News of Friday, 13th February 2026
રાજપાલ યાદવની મુશ્કેલીઓનો અંત ક્યારે? જેલની સજા તો કાપી રહ્યા છે, પણ શું ₹9 કરોડનું દેવું માફ થશે? જાણો શું કહે છે કાયદો
ફિલ્મ 'આતા પતા લાપતા'ના ચક્કરમાં અભિનેતા 'તિહાર જેલ' ભેગા થયા; જેલમાંથી બહાર આવ્યા પછી પણ લોનનો બોજ પીછો નહીં છોડે!

નવી દિલ્હી: તા. 13 બોલિવૂડના પડદા પર કરોડો લોકોને હસાવનાર અભિનેતા રાજપાલ યાદવ અત્યારે પોતે ખૂબ જ મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યા છે. લોન ચૂકવવામાં નિષ્ફળ રહેવાને કારણે તેઓ હાલ દિલ્હીની પ્રખ્યાત તિહાર જેલમાં સજા કાપી રહ્યા છે. પરંતુ અત્યારે સૌથી મોટો સવાલ એ ઉઠી રહ્યો છે કે, શું જેલની સજા પૂરી કર્યા પછી રાજપાલ યાદવે લીધેલા કરોડો રૂપિયા માફ થઈ જશે? કે પછી જેલમાંથી બહાર આવ્યા પછી પણ તેમણે પાઈ-પાઈ ચૂકવવી પડશે?
શું છે સમગ્ર વિવાદ?
આ વિવાદ વર્ષ 2010 થી શરૂ થયો હતો. રાજપાલ યાદવે પોતાની ફિલ્મ 'આતા પતા લાપતા' બનાવવા માટે દિલ્હીની 'મુરલી પ્રોજેક્ટ પ્રાઇવેટ લિમિટેડ' પાસેથી ₹5 કરોડની લોન લીધી હતી. જોકે, આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ખરાબ રીતે ફ્લોપ રહી અને રાજપાલ મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો. વ્યાજ ઉમેરાતા આ રકમ વધીને હવે આશરે ₹9 કરોડ પર પહોંચી ગઈ છે.
શું સજા બાદ લોન માફ થશે?
કાયદાકીય નિષ્ણાતોના મતે, જેલની સજા અને લોનની ચુકવણી એ બે અલગ બાબતો છે.
- સજા ગુના માટે છે: રાજપાલ યાદવને જેલની સજા ચેક બાઉન્સ અથવા કોર્ટની અવમાનના જેવા ફોજદારી ગુના માટે મળી છે.
- દેવું અકબંધ રહેશે: જેલમાંથી બહાર આવ્યા પછી પણ લેણદાર કંપની તેમની પાસેથી વસૂલાત માટે સિવિલ કોર્ટમાં જઈ શકે છે. સજા કાપવાનો અર્થ એ નથી કે તમારું નાણાકીય દેવું શૂન્ય થઈ જાય. રાજપાલ યાદવે ગમે તેમ કરીને લોનની રકમ તો ચૂકવવી જ પડશે.
ફિલ્મની નિષ્ફળતા અને કાનૂની દાવપેચ
રાજપાલ યાદવે આ ફિલ્મ પાછળ ઘણો પરસેવો પાડ્યો હતો, પરંતુ પ્રેક્ષકોએ તેને નકારી કાઢી. લોન લેતી વખતે આપવામાં આવેલા ચેક બાઉન્સ થવા લાગ્યા અને મામલો કોર્ટ સુધી પહોંચ્યો. વારંવાર તારીખો અને સમજૂતીની તકો આપ્યા પછી પણ રકમ જમા ન થતા આખરે કોર્ટે જેલનો રસ્તો બતાવ્યો હતો.
આ કિસ્સો બોલિવૂડના અન્ય કલાકારો માટે પણ એક ચેતવણી સમાન છે કે વ્યાપારી જોખમો અને કાયદાકીય જવાબદારીઓ વચ્ચે સંતુલન રાખવું કેટલું અનિવાર્ય છે.
(5:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
