<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 13th February 2026

બાંગ્‍લાદેશમાં તારિક યુગનો પ્રારંભઃ ભારત માટે મિત્રતા કે પડકાર?

જો કટ્ટરપંથી જમાત સત્તામાં આવ્‍યું હોત તો સરહદ પર અશાંતિ અને લઘુમતીઓ પર જોખમ વધવાની હતી પૂરેપૂરી શકયતા

 

ઢાકા, તા.૧૩: બાંગ્‍લાદેશની ૧૩મી સામાન્‍ય ચૂંટણીમાં BNPની પ્રચંડ જીત અને તારિક રહેમાનનું વડાપ્રધાન પદ તરફ પ્રસ્‍થાન ભારત માટે મિશ્ર લાગણીઓ લઈને આવ્‍યું છે. દાયકાઓ સુધી શેખ હસીના સાથેના ગોલ્‍ડન એરા બાદ હવે ભારતને એક એવી સરકાર સાથે કામ કરવું પડશે જેનું સૂત્ર છેラ મિત્ર હા, માસ્‍ટર ના. તારિક રહેમાનની નવી સરકાર ભારત સાથે સમાનતાના ધોરણે સંબંધો ઈચ્‍છે છે, જેનો અર્થ એ છે કે હવે બાંગ્‍લાદેશ પોતાની વિદેશ નીતિમાં ચીન અને પાકિસ્‍તાનને પણ એટલું જ મહત્‍વ આપી શકે છે. ભારત માટે સૌથી મોટો રાજદ્વારી પડકાર શેખ હસીનાનું પ્રત્‍યાર્પણ રહેશે, કારણ કે રહેમાન સરકાર તેમને પાછા સોંપવાની માંગ કરશે, જે દિલ્‍હી માટે ધર્મસંકટ જેવી સ્‍થિતિ ઊભી કરી શકે છે.

જો આ ચૂંટણીમાં કટ્ટરપંથી પક્ષ જમાત-એ-ઇસ્‍લામીને બહુમતી મળી હોત, તો દક્ષિણ એશિયાનું ભૂ-રાજકીય ચિત્ર અત્‍યંત ભયાનક હોત. જમાતની જીતનો સીધો અર્થ ભારત વિરોધી સેન્‍ટિમેન્‍ટમાં ઉછાળો અને પાકિસ્‍તાની ગુપ્તચર એજન્‍સી ISI ના પ્રભાવમાં વધારો થાત. જમાત જેવી કટ્ટરપંથી વિચારધારા ધરાવતી પાર્ટી સત્તામાં હોત તો બાંગ્‍લાદેશમાં હિન્‍દુ લઘુમતીઓ પરના હુમલા વધવાની અને સરહદ પારથી આતંકવાદી ગતિવિધિઓ તેજ થવાની આશંકા હતી. જમાતની હાર અને ગ્‍ફભ્‍ની જીતે ભારતને ઓછામાં ઓછું એક વાટાઘાટો કરી શકાય તેવું પ્‍લેટફોર્મ પૂરું પાડ્‍યું છે, જે પ્રાદેશિક સ્‍થિરતા માટે અત્‍યંત જરૂરી છે.

ભારત હવે નેબરહુડ ફર્સ્‍ટ નીતિ હેઠળ BNP સાથે સીધો સંપર્ક વધારી રહ્યું છે. ભલે તારિક રહેમાન ચીન સાથે માળખાકીય સુવિધાઓ માટે હાથ મિલાવે, પણ આર્થિક વાસ્‍તવિકતા એ છે કે વીજળી, ઉર્જા અને જીવનજરૂરી ચીજવસ્‍તુઓ માટે બાંગ્‍લાદેશ ભારત પર નિર્ભર છે. તિસ્‍તા નદીના પાણીની વહેંચણી અને સરહદ પર સુરક્ષા જેવા જૂના મુદ્દાઓ ફરી ટેબલ પર આવશે. ભારતીય વ્‍યૂહરચનાકારો માને છે કે જો ભારત વ્‍યવહારુ અભિગમ અપનાવે અને બાંગ્‍લાદેશના આંતરિક મામલામાં દખલગીરી ટાળે, તો તારિક રહેમાન સાથે પણ એક મજબૂત વેપારી અને વ્‍યૂહાત્‍મક ભાગીદારી શકય છે.

એકંદરે, તારિક રહેમાનની જીત ભારત માટે વોક ઓન અ ટાઈટરોપ એટલે કે દોરડા પર ચાલવા સમાન છે. ભારત માટે તે શેખ હસીના જેટલા વિશ્વાસુ સાથી કદાચ સાબિત ન થાય, પરંતુ જમાત-એ-ઇસ્‍લામી જેવી કટ્ટરપંથી અરાજકતા કરતાં તેઓ ઘણા બહેતર વિકલ્‍પ છે. હવે પછીના મહિનાઓમાં ભારત કેવી રીતે હસીનાના મુદ્દાને ઉકેલે છે અને બાંગ્‍લાદેશની નવી લોકશાહી સરકારને કેવી રીતે આર્થિક ટેકો આપે છે, તેના પર બંને દેશોના આવનારા ૨૦ વર્ષના ભવિષ્‍યનો આધાર રહેશે. (રર.૬)

(3:23 PM IST)