<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 13th February 2026

બાંગ્લાદેશમાં 'કમળ' નહીં પણ 'બળદગાડા' વાળી BJPની એન્ટ્રી : હાથી, સાયકલ અને લાલટેન જેવા ભારતીય ચૂંટણી ચિહ્નો ધરાવતા પક્ષોના સૂપડા સાફ

શેખ હસીનાની વિદાય બાદ યોજાયેલા 13માં સંસદીય ચૂંટણી જંગમાં BNPએ 209 બેઠકો સાથે ગજવ્યો આખા દેશનો ગઢ : કમળના નિશાન વાળી NCPને માત્ર 6 બેઠકો મળી જ્યારે અખિલેશ-માયાવતી-લાલુના ચિહ્નો જેવા પક્ષોને જનતાએ ઘરભેગા કર્યા

ઢાકા : બાંગ્લાદેશના રાજકીય ઇતિહાસમાં એક અભૂતપૂર્વ પલટો જોવા મળ્યો છે. 18 મહિનાની હિંસા, અરાજકતા અને સત્તાપલટા બાદ યોજાયેલી 13મી સંસદીય ચૂંટણીમાં તારિક રહેમાનના નેતૃત્વ હેઠળની બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી (BNP) એ પ્રચંડ બહુમતી સાથે સત્તામાં વાપસી કરી છે. આ ચૂંટણીમાં સૌથી વધુ ચર્ચા ભારતની રાજનીતિમાં જાણીતા એવા ચૂંટણી ચિહ્નોની રહી હતી. ભારતમાં ભાજપનું નિશાન કમળ છે, પરંતુ બાંગ્લાદેશમાં 'બાંગ્લાદેશ જાતીય પાર્ટી' (BJP) બળદગાડાના નિશાન સાથે મેદાનમાં હતી અને તેણે 1 બેઠક જીતીને પોતાનું ખાતું ખોલ્યું છે. બીજી તરફ, ભારતની સપા, બસપા અને આરજેડી જેવા પક્ષોના ચિહ્નો ધરાવતી પાર્ટીઓને જનતાએ નકારી કાઢી છે.
ચિહ્નોની રમઝટ: કોણ જીત્યું, કોણ હાર્યું?
ભારતની રાજનીતિમાં દબદબો ધરાવતા ચિહ્નો બાંગ્લાદેશમાં નિષ્ફળ સાબિત થયા છે. માયાવતીના 'હાથી' જેવા જ નિશાન ધરાવતી બાંગ્લાદેશ રિપબ્લિકન પાર્ટી (BRR) અને અખિલેશ યાદવની 'સાયકલ' જેવા જ ચિહ્ન ધરાવતી જાતીય પાર્ટીનું ખાતું પણ નથી ખુલ્યું. લાલટેન (RJD નું નિશાન) અને હાથ (કોંગ્રેસનું નિશાન) ધરાવતી પાર્ટીઓનો પણ સફાયો થયો છે. નવાઈની વાત એ છે કે અહીં કમળનું નિશાન ધરાવતી નેશનલ સિટિઝન પાર્ટી (NCP) ને 6 બેઠકો મળી છે.
BNP ગઠબંધનનો એકહથ્થુ શાસન તરફ પ્રયાણ
299 બેઠકો પર યોજાયેલા મતદાનમાં BNP એ એકલા હાથે 209 બેઠકો જીતી છે, જ્યારે તેના ગઠબંધનને કુલ 212 બેઠકો મળી છે. 17 વર્ષ બાદ દેશ પરત ફરેલા તારિક રહેમાને ઢાકા-17 અને બોગરા-6 એમ બંને બેઠકો પરથી ભવ્ય વિજય મેળવ્યો છે. જમાત-એ-ઇસ્લામી 68 બેઠકો સાથે બીજા મોટા પક્ષ તરીકે ઉભરી આવ્યો છે, જ્યારે તેના ગઠબંધનને કુલ 77 બેઠકો મળી છે. અન્ય નાના પક્ષો જેમ કે બાંગ્લાદેશ ખિલાફત મજલિસને 2 અને ઇસ્લામી આંદોલનને 1 બેઠક મળી છે.
આવામી લીગ મેદાન બહાર, મહિલા નેતાઓનો યુગ વિરમ્યો
શેખ હસીનાના નેતૃત્વ વાળી આવામી લીગ પર વચગાળાની સરકાર દ્વારા પ્રતિબંધ મુકવામાં આવતા આ વખતે તે ચૂંટણી લડી શકી નહોતી. દાયકાઓ બાદ પ્રથમવાર એવું બન્યું કે બાંગ્લાદેશની ચૂંટણીમાં કોઈ મુખ્ય મહિલા નેતા મેદાનમાં નહોતી, કારણ કે ખાલિદા ઝિયાનું અવસાન થયું છે અને હસીના દેશ બહાર છે. છતાં પણ, BNP ની 6 મહિલા ઉમેદવારો જીતવામાં સફળ રહી છે.
ઐતિહાસિક મતદાન અને જનમત સંગ્રહ
કુલ 12.7 કરોડ મતદારોમાંથી અંદાજે 59.44 ટકા મતદાન નોંધાયું હતું. સુરક્ષા માટે 10 લાખથી વધુ જવાનો તૈનાત કરવામાં આવ્યા હતા. આ વખતે મતદારોએ બે વોટ આપ્યા હતા - એક નવી સરકાર માટે અને બીજો 'જુલાઈ ચાર્ટર' એટલે કે બંધારણમાં ફેરફાર માટેના જનમત સંગ્રહ માટે. જનમત સંગ્રહમાં જનતાએ ભારે મતોથી 'યસ વોટ' આપી બંધારણમાં સુધારાની ઈચ્છા વ્યક્ત કરી છે. ઉલ્લેખનીય છે કે ઓગસ્ટ 2024 માં વિદ્યાર્થીઓના આંદોલન બાદ શેખ હસીનાએ પદ છોડી ભારત શરણ લેવી પડી હતી, જેમાં 1400 થી વધુ લોકોના મોત થયા હતા.

(8:02 PM IST)