News of Friday, 13th February 2026
એપસ્ટેઇન ફાઇલ્સનો મુદ્દો ગુંજ્યોઃ હરદીપસિંહ પુરીના રાજીનામાની માંગ સાથે સંસદમાં ભારે ધમાલ
વિપક્ષે સરકારને ઘેરીઃ બજેટ સત્રનો પ્રથમ તબક્કો હંગામાની ભેટ ચઢયો કાર્યવાહી ૯ માર્ચ સુધી મુલતવી રખાઈ

નવી દિલ્હી, તા.૧૩: બજેટ સત્રના પ્રથમ તબક્કાના અંતિમ દિવસે લોકસભામાં ભારે હોબાળો જોવા મળ્યો હતો. કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરી અને અમેરિકાના કુખ્યાત અપરાધી જેફરી એપસ્ટેઇન વચ્ચેના કથિત સંબંધોને લઈને વિપક્ષી સાંસદોએ ગળહમાં પ્લેકાર્ડ્સ સાથે સૂત્રોચ્ચાર કર્યા હતા. વિપક્ષી સભ્યો સતત મંત્રીના રાજીનામાની માંગ કરી રહ્યા હતા, જેના કારણે પ્રશ્નકાળ ચાલી શકયો ન હતો. અવારનવારના વિક્ષેપ બાદ અધ્યક્ષ સંધ્યા રાયે ગળહની કાર્યવાહી આગામી ૯ માર્ચ સુધી સ્થગિત કરવાની જાહેરાત કરી હતી.
આ વિવાદની શરૂઆત કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી દ્વારા કરવામાં આવેલા આક્ષેપોથી થઈ હતી. રાહુલે દાવો કર્યો હતો કે અમેરિકાના ન્યાય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલી એપસ્ટેઇન ફાઇલ્સમાં હરદીપ સિંહ પુરીનું નામ સામેલ છે. વિપક્ષનો આરોપ છે કે જ્યારે પુરી ન્યૂયોર્કમાં રાજદૂત તરીકે કાર્યરત હતા, ત્યારે તેઓ એપસ્ટેઇનના સંપર્કમાં હતા. આ ગંભીર મુદ્દાને પકડીને કોંગ્રેસ અને અન્ય વિપક્ષી દળોએ સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો અને ગળહના મધ્યમાં આવીને ભારે હંગામો મચાવ્યો હતો. કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરીએ આ આરોપોનો જડબાતોડ જવાબ આપતા તેને પાયાવિહોણા ગણાવ્યા છે. તેમણે સ્પષ્ટતા કરી હતી કે તેઓ ઇન્ટરનેશનલ પીસ ઇન્સ્ટિટયૂટના પ્રતિનિધિમંડળના ભાગરૂપે એપસ્ટેઇનને માત્ર ૩ થી ૪ વખત મળ્યા હતા. પુરીએ જણાવ્યું કે આ મુલાકાતો માત્ર વ્યાવસાયિક હતી અને તેનો એપસ્ટેઇનના ગુનાઓ સાથે કોઈ સંબંધ નથી. તેમણે રાહુલ ગાંધી પર વળતો પ્રહાર કરતા કહ્યું કે આ માત્ર તેમનું નામ ખરાબ કરવાનું ષડયંત્ર છે અને રાહુલ ગાંધીને પાયાવિહોણા આરોપો કરવાની આદત છે.
ગળહની કાર્યવાહી દરમિયાન, વિપક્ષી સાંસદો ઉજ્જવલ રમણ સિંહ અને અન્યોએ જ્યારે હંગામો ચાલુ રાખ્યો ત્યારે આરોગ્ય મંત્રી જે.પી. નડ્ડાએ પૂરક પ્રશ્નોના જવાબ આપવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ અવાજ એટલો વધારે હતો કે કંઈ પણ સાંભળવું મુશ્કેલ બની ગયું હતું. અંતે, બજેટ સત્રનો બીજો તબક્કો હવે હોળી પછી એટલે કે ૯ માર્ચથી શરૂ થશે, જ્યાં આ વિવાદ ફરી ગરમાય તેવી પૂરેપૂરી શકયતા છે.
(4:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
