<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 13th February 2026

શેખ હસીનાનો તખ્‍તાપલટ કરાવનારા વિદ્યાર્થીઓની પાર્ટીના પણ ભૂંડા હાલ

બાંગ્‍લાદેશમાં અંડર કરન્‍ટ ભારે પડયો : શેખ હસીનાની સરકાર પાડીને દમ મારનારા વિદ્યાર્થી નેતાઓની પાર્ટી NCP, જમાત એ ઈસ્‍લામી વગેરે ઊંધા માથે પછડાયા છે

 

ઢાકા તા.૧૩: બાંગ્‍લાદેશમાં ૧૨મી ફેબ્રુઆરીએ સંસદીય ચૂંટણીઓ યોજાઈ. સવારના ૭ વાગ્‍યાથી લઈને સાંજે ૪ વાગ્‍યા સુધી મતદાન થયું અને ત્‍યારબાદ એ જ દિવસે મતગણતરી પણ હાથ ધરાઈ. આ વખતની ચૂંટણીમાં બાંગ્‍લાદેશ નેશનલિસ્‍ટ પાર્ટી (BNP)ને બાંગ્‍લાદેશી નાગરિકોએ ખોબલે ખોબલે મત આપીને નવાજી છે. જ્‍યારે તેની સામે પડેલા જમાત એ ઈસ્‍લામીના નેતૃત્‍વવાળા ગઠબંધનના જાણે સૂપડાં સાફ થઈ ગયા. જે લોકોએ શેખ હસીનાની સરકાર ઉથલાવવામાં મહત્‍વનો ભાગ ભજવ્‍યો અને રાજકારણમાં એન્‍ટ્રી મારીને એવું સમજતા હતા કે લોકોનો તેમને પૂરેપૂરો સપોર્ટ છે ત્‍યારે ચૂંટણીમાં જે રીતે વળતા પાણી જોવા મળ્‍યા તે જોતા એમ લાગી રહ્યું છે કે બાંગ્‍લાદેશમાં જે દેખાતું હતું તે છે નહીં અને ત્‍યાંની જનતા જાણે બરાબર સમયની રાહ જોતી હતી કે એવી તક મળે અને દેશમાં અરાજકતા ફેલાવનારા લોકોને બરાબર જવાબ આપી શકાય. આ વખતની ચૂંટણી એટલા માટે પણ મહત્‍વની હતી કારણ કે જેન-ઝી  ઈલેક્‍શન કહેવાતું હતું. એટલે કે આ વખતની ચૂંટણીમાં મત આપનારાઓની સંખ્‍યામાં જેન-ઝી મતદારોની સંખ્‍યા વધુ હતી. એવામાં કટ્ટરપંથી જમાત એ ઈસ્‍લામી અને અન્‍ય પક્ષોની હાર જોતા એવું લાગે છે કે બાંગ્‍લાદેશની યુવા પેઢી પણ દેશનો વિકાસ ઈચ્‍છે છે, સ્‍થિરતા ઈચ્‍છે છે.

બાંગ્‍લાદેશની ૩૦૦ સીટોમાંથી ૫૦ સીટો મહિલાઓ માટે અનામત હોય છે જ્‍યારે ૩૦૦ સીટો માટે ચૂંટણી થાય છે. જેમાંથી એક બેઠકના ઉમેદવારનું નિધન થતા તેની ચૂંટણી પછી યોજાવવાની છે. આમ ૨૯૯ સીટો માટે ૧૨ ફેબ્રુઆરીએ મત પડ્‍યા હતા. છેલ્‍લી માહિતી મુજબ બીએપીએ ૨૯૯માંથી ૨૦૯ સીટ જીતી છે. સરકાર બનાવવા માટે ૧૫૦ સીટો જોઈએ છે. કટ્ટરપંથી જમાત એ ઈસ્‍લામીના નેતૃત્‍વવાળા ગઠબંધનને માત્ર ૭૦ સીટો ગઈ છે. શેખ હસીનાની સરકાર પાડવામાં જેણે સિહફાળો ભજવ્‍યો હતો તે વિદ્યાર્થીઓની પાર્ટી નેશનલ સિટીઝન પાર્ટી એટલે કે NCPને પણ બાંગ્‍લાદેશની જનતાએ નકારી.

ભારત સામે ઝેર ઓકતા રહેતા કટ્ટરપંથી જમાત એ ઈસ્‍લામીને આ વખતે એવું હતું કે શેખ હસીનાની ગેરહાજરીમાં તેને મોકળું મેદાન મળી જશે પરંતુ એવું બન્‍યું નહીં. પાર્ટી આ પરિણામથી ખુશ નથી. જમાત એ ઈસ્‍લામી પાર્ટીનું કહેવું છે કે પરિણામોમાં ઈમાનદારી નથી. કહ્યું કે ૧૧ પક્ષોના ગઠબંધનના ઉમેદવારોના ખુબ જ રસાકસીવાળા મુકાબલા ને શંકાસ્‍પદ હારની સાથે સાથે અનૌપચારિક પરિણામોમાં વારંવાર થતી ગડબડીઓ ચૂંટણીની પારદર્શકતા પર સવાલ ઊભા કરે છે. પાર્ટીનું ભારત વિરોધી વલણ રહ્યું છે. ચૂંટણી પહેલા જમાતના પ્રમુખ ડો. શફીકુર રહેમાને ૮ ફેબ્રુઆરીએ ઢાકા ટ્રિબ્‍યુન સાથે વાતચીતમાં કહ્યું હતું કે ૧૨ ફેબ્રુઆરીએ જનતા એવા લોકોને રેડ કાર્ડ દેખાડશે જે  બીજાના દબદબાના ગુલામ બનેલા છે. તેમનું આ નિવેદન ભારત માટે પરોક્ષ સંદેશ જેવું માનવામાં આવ્‍યું હતું.

જમાતના સહયોગી અને બાંગ્‍લાદેશમાં શેખ હસીનાનો તખ્‍તાપલટ કરનારી નેશનલ સિટીઝન પાર્ટી (NCP) કે જેને વિદ્યાર્થીઓના નેતાઓએ બનાવી છે તેમણે પણ ૨૦૨૪માં હસીના વિરુદ્ધ બળવા દરમિયાન ભારત વિરોધી વલણ અપનાવ્‍યું હતું. જેના લીડર હસનત અબ્‍દુલ્‍લાએ કથિત રીતે ચેતવણી પણ આપી હતી કે જો બાંગ્‍લાદેશને અસ્‍થિર કરાયું તો વિરોધની આગ સીમાઓથી આગળ સુધી જશે. કારણ કે તમે અમને અસ્‍થિર કરનારા લોકોને શરણ આપી રહ્યા છો આથી અમે સેવન સિસ્‍ટર્સના અલગાવવાદીઓને પણ શરણ આપીશું. (૩૮.૩૭)

(3:23 PM IST)