News of Friday, 13th February 2026
પપ્પુ યાદવની ‘જેલમુક્તિ’: પટના કોર્ટના જામીન સાથે સાંસદનો વિજયી હુંકાર : સમર્થકોમાં દિવાળી જેવો માહોલ!
૩૧ વર્ષ જૂના કેસો અને સરકારી કામમાં અવરોધના આરોપો વચ્ચે સાંસદ-ધારાસભ્ય કોર્ટનો મોટી રાહત આપતો ચુકાદો: બોમ્બની ધમકી અને કડક સુરક્ષા વચ્ચે ચાલી સુનાવણી

પટના: પૂર્ણિયાના સાંસદ પપ્પુ યાદવ માટે આજનો દિવસ મોટી જીત સમાન સાબિત થયો છે. પટનાની વિશેષ સાંસદ-ધારાસભ્ય (MP-MLA) કોર્ટે તેમને વિવિધ જૂના કેસોમાં જામીન મંજૂર કરતા તેમની જેલમુક્તિનો માર્ગ સાફ થઈ ગયો છે. ઉલ્લેખનીય છે કે, પપ્પુ યાદવને ૩૧ વર્ષ જૂના એક કેસમાં ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યા હતા, જેના કારણે તેમના સમર્થકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. જોકે, કાયદાકીય લડત બાદ હવે કોર્ટે તેમને રાહત આપી છે. જામીનના સમાચાર મળતા જ બેઉર જેલની બહાર અને તેમના નિવાસસ્થાને મોટી સંખ્યામાં સમર્થકો ઉમટી પડ્યા હતા અને ફટાકડા ફોડી ખુશી વ્યક્ત કરી હતી.
આ સમગ્ર સુનાવણી દરમિયાન પટના સિવિલ કોર્ટમાં હાઈ-વોલ્ટેજ ડ્રામા જેવી સ્થિતિ જોવા મળી હતી. એક તરફ હાઈકોર્ટના મહિલા વકીલના નિધનને કારણે કામગીરીમાં વિલંબ થયો હતો, તો બીજી તરફ કોર્ટ સંકુલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા સુરક્ષા એજન્સીઓના જીવ અધ્ધર થઈ ગયા હતા. સમગ્ર સંકુલની સઘન તપાસ બાદ જ્યારે કાર્યવાહી શરૂ થઈ, ત્યારે પપ્પુ યાદવને ચુસ્ત સુરક્ષા વચ્ચે બેઉર જેલમાંથી કોર્ટમાં લાવવામાં આવ્યા હતા. તેમની સામે ૨૦૧૭ અને ૨૦૧૯ ના કોતવાલી તથા બુદ્ધ કોલોની પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા કેસોમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી, જેમાં તેમના પર ધરપકડ દરમિયાન સરકારી કામમાં અવરોધ લાવવાનો આરોપ હતો.
પપ્પુ યાદવના વકીલ શિવનંદન ઝાએ કોર્ટમાં જોરદાર દલીલ કરતા જણાવ્યું હતું કે તેમના અસીલને જાણીજોઈને જૂના અને પાયાવિહોણા કેસોમાં ફસાવવામાં આવ્યા છે, જે એક રાજકીય ષડયંત્રનો ભાગ છે. કોર્ટે તમામ દલીલો સાંભળ્યા બાદ જામીન અરજી ગ્રાહ્ય રાખી હતી. નિષ્ણાતો માને છે કે જેલમાંથી બહાર આવ્યા બાદ પપ્પુ યાદવ બિહારના રાજકારણમાં વધુ આક્રમક તેવર સાથે જોવા મળશે. ખાસ કરીને ગરીબોના મસીહા ગણાતા પપ્પુ યાદવની આ મુક્તિ આગામી ચૂંટણીઓ અને પક્ષીય સમીકરણોમાં મોટો ફેરફાર લાવી શકે છે. હવે સૌની નજર જેલની બહાર નીકળ્યા બાદ તેમના પ્રથમ નિવેદન પર ટકેલી છે.
(7:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
