News of Friday, 13th February 2026
બિશ્નોઈ ગેંગની રણવીર સિંહ અને રોહિતશેટ્ટીને ફરી ધમકીઃ ૧ કરોડની ખંડણી માંગતા વોઈસ મેસેજથી મુંબઈ પોલીસમાં દોડધામ
સ્ટાફને ખત્મ કરી દેવાની ધમકીઃ VPN અને પ્રોટોન મેઈલના ઉપયોગ વચ્ચે ઈન્ટરપોલની મદદ લેવાની તૈયારી

મુંબઈ, તા.૧૩: મુંબઈના ગ્લેમર જગત પર ફરી એકવાર અંડરવર્લ્ડના કાળા પડછાયા જેવી દહેશત છવાઈ ગઈ છે. લોરેન્સ બિશ્નોઈ ગેંગ તરફથી રણવીર સિંહ અને રોહિત શેટ્ટીને મળેલી બીજી ધમકીએ સુરક્ષા એજન્સીઓમાં દોડધામ મચાવી દીધી છે. આ વખતે ગેંગસ્ટરોએ સીધી ચેતવણી આપી છે કે, જો અમારી માંગણીઓ પૂરી કરવામાં નહીં આવે, તો અમે એક પછી એક તમારા મેનેજરોને ખતમ કરવાનું શરૂ કરીશું. આ અત્યંત ખતરનાક સંદેશામાં સ્પષ્ટપણે જણાવાયું છે કે સેલેબ્સના સ્ટાફ મેમ્બર્સ હવે તેમના નિશાના પર છે, જેના કારણે બોલિવૂડના પડદા પાછળ કામ કરતા લોકોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, આ નવી ધમકીમાં લોરેન્સ બિ‘ોઈ ગેંગના એક ખાસ શાર્પશૂટરનું નામ સામે આવ્યું છે, જે વિદેશમાં બેસીને આ આખા નેટવર્કનું સંચાલન કરી રહ્યો હોવાની શંકા છે. અગાઉ રોહિત શેટ્ટીના ઘરની બહાર થયેલા ગોળીબારની ઘટના હજુ તાજી જ છે, ત્યાં રણવીર સિંહના મેનેજરને મળેલી આ બીજી ડેથ નોટ એ સાબિત કરી દીધું છે કે ગેંગસ્ટરો માત્ર હવામાં વાત નથી કરી રહ્યા. મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે આ મામલાને હાઈ-પ્રોફાઈલ કેટેગરીમાં મૂકીને ટેકનિકલ સર્વેલન્સ તેજ કરી દીધું છે.
આ મામલામાં મુંબઈ પોલીસે પોતાનું વલણ એકદમ કડક અને સ્પષ્ટ રાખ્યું છે. ઉચ્ચ અધિકારીઓએ જણાવ્યું છે કે કોઈ પણ પ્રકારની ખંડણી કે ધમકી સામે ઝૂકવાને બદલે કાયદાકીય રીતે ગેંગનો સફાયો કરવામાં આવશે. રણવીર સિંહ અને રોહિત શેટ્ટીના નિવાસસ્થાન તેમજ શૂટિંગ લોકેશન પર સાદા ડ્રેસમાં પોલીસ તૈનાત કરવામાં આવી છે. પોલીસ હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે શું આ ધમકીઓ પાછળ કોઈ સ્થાનિક નેટવર્ક કામ કરી રહ્યું છે જે સેલેબ્સની પળપળની વિગતો ગેંગસ્ટરો સુધી પહોંચાડી રહ્યું છે.
લોરેન્સ બિશ્નોઈ જેલની પાછળ હોવા છતાં તેની ગેંગ જે રીતે ડિજિટલ પ્લેટફોર્મનો ઉપયોગ કરીને દેશના ટોચના કલાકારોને પડકારી રહી છે, તે મુંબઈ પોલીસ માટે મોટો પડકાર બની ગયો છે. તપાસની ટીમ હવે ઈન્ટરપોલ અને કેન્દ્રીય એજન્સીઓના સંપર્કમાં છે જેથી આંતરરાષ્ટ્રીય સ્તરે આ ગેંગના હેન્ડલર્સને દબોચી શકાય. આ ઘટના બાદ આખા બોલિવૂડમાં સુરક્ષા પ્રોટોકોલને ફરીથી સેટ કરવામાં આવી રહ્યો છે અને સ્ટાર્સને અત્યારે જાહેર સ્થળોએ ઓછું જવાની સલાહ આપવામાં આવી છે. (રર.૧૯)
(3:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
