તા. ૯ જાન્યુઆરી ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ પોષ સુદ – ૧૦ ગુરૂવાર
News of Friday, 13th February 2026
રાહુલ ગાંધીની ‘આક્રમક’ બેટિંગ: બજેટ સત્રમાં બજેટ ઓછું અને વિવાદો વધુ : શું વિપક્ષ એજન્ડા સેટ કરવામાં સફળ રહ્યો?
જનરલ નરવણેનું પુસ્તક, એપ્સ્ટેઈન ફાઈલ્સ અને અમેરિકા સાથેનો વેપાર સોદો : રાહુલ ગાંધીના એક પછી એક પ્રહારોથી સત્તાધારી પક્ષ બેકફૂટ પર: સ્પીકર ઓમ બિરલા સામે અવિશ્વાસ પ્રસ્તાવ અને રાહુલ ગાંધીને આજીવન પ્રતિબંધિત કરવાની ભાજપની માંગ વચ્ચે સંસદમાં હાઈ-વોલ્ટેજ ડ્રામા

નવી દિલ્હી: બજેટ ૨૦૨૬ના આ સત્રમાં સંસદ માત્ર આંકડાઓની માયાજાળ પૂરતી સીમિત નથી રહી, પરંતુ તે એક રાજકીય યુદ્ધના મેદાનમાં ફેરવાઈ ગઈ છે. રાહુલ ગાંધીએ લોકસભામાં એવા મુદ્દાઓ ઉઠાવ્યા જેની સરકારે કદાચ અપેક્ષા નહોતી રાખી. પૂર્વ આર્મી ચીફ જનરલ એમ.એમ. નરવણેના અપ્રકાશિત પુસ્તક ‘ફોર સ્ટાર્સ ઓફ ડેસ્ટિની’ની નકલ સંસદમાં લહેરાવીને તેમણે રક્ષણ અને વિદેશ નીતિ પર સરકારને ઘેરી હતી. જોકે, પેંગ્વિન પબ્લિશર્સે પુસ્તક પ્રકાશિત ન થયું હોવાનું કહી રહસ્ય વધાર્યું છે, પરંતુ રાહુલ ગાંધીએ આ મુદ્દાને ‘ભારત-ચીન વિવાદ’ અને ‘સત્યને દબાવવા’ના પ્રતીક તરીકે રજૂ કરવામાં સફળતા મેળવી છે.
રાહુલ ગાંધીના ભાષણનો બીજો વિવાદાસ્પદ હિસ્સો ‘એપ્સ્ટેઈન ફાઈલ્સ’ અને ભારત-અમેરિકા વેપાર સોદા અંગેનો હતો. તેમણે કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરીનું નામ જેફરી એપ્સ્ટેઈન સાથે જોડીને અને વેપાર સોદામાં ખેડૂતોના હિત વેચી નાખવાનો આરોપ લગાવીને ભારે ખળભળાટ મચાવ્યો છે. હરદીપ સિંહ પુરીએ તાત્કાલિક પ્રેસ કોન્ફરન્સ કરી આ મુલાકાતોને વ્યવસાયિક ગણાવી બચાવ કર્યો હતો, છતાં વિપક્ષ આ મુદ્દાને છોડવા તૈયાર નથી. રાહુલ ગાંધીનું સ્પષ્ટ વલણ છે કે ભલે તેમની સામે FIR થાય કે વિશેષાધિકાર ભંગનો પ્રસ્તાવ આવે, તેઓ ખેડૂતો અને દેશના હિત માટે લડતા રહેશે.
આ ટકરાવ હવે વ્યક્તિગત આક્ષેપોથી આગળ વધીને સંસદીય કાર્યવાહીના ‘યુદ્ધ’ સુધી પહોંચ્યો છે. ભાજપના સાંસદ નિશિકાંત દુબેએ રાહુલ ગાંધી વિરુદ્ધ સાર્થક પ્રસ્તાવ રજૂ કરીને તેમની સદસ્યતા રદ કરવાની અને આજીવન ચૂંટણી લડવા પર પ્રતિબંધ મૂકવાની માંગ કરી છે. સામા પક્ષે, કોંગ્રેસ અને સાથી પક્ષોએ સ્પીકર ઓમ બિરલા સામે જ અવિશ્વાસની નોટિસ આપીને મોટો દાવ ખેલ્યો છે. સંસદમાં જે રીતે એજન્ડા બદલાઈ રહ્યો છે, તે જોતા લાગે છે કે રાહુલ ગાંધી સરકારને માત્ર બજેટ પર જ નહીં પરંતુ રાષ્ટ્રીય સુરક્ષા અને આંતરરાષ્ટ્રીય સોદાઓ પર જવાબ આપવા મજબૂર કરી રહ્યા છે.
(7:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
