News of Friday, 13th February 2026
કોલસા કૌભાંડમાં EDની મોટી કાર્યવાહી : ₹૧૦૦ કરોડની મિલકત જપ્ત : ₹૧૦ની નોટ અને ‘લાલા પેડ’થી ચાલતું હતું કરોડોનું કાળું નાણું!
અનુપ માંઝી ઉર્ફે લાલાના સિન્ડિકેટ પર તવાઈ: પશ્ચિમ બંગાળના ગેરકાયદે ખાણકામમાં ₹૨,૭૪૨ કરોડની કાળી કમાણીનો ખુલાસો : ૧૦ની નોટના સીરીયલ નંબરથી હવાલા વ્યવહારો અને નકલી ઇન્વોઇસ દ્વારા પોલીસની નજર સામે થતી કોલસાની ચોરી

કોલકાતા: ઈડીએ ગેરકાયદેસર કોલસા ખાણકામ અને મની લોન્ડરિંગ કેસમાં મોટી કાર્યવાહી કરતા ₹૧૦૦.૪૪ કરોડની સંપત્તિ કામચલાઉ ધોરણે જપ્ત કરી છે. ઈસ્ટર્ન કોલફિલ્ડ્સ લિમિટેડના વિસ્તારમાંથી થતી કોલસાની ચોરીનો આ ખેલ ‘લાલા’ તરીકે ઓળખાતા અનુપ માંઝી દ્વારા ચલાવવામાં આવતો હતો. તપાસમાં બહાર આવ્યું છે કે આ સિન્ડિકેટે આશરે ₹૨,૭૪૨ કરોડની ગેરકાયદે કમાણી કરી હતી. ED એ આ કેસમાં અત્યાર સુધીમાં કુલ ₹૩૨૨.૭૧ કરોડની અસ્કયામતો ટાંચમાં લીધી છે, જેમાં રિયલ એસ્ટેટથી લઈને મ્યુચ્યુઅલ ફંડ્સ સુધીના રોકાણોનો સમાવેશ થાય છે. આ કાર્યવાહી શાકંભરી ઇસ્પાત અને ગગન ફેરોટેક જેવી સ્ટીલ કંપનીઓ પર ગાળિયો મજબૂત કરવાના ભાગરૂપે કરવામાં આવી છે.
તપાસ દરમિયાન સૌથી ચોંકાવનારો ખુલાસો આ ટોળકીની કામ કરવાની પદ્ધતિ (મોડસ ઓપરેન્ડી) વિશે થયો છે. સિન્ડિકેટે "લાલા પેડ" નામે નકલી ટ્રાન્સપોર્ટ ઇન્વોઇસ બનાવ્યા હતા. હજારો ટ્રકો રસ્તા પરથી સુરક્ષિત પસાર થાય તે માટે ₹૧૦ કે ₹૨૦ની નોટનો ઉપયોગ ‘પાસ’ તરીકે કરવામાં આવતો હતો. ટ્રક ડ્રાઇવરો નંબર પ્લેટ પાસે આ નોટ રાખી ફોટો પાડતા અને તેને વોટ્સએપ દ્વારા ઓપરેટરને મોકલતા, જે બાદમાં રસ્તા પર તૈનાત ભ્રષ્ટ અધિકારીઓ સુધી પહોંચી જતો. આ અનોખા કોડને કારણે કોઈ અધિકારી ગાડી રોકતા નહીં અને કાયદાની નજર સામે જ કોલસાની લૂંટ ચાલતી રહી.
માત્ર પરિવહન જ નહીં, પણ કમાણીને ઠેકાણે પાડવા માટે પણ હવાલા નેટવર્કનો અજીબોગરીબ ઉપયોગ થતો હતો. હવાલા ઓપરેટરો ૧૦ રૂપિયાની નોટના સીરીયલ નંબરને ‘ટોકન’ તરીકે વાપરતા હતા. એક શહેરમાંથી બીજા શહેરમાં કરોડોની રોકડ પહોંચાડવા માટે માત્ર આ નોટનો નંબર જ પૂરતો હતો. પ્રાપ્તકર્તા એ જ નંબરવાળી નોટ બતાવીને કોઈપણ સત્તાવાર રેકોર્ડ વિના રોકડ મેળવી લેતો હતો. ૮ જાન્યુઆરી ૨૦૨૬ના રોજ દિલ્હી અને કોલકાતામાં પડેલા દરોડાના પુરાવા બાદ હવે ED આ નેટવર્કના અંતિમ લાભાર્થીઓ સુધી પહોંચવા મથી રહી છે.
(7:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
