News of Friday, 13th February 2026
ડાર્ક પ્રિન્સથી વડાપ્રધાન સુધી તારિક રહેમાનનો વનવાસઃ જેલ અને સત્તાના શિખર સુધીનો રોમાંચક પ્રવાસ
શેખ હસીના પર ગ્રેનેડ હુમલાના આરોપ અને આજીવન કેદની સજા ભોગવનાર નેતાએ ૧૭ વર્ષ લંડનમાં વિતાવ્યા બાદ બાંગ્લાદેશમાં પલટી નાખી રાજકીય બાજી

ઢાકા, તા.૧૩: બાંગ્લાદેશના રાજકારણમાં તારિક રહેમાનનું નામ એક એવા ફિનીક્સ પક્ષી જેવું છે, જે રાખમાંથી બેઠું થઈને આકાશ આંબી રહ્યું છે. ૨૦ નવેમ્બર, ૧૯૬૫ના રોજ જન્મેલા તારિકના લોહીમાં જ રાજકારણ હતું; પિતા ઝિયાઉર રહેમાન આઝાદીના નાયક અને માતા ખાલિદા ઝિયા પૂર્વ વડાપ્રધાન હતા. જોકે, તેમનો રસ્તો ફૂલોની સેજ નહોતો. ૨૦૦૧ થી ૨૦૦૬ દરમિયાન જ્યારે તેમની માતા સત્તામાં હતી, ત્યારે તારિકને શેડો પીએમ માનવામાં આવતા હતા અને હવા ભવન માંથી સરકાર ચલાવવાના ગંભીર આરોપો લાગ્યા હતા. ભ્રષ્ટાચાર અને મની લોન્ડરિંગના કેસોમાં ધરપકડ થયા બાદ, ૨૦૦૮માં તેઓ તબીબી સારવારના બહાને લંડન ગયા અને ત્યાંથી જ ૧૭ વર્ષ સુધી પોતાની પાર્ટી BNP નું રિમોટ કંટ્રોલ સંભાળ્યું.
તારિક રહેમાનના જીવનનો સૌથી વિવાદાસ્પદ વળાંક ૨૧ ઓગસ્ટ, ૨૦૦૪ના રોજ આવ્યો, જ્યારે ઢાકામાં શેખ હસીનાની રેલી પર ભયાનક ગ્રેનેડ હુમલો થયો હતો. આ હુમલામાં ૨૪ લોકોના મોત થયા અને શેખ હસીના માંડ-માંડ બચ્યા હતા. આવામી લીગ સરકારે તારિકને આ હુમલાના માસ્ટરમાઇન્ડ ગણાવ્યા અને ૨૦૧૮માં કોર્ટે તેમને આજીવન કેદની સજા ફટકારી. જોકે, ઓગસ્ટ ૨૦૨૪માં શેખ હસીનાની સરકારના પતન બાદ સ્થિતિ પલટાઈ ગઈ. કોર્ટે તમામ સજાઓ રદ કરી અને સુપ્રીમ કોર્ટે પણ તેમને નિર્દોષ જાહેર કર્યા, જેનાથી તેમના વડાપ્રધાન બનવાનો માર્ગ સાવ મોકળો થઈ ગયો.
ગયા ડિસેમ્બરમાં જ્યારે તારિક રહેમાન ઢાકા એરપોર્ટ પર ઉતર્યા ત્યારે વાતાવરણ ભાવુક હતું. ૧૭ વર્ષના દેશનિકાલ બાદ પરત ફરેલા તારિકની છબી આ વખતે તદ્દન બદલાયેલી હતી. જૂની આક્રમકતાને બદલે તેમનામાં એક પરિપક્વ નેતાનો સંયમ જોવા મળ્યો. તેમણે બદલાની રાજનીતિને તિલાંજલિ આપીને જુલાઈ રાષ્ટ્રીય મેનિફેસ્ટો રજૂ કર્યો, જેમાં વડાપ્રધાન પદ માટે બે ટર્મની મર્યાદા અને સત્તાના વિકેન્દ્રીકરણ જેવા ક્રાંતિકારી સુધારાના વચનો આપ્યા. તેમણે દેશના ગરીબ પરિવારો માટે આર્થિક સહાય અને ગાર્મેન્ટ ઉદ્યોગમાં સુધારાની વાત કરીને સામાન્ય જનતાના દિલ જીતી લીધા.
વિદેશ નીતિના મોરચે પણ તારિક રહેમાન હવે સંતુલિત રમત રમી રહ્યા છે. ભૂતકાળમાં તેમની પાર્ટી પર પાકિસ્તાન તરફી હોવાના આક્ષેપો લાગતા રહ્યા છે, પરંતુ હવે તેમણે સ્પષ્ટ કર્યું છે કે બાંગ્લાદેશ કોઈ એક દેશ પર નિર્ભર નહીં રહે. પીએમ મોદીના અભિનંદન સંદેશનો સકારાત્મક પ્રતિસાદ આપીને તેમણે ભારત સાથે મજબૂત સંબંધો જાળવવાની ઈચ્છા વ્યક્ત કરી છે. ૧૯૭૧ના ઇતિહાસ અને ૨૦૦૪ના કડવા અનુભવોના પડછાયા વચ્ચે, તારિક રહેમાન હવે બાંગ્લાદેશને એક આધુનિક, લોકશાહી અને સ્થિર રાષ્ટ્ર બનાવવાના પડકારજનક મિશન પર નીકળ્યા છે. (રર.૫)
(3:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
