News of Friday, 13th February 2026
સ્ત્રીઓ માટે ‘સાઇલન્ટ કિલર’ બની રહી છે વિટામિન-Dની ઉણપ: જો તમને પણ સતત થાક લાગે છે, તો થઈ જજો સાવધાન!
એસી ઓફિસ અને સનસ્ક્રીનના અતિરેકે ભારતીય મહિલાઓને બીમારીના ઉંબરે લાવી દીધી: હાડકાંનો દુખાવો, વાળ ખરવા અને ડિપ્રેશન જેવા લક્ષણો પાછળ સૂર્યપ્રકાશનો અભાવ જવાબદાર : માત્ર ૧૫ મિનિટનો તડકો બચાવી શકે છે ગંભીર સર્જરી અને હોસ્પિટલના ખર્ચથી

નવી દિલ્હી : આજની આધુનિક અને ભાગદોડ ભરેલી જીવનશૈલીમાં સ્ત્રીઓ પોતાના પરિવારના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવામાં એટલી વ્યસ્ત થઈ ગઈ છે કે તેઓ પોતાના શરીરના ‘પાયા’ સમાન વિટામિન-Dની ઉણપને નજરઅંદાજ કરી રહી છે. મેડિકલ ભાષામાં જેને 'સાઇલન્ટ કિલર' કહેવામાં આવે છે, તે વિટામિન-Dની ઉણપ હવે સ્ત્રીઓમાં સામાન્ય બની ગઈ છે. ઓફિસમાં એસી કેબિનમાં લાંબો સમય બેસી રહેવું, બહાર નીકળતી વખતે સનસ્ક્રીનનો વધુ પડતો ઉપયોગ અને પ્રદૂષણને કારણે સૂર્યના કોમળ કિરણો સીધા ત્વચા સુધી પહોંચતા નથી. પરિણામે, શરીર કુદરતી રીતે વિટામિન-D બનાવી શકતું નથી, જે કેલ્શિયમના શોષણ માટે અનિવાર્ય છે.
ડૉક્ટરોના મતે, જો તમને વગર મહેનતે સતત થાક લાગતો હોય, સીડી ચઢતી વખતે સાંધામાં કડાકા બોલતા હોય કે પીઠ અને પગનો દુખાવો પીછો ન છોડતો હોય, તો આ માત્ર કામનો બોજ નથી પણ વિટામિન-Dની ખામીના સંકેત છે. દિલ્હીની RML હોસ્પિટલના નિષ્ણાતો ચેતવણી આપે છે કે આ ઉણપ માત્ર હાડકાં સુધી મર્યાદિત નથી; તે માનસિક સ્વાસ્થ્ય પર પણ સીધી અસર કરે છે. ચીડિયાપણું, અનિદ્રા, વાળનું અકાળે ખરવું અને કારણ વગરની ઉદાસી (મૂડ સ્વિંગ) પાછળ આ વિટામિનની ઓછપ જવાબદાર હોઈ શકે છે. ખાસ કરીને ૪૦ વર્ષથી વધુ ઉંમરની મહિલાઓમાં હાડકાં પોલા થવાનું જોખમ અનેકગણું વધી જાય છે.
આ ગંભીર સમસ્યાનો ઉકેલ મોંઘી દવાઓ કરતાં કુદરતની નજીક જવામાં વધુ રહેલો છે. આરોગ્ય નિષ્ણાતો સલાહ આપે છે કે દરરોજ સવારે ૧૫ થી ૨૦ મિનિટનો કુમળો સૂર્યપ્રકાશ લેવો એ શ્રેષ્ઠ દવા છે. આ ઉપરાંત આહારમાં દૂધ, પનીર, ઈંડા અને ફોર્ટિફાઈડ ફૂડનો સમાવેશ કરવો જોઈએ. ગર્ભવતી અને સ્તનપાન કરાવતી માતાઓએ આ બાબતે ખાસ તકેદારી રાખવી જોઈએ, કારણ કે તેમની ઉણપ બાળકના સ્વાસ્થ્યને પણ અસર કરી શકે છે. વર્ષમાં એકવાર લોહીની તપાસ કરાવી વિટામિનનું સ્તર જાણી લેવું જોઈએ, જેથી ભવિષ્યમાં આર્થરાઈટિસ કે ઓસ્ટિયોપોરોસિસ જેવી ગંભીર બીમારીઓથી બચી શકાય.
(7:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
