News of Friday, 13th February 2026
જુનિયર બચ્ચનનો ‘મહાલક્ષ્મી’ મોટો દાવ: અભિષેકે ₹૧૪.૫ કરોડમાં વેચ્યો લક્ઝરી ડુપ્લેક્સ : પ્રતિ ચોરસ ફૂટનો ભાવ સાંભળી આંખો ફાટી જશે!
ગોદરેજ પ્લેનેટના ૪૦મા માળે આવેલું આલીશાન ઘર હવે બેઈન કેપિટલના પાર્ટનરનું: ₹૬૪,૪૭૩ પ્રતિ સ્ક્વેર ફૂટના રેકોર્ડ ભાવે થયો સોદો : મુંબઈના રિયલ એસ્ટેટ માર્કેટમાં સેલિબ્રિટીઝનો જમાવડો

મુંબઈ: બોલિવૂડ અભિનેતા અભિષેક બચ્ચને મુંબઈના રિયલ એસ્ટેટ માર્કેટમાં એક મોટો સોદો પાર પાડ્યો છે. પ્રોપર્ટી રજિસ્ટ્રેશન દસ્તાવેજો અનુસાર, અભિષેકે મહાલક્ષ્મી વિસ્તારમાં આવેલો પોતાનો આલીશાન ડુપ્લેક્સ એપાર્ટમેન્ટ ₹૧૪.૫ કરોડમાં વેચી દીધો છે. ૨,૨૪૯ ચોરસ ફૂટના કાર્પેટ એરિયામાં ફેલાયેલું આ ઘર પ્રતિ ચોરસ ફૂટ ₹૬૪,૪૭૩ ના તોતિંગ દરે વેચાયું છે. ૧૨ ફેબ્રુઆરી, ૨૦૨૬ ના રોજ રજિસ્ટર થયેલી આ મિલકત બેઈન કેપિટલ પ્રાઈવેટ ઇક્વિટીના ભાગીદાર ઋષિ મંડાવત અને સ્મિતા મહેતાએ ખરીદી છે. આ હાઈ-પ્રોફાઈલ સોદો મુંબઈના પ્રીમિયમ લોકેશનની વધતી જતી કિંમતોનો જીવતો જાગતો પુરાવો છે.
આ લક્ઝરી પ્રોપર્ટી ‘ગોદરેજ પ્લેનેટ’ પ્રોજેક્ટના ટાવર ૪ ના ૪૦મા અને ૪૧મા માળે આવેલી છે. આ ડુપ્લેક્સ માત્ર આલીશાન વ્યૂ જ નથી આપતું, પરંતુ આ સોદામાં ત્રણ કાર પાર્કિંગ સ્લોટનો પણ સમાવેશ થાય છે. ગોદરેજ પ્લેનેટ એ મુંબઈના સૌથી પ્રતિષ્ઠિત રહેણાંક પ્રોજેક્ટ્સમાંનો એક ગણાય છે, જ્યાં અત્યાધુનિક સુવિધાઓ સાથે પાંચ ટાવર્સમાં વિશાળ ફ્લેટ્સ આવેલા છે. જોકે આ મોટા સોદા અંગે અભિષેક બચ્ચન તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી, પરંતુ બજારમાં આ ડીલના ભાવને લઈને ઘણી ચર્ચાઓ થઈ રહી છે.
મુંબઈના રિયલ એસ્ટેટમાં અત્યારે બોલિવૂડ સિતારાઓની ભારે અવરજવર જોવા મળી રહી છે. ગયા વર્ષે બિગ બી એટલે કે અમિતાભ બચ્ચને ₹૧૪૦ કરોડના વ્યવહારો કર્યા હતા, જ્યારે અક્ષય કુમારે ૮ પ્રોપર્ટી વેચીને ₹૧૧૦ કરોડનું વળતર મેળવ્યું હતું. તાજેતરમાં ઈશાન ખટ્ટરે પણ પાલી હિલમાં ₹૨૯.૩૭ કરોડનું ઘર ખરીદ્યું છે. રસપ્રદ વાત એ છે કે, ઘણા સેલિબ્રિટીઓ હવે રહેણાંક મિલકતો વેચીને કોમર્શિયલ રિયલ એસ્ટેટ તરફ વળી રહ્યા છે. અભિષેકનો આ સોદો એ જ દિશામાં લેવાયેલું પગલું છે કે માત્ર પ્રોફિટ બુકિંગ, તે તો સમય જ બતાવશે.
(7:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
