<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 13th February 2026

માતા વૈષ્ણોદેવી મંદિરમાં સુરક્ષામાં મોટી ચૂક: "ચશ્મા કેમેરા"થી ગુપ્ત રીતે શૂટિંગ કરનાર વિરુદ્ધ ગુનો નોંધાયો

જમ્મુ: વિશ્વપ્રસિદ્ધ માતા વૈષ્ણોદેવી મંદિરમાં સુરક્ષા વ્યવસ્થામાં ગંભીર ચૂક સામે આવી છે. 'શિખા' નામની એક કન્ટેન્ટ સર્જકે સુરક્ષાકર્મીઓની નજર ચૂકવીને અત્યંત પ્રતિબંધિત ગણાતા ગર્ભગૃહ, પવિત્ર પ્રાચીન ગુફા અને અટકા આરતી સ્થળના વીડિયો અને ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ કર્યા છે. 

 

આ વીડિયો મોબાઈલથી નહીં, પરંતુ આધુનિક કેમેરા ધરાવતા ચશ્મા પહેરીને શૂટ કરવામાં આવ્યા હતા, જેને સુરક્ષા તપાસ દરમિયાન સામાન્ય ચશ્મા સમજી અવગણવામાં આવ્યા હતા.

 

મંદિર સંકુલમાં સલામતીના પગલારૂપે  ફોટોગ્રાફી અને વીડિયોગ્રાફી પર સખત પ્રતિબંધ હોવા છતાં આ ઘટના બનતા શ્રી માતા વૈષ્ણોદેવી શ્રાઈન બોર્ડે કડક વલણ અપનાવ્યું છે. આ મામલે સત્તાવાર રીતે એફઆઈઆર નોંધવામાં આવી છે અને પોલીસ તપાસ તેજ કરવામાં આવી છે. 

 

શ્રાઈન બોર્ડ એ બાબતની પણ તપાસ કરી રહ્યું છે કે શું આ કૃત્યમાં બોર્ડના કોઈ કર્મચારીની સંડોવણી કે બેદરકારી રહેલી છે. જો કોઈ કર્મચારી દોષિત જણાશે તો તેની સામે કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન સહિત અનેક મહાનુભાવો આ સંવેદનશીલ ધાર્મિક સ્થળની મુલાકાત લેતા હોય છે, જ્યાં સુરક્ષાના કડક નિયમો લાગુ છે. 

 

સોશિયલ મીડિયા પર હોબાળો મચ્યા બાદ સંબંધિત કન્ટેન્ટ સર્જકે વીડિયો ડિલીટ કરી દીધો હતો, પરંતુ ત્યાં સુધીમાં આ વીડિયો હજારો લોકો જોઈ ચૂક્યા હતા. આ ઘટનાએ મંદિરની સુરક્ષા વ્યવસ્થા અને તપાસની પદ્ધતિઓ સામે ગંભીર સવાલો ઉભા કર્યા છે.*

 

(2:12 PM IST)