News of Friday, 13th February 2026
બંગાળ સરહદે જમાતનો ભગવો લહેરાયો: પશ્ચિમ બંગાળને અડીને આવેલા બાંગ્લાદેશી વિસ્તારોમાં જમાતની જીત, ભારત માટે ખતરાની ઘંટડી!
સતખીરા, કુશ્તિયા અને રંગપુર બન્યા કટ્ટરપંથીઓના ગઢ; ભારતીય એજન્સીઓએ 'હાઈ એલર્ટ' જાહેર કર્યું, ઘૂસણખોરી અને સુરક્ષા પર મોટું જોખમ

કોલકાતા, તા. 13 બાંગ્લાદેશની ૧૩મી સંસદીય ચૂંટણીમાં ભલે મુખ્ય સત્તા BNPના હાથમાં જતી દેખાતી હોય, પરંતુ ભારત માટે સૌથી ચિંતાજનક સમાચાર પશ્ચિમ બંગાળની સરહદને અડીને આવેલા વિસ્તારોમાંથી આવ્યા છે. કટ્ટરપંથી વિચારધારા ધરાવતા પક્ષ જમાત-એ-ઈસ્લામીએ ભારતની સરહદ સાથે જોડાયેલા વ્યૂહાત્મક વિસ્તારોમાં મોટી જીત મેળવી છે. ભારતીય ગુપ્તચર એજન્સીઓના મતે, આ માત્ર રાજકીય વિજય નથી, પરંતુ ભારતની આંતરિક સુરક્ષા માટે એક મોટું જોખમ છે.
કયા વિસ્તારોમાં જમાત મજબૂત થઈ?
ન્યૂઝ૧૮ દ્વારા એક્સેસ કરાયેલા ઈન્ટેલિજન્સ રિપોર્ટ મુજબ, જમાતે ખાસ કરીને એવા વિસ્તારોમાં પ્રભુત્વ જમાવ્યું છે જે સીધા ભારત સાથે જોડાયેલા છે:
• સતખીરા અને કુશ્તિયા: આ પ્રદેશો પશ્ચિમ બંગાળના ખુલના પટ્ટાની સામે આવેલા છે.
• રંગપુર ક્ષેત્ર: જે આસામ અને સિલીગુડી કોરિડોર (ચિકન્સ નેક) ની અત્યંત નજીક છે.
આ ત્રણેય વિસ્તારો મળીને ભારતની સરહદ પર એક એવી 'ચાપ' (Arc) બનાવે છે, જ્યાંથી ભારત વિરોધી ગતિવિધિઓનું સંચાલન કરવું સરળ બની શકે છે.
ભારત માટે ચિંતાના મુખ્ય કારણો
૧. લઘુમતીઓ પર દબાણ: એજન્સીઓના મૂલ્યાંકન મુજબ, સરહદી જિલ્લાઓમાં વસતા હિન્દુ લઘુમતીઓ પર જમીન વિવાદ અને ધાકધમકી દ્વારા દબાણ વધી શકે છે, જે 'શાંત વિસ્થાપન' (Silent Displacement) માં પરિણમી શકે છે.
૨. નવી પ્રકારની ઘૂસણખોરી: અત્યાર સુધી ઘૂસણખોરી માત્ર ગેરકાયદેસર સ્થળાંતર પૂરતી મર્યાદિત હતી, પરંતુ હવે પ્રશિક્ષિત વિચારધારકો, ફંડ કુરિયર્સ અને ડિજિટલ હેન્ડલર્સના પ્રવેશનું જોખમ વધી ગયું છે, જેમને શોધવા મુશ્કેલ છે.
૩. આતંકવાદી ઇકોસિસ્ટમ: જમાતનો ઉદય JMB અને AQIS જેવા આતંકવાદી સંગઠનોને સ્થાનિક રક્ષણ અને આશરો પૂરો પાડી શકે છે. જ્યારે સ્થાનિક વહીવટ કટ્ટરપંથીઓના હાથમાં હોય, ત્યારે પોલીસ પણ કાર્યવાહી કરતા અચકાતી હોય છે.
ISI અને ફંડિંગનું નેટવર્ક
રિપોર્ટમાં જણાવાયું છે કે જોકે પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ISI ના સીધા પગલાં દેખાતા નથી, પરંતુ જૂની નાણાકીય ચેનલો ફરી સક્રિય થઈ રહી છે. કેટલીક NGO અને ચેરિટી સંસ્થાઓ દ્વારા આવતું ફંડ આ વિસ્તારોમાં કટ્ટરવાદને પ્રોત્સાહન આપવા માટે વાપરવામાં આવે તેવી પૂરેપૂરી શક્યતા છે.
ચૂંટણી પ્રક્રિયા પર જમાતના જ સવાલ
રસપ્રદ વાત એ છે કે, આટલી બેઠકો જીતવા છતાં જમાત-એ-ઈસ્લામીએ ચૂંટણી પ્રક્રિયા સામે વાંધો ઉઠાવ્યો છે. પક્ષના નેતા શફીકુર રહેમાને આરોપ લગાવ્યો છે કે ઘણી જગ્યાએ વહીવટીતંત્રે જાણીજોઈને તેમના ઉમેદવારોને હરાવ્યા છે અને પરિણામોમાં ગેરરીતિ આચરી છે.
(4:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
