<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 13th February 2026

તામિલનાડુમાં ૧.૩૧ કરોડ મહિલાઓના ખાતામાં રૂ.૫૦૦૦ જમા

કલાઇગ્નાર મહિલા અધિકાર યોજના : વિધાનસભા ચૂંટણીમાં જો DMKપાર્ટી ફરી સત્તામાં આવશે તો માસિક સહાયની રકમ બમણી કરવામાં આવશે

ચેન્નઈ, તા.૧૩: તામિલનાડુ વિધાનસભા ચૂંટણી પહેલાં મુખ્‍ય મંત્રી એમ. કે. સ્‍ટાલિને મોટો દાવ રમ્‍યો છે. તેમણે જાહેરાત કરી હતી કે કલાઇગ્નાર મહિલા અધિકાર યોજના હેઠળ રાજ્‍યની આશરે ૧.૩૧ કરોડ મહિલાઓના બેંક ખાતામાં ૫૦૦૦ રૂપિયા જમા કરવામાં આવ્‍યા છે.

સ્‍ટાલિને કહ્યું હતું કે સરકાર દ્વારા મહિલા લાભાર્થી યોજનાના અંતર્ગત દરેક પાત્ર મહિલાને ૫૦૦૦ રૂપિયા આપવામાં આવ્‍યા છે. તેમણે એ સાથે જ જાહેરાત કરી કે આવનારી વિધાનસભા ચૂંટણીમાં જો તેમની દ્રવિડ મુનેત્ર કઝગમ પાર્ટી ફરી સત્તામાં આવશે તો માસિક સહાયની રકમ બમણી કરવામાં કરવામાં આવશે. સોશિયલ મિડિયા પ્‍લેટફોર્મ પર પોસ્‍ટ કરેલા વિડિયો સંદેશમાં તેમણે જણાવ્‍યું કે મહિલાઓને મળતી માસિક આર્થિક સહાય અટકાવવાના પ્રયાસનો સામનો કરવા માટે ફેબ્રુઆરીથી ત્રણ મહિના સુધી આ રકમ આપવામાં આવશે. એ સાથે જ ઉનાળાના ખર્ચને ધ્‍યાનમાં રાખીને વધારાના ૨૦૦૦ રૂપિયા સમર સ્‍પેશિયલ બોનસ રૂપે આપવામાં આવશે.

તેમણે કહ્યું હતું કે ફેબ્રુઆરી, માર્ચ અને એપ્રિલ મહિનાની રકમ જારી કરી દેવામાં આવી છે ラ જેમાં દર મહિને ૩૦૦૦ રૂપિયા સહાય અને ૨૦૦૦ રૂપિયા ખાસ બોનસ તરીકે સામેલ છે. આ સમગ્ર રકમ સીધી ૧.૩૧ કરોડ મહિલાઓના ખાતામાં ટ્રાન્‍સફર કરવામાં આવી રહી છે.

સ્‍ટાલિને લખ્‍યું હતું કે આ તામિલનાડુની મહિલાઓ સાથે કરેલું તેમનું વચન છે અને તેને કોઈ રોકી શકશે નહીં. તેમણે આરોપ મૂકયો હતો કે ચૂંટણીનું બહાનું બનાવી ત્રણ મહિના સુધી સહાય રોકવાની કોશિશ થઈ રહી હતી, પરંતુ તેમની સરકાર પાછળ નહીં હટે.

તેમણે આ યોજનાને દ્રવિડ મોડેલ સરકારની ઓળખ ગણાવી અને કહ્યું હતું કે પ્રસ્‍તાવિત દ્રવિડ મોડેલ ૨.૦ હેઠળ મહિલાઓને મળતી માસિક સહાય ૧૦૦૦ રૂપિયાથી વધારી ૨૦૦૦ રૂપિયા કરવામાં આવશે.

આ જાહેરાત આ વર્ષે યોજાનારી તમિલનાડુ વિધાનસભા ચૂંટણી પહેલાં કરવામાં આવી છે, અને સરકાર મહિલાઓ માટેની કલ્‍યાણકારી યોજનાઓને પોતાના ચૂંટણી અભિયાનનો મુખ્‍ય મુદ્દો બનાવી રહી છે. (રર.૨૦)

(3:22 PM IST)