હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
રોઝ ડેની ઉજવણી પડી ભારે: બિહારમાં પતિને ગુલાબ સાથે વાઈન આપવો 'ઈન્સ્ટા ક્વીન'ને ભારે પડ્યો, પોલીસના દરોડા અને FIR!
દારૂબંધી વાળા બિહારમાં વીડિયો પોસ્ટ કરવો મહિલાને જેલના ઉંબરે લઈ આવ્યો; હવે પિસ્તોલ સાથેના ફોટોએ મુશ્કેલીમાં કર્યો વધારો

મુંગેર: તા. 13 સોશિયલ મીડિયા પર ફેમસ થવાની ઘેલછા ક્યારેક કાયદાકીય સંકટમાં મૂકી શકે છે, તેનો તાજો દાખલો બિહારના મુંગેર જિલ્લામાં જોવા મળ્યો છે. 7 ફેબ્રુઆરીના રોજ જ્યારે આખું વિશ્વ 'રોઝ ડે'ની ઉજવણીમાં મગ્ન હતું, ત્યારે કંચન દેવી નામની મહિલાએ તેના પતિ સાથેનો એક રોમેન્ટિક વીડિયો શેર કર્યો હતો. પરંતુ આ વીડિયોએ તેને પ્રેમની જગ્યાએ પોલીસ સ્ટેશનના ધક્કા ખાવા મજબૂર કરી દીધી છે.
પ્રેમની અભિવ્યક્તિ કે કાયદાનું ઉલ્લંઘન?
કંચન દેવીના ઇન્સ્ટાગ્રામ પર ત્રણ લાખથી વધુ ફોલોઅર્સ છે. વાયરલ થયેલા વીડિયોમાં તે તેના પતિને લાલ ગુલાબ સાથે વાઇનની બોટલ આપતી જોવા મળે છે. તેનો પતિ પણ હસતા મુખે વાઇનનો ગ્લાસ હાથમાં લઈને આ 'ગિફ્ટ' સ્વીકારે છે. જોકે, બિહારમાં દારૂબંધી હોવાથી, દારૂ જેવા પ્રતિબંધિત પદાર્થનો જાહેરમાં પ્રચાર કરવો એ ગંભીર ગુનો છે. આ વીડિયો પોલીસની નજરે ચઢી જતાં તાત્કાલિક FIR નોંધવામાં આવી હતી.
વાઇન પછી હવે 'પિસ્તોલ'નો વિવાદ
મુશ્કેલીઓ અહીં જ પૂરી ન થઈ. પોલીસ જ્યારે કંચન દેવીના સોશિયલ મીડિયા પ્રોફાઇલની તપાસ કરી રહી હતી, ત્યારે એક જૂનો ફોટો સામે આવ્યો જેમાં તે એક બ્યુટી પાર્લરમાં પિસ્તોલ સાથે પોઝ આપી રહી હતી. આ ફોટાએ પોલીસને વધુ સતર્ક કરી દીધી અને તાત્કાલિક એક વિશેષ ટીમ બનાવીને તેના ઘર પર દરોડા પાડવામાં આવ્યા હતા.
હથિયારના માલિક પણ સકંજામાં
પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે ફોટામાં દેખાતી પિસ્તોલ લાયસન્સ વાળી તો હતી, પરંતુ તે વિશાલ કુમાર નામના વ્યક્તિની હતી. કાયદા મુજબ, લાયસન્સ ધરાવતા હથિયારનો ઉપયોગ અન્ય કોઈ વ્યક્તિ કે તેના માલિક સિવાય કોઈ પ્રદર્શન માટે કરી શકે નહીં. આથી, પોલીસે હવે પિસ્તોલના અસલી માલિક વિરુદ્ધ પણ ગુનો નોંધી કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે.
બિહાર પોલીસની આ કાર્યવાહી સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્ઝર્સ માટે એક મોટી ચેતવણી છે કે 'લાઇક્સ' મેળવવાના ચક્કરમાં કાયદાની મર્યાદા ભૂલવી મોંઘી પડી શકે છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
