાન સાથે મુલાકાત ઉપરાંત ઇર્ગિનબિલજિકે ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત દોવાલ અને વાણિજ્‍ય પ્રધાન પીયૂષ ગોયલ સાથે પણ અલગથી વાતચીત કરી હતી. વડાપ્રધાન મોદીએ સોશિયલ મીડિયા પર જણાવ્‍યું હતું કે અમે ભારતમાં બિઝનેસ વધારવા અને અમારા ઇનોવેટિવ અને ગતિશીલ યુવાનો સાથે ભાગીદારી કરવા માટે રોલ્‍સ-રોયસના ઉત્‍સાહનું સ્‍વાગત કરીએ છીએ.

આ અગ્રણી એરો એન્‍જિન કંપનીએ યુકેની બહાર ભારતને તેનું ત્રીજુ હોમ માર્કેટ બનાવવા માટે ધ્‍યાન કેન્‍દ્રીત કરી રહી છે. કંપની જેટ એન્‍જિન, નેવલ પ્રોપલ્‍શન, લેન્‍ડ સિસ્‍ટમ્‍સ અને એડવાન્‍સ્‍ડ એન્‍જાિનિયરિગના વિકાસમાં ભારતીય બજારની સંપૂર્ણ તકનો લાભ લેવાની વ્‍યૂહરચના ઘડી છે. સીઇઓએ જણાવ્‍યુ હતું કે અમે સ્‍વદેશી પ્રોપલ્‍શન ક્ષમતાઓ વિકસાવીને, મહત્‍વપૂર્ણ માળખાગત સુવિધાઓ અને ઉદ્યોગોને સતત ક્ષમતા પૂરી પાડીને અને વૈશ્વિક સપ્‍લાય ચેઇન માટે સ્‍થાનિક ઉત્‍પાદનનો વિસ્‍તાર કરીને ભારતની આત્‍મનિર્ભર યાત્રામાં ભાગીદાર બનવા માટે કટિબદ્ધ છીએ.(૪૦.૬)

(10:22 AM IST)