<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 13th February 2026

મુંબઈગરાઓ માટે એપલની મોટી ભેટ: બોરીવલીમાં ખુલશે ભારતનો છઠ્ઠો અને માયાનગરીનો બીજો ભવ્ય સ્ટોર, તારીખ પણ થઈ ગઈ નક્કી!

મોરના પીંછા જેવી કલાત્મક ડિઝાઇન સાથે ૨૬ ફેબ્રુઆરીએ થશે ભવ્ય ઓપનિંગ; બેંગલુરુ, પુણે અને નોઈડા બાદ હવે બોરીવલીમાં એપલના ગેજેટ્સનો જાદુ ચાલશે

મુંબઈ: વિશ્વની દિગ્ગજ ટેક કંપની એપલ (Apple) ભારતમાં પોતાનો વિસ્તાર ખૂબ જ ઝડપથી વધારી રહી છે. મુંબઈના બીકેસી (BKC) માં પ્રથમ સ્ટોરની સફળતા બાદ હવે એપલે મુંબઈના સબર્બન વિસ્તાર એવા બોરીવલીમાં પોતાનો બીજો સ્ટોર ખોલવાની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. શુક્રવારે કંપનીએ આ નવા સ્ટોરના બેરિકેડ પરથી પડદો ઉંચક્યો હતો, જે ભારતનો છઠ્ઠો એપલ રીટેલ સ્ટોર બનશે.

મોરની ડિઝાઇન ધરાવતું આકર્ષક લુક

બોરીવલીમાં બનનારા આ નવા સ્ટોરની થીમ બેંગલુરુના 'એપલ હેબ્બલ' સ્ટોરની જેમ જ 'મોર-પ્રેરિત' રાખવામાં આવી છે. આ કલાત્મક ડિઝાઇન એપલની સર્જનાત્મકતા અને ભારતીય સંસ્કૃતિના મિલનનો સંકેત આપે છે. કંપનીના જણાવ્યા અનુસાર, એપલ બોરીવલી ૨૬ ફેબ્રુઆરી, ૨૦૨૬ના રોજ ગ્રાહકો માટે ખુલ્લો મૂકવામાં આવશે.

ભારતમાં એપલની રફ્તાર

એપલે એપ્રિલ ૨૦૨૩માં ભારતમાં તેની સફર શરૂ કરી હતી અને માત્ર ત્રણ વર્ષથી ઓછા સમયમાં કંપનીએ મોટા શહેરોને આવરી લીધા છે:

  • એપ્રિલ ૨૦૨૩: મુંબઈ (BKC) અને દિલ્હી (સાકેત) માં પ્રથમ સ્ટોર્સ.
  • વર્ષ ૨૦૨૫: બેંગલુરુ (હેબ્બલ), પુણે (કોરેગાંવ પાર્ક) અને તાજેતરમાં નોઈડામાં સ્ટોરનું ઓપનિંગ.
  • ફેબ્રુઆરી ૨૦૨૬: હવે બોરીવલીમાં ધમાકેદાર એન્ટ્રી.

વ્યવસાયો અને સ્ટાર્ટઅપ્સ માટે નવું હબ

એપલના નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, બોરીવલી સ્ટોર માત્ર સામાન્ય ગ્રાહકો જ નહીં પરંતુ આ વિસ્તારના વધતા જતા સ્ટાર્ટઅપ્સ અને બિઝનેસ કોમ્યુનિટીને પણ વિશેષ સેવાઓ પૂરી પાડશે. આ સ્ટોર એપલના તમામ લેટેસ્ટ ઉત્પાદનો અને તેની પ્રખ્યાત 'જીનિયસ બાર' સર્વિસથી સજ્જ હશે.

હવે મુંબઈના ઉત્તર ભાગમાં રહેતા લોકોએ એપલની પ્રોડક્ટ્સ ખરીદવા કે સર્વિસ માટે બીકેસી સુધી લાંબા થવું નહીં પડે. બોરીવલી સ્ટોરનું અનાવરણ આ વિસ્તારના ટેક પ્રેમીઓ માટે ચોક્કસપણે એક મોટી મિજબાની સમાન છે.

(7:09 PM IST)