<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 13th February 2026

કાંગારૂઓની ધરતી પર પાકિસ્તાનની 'આંતરરાષ્ટ્રીય ફજેતી': હોટલનું બિલ ચૂકવવાના પૈસા નથી, ખેલાડીઓને રસ્તા પર ભટકવાનો વારો આવ્યો!

વર્લ્ડ ચેમ્પિયન રહી ચુકેલી ટીમની ભિખારી જેવી હાલત: ઓસ્ટ્રેલિયામાં હોટલ બુકિંગ કેન્સલ થતા કલાકો સુધી સામાન સાથે રસ્તા પર ઉભા રહ્યા પાક. ખેલાડીઓ, એક રૂમમાં ત્રણ-ત્રણ ખેલાડીઓને ઠાંસી દેવાયા

નવી દિલ્હી: પાકિસ્તાનની આર્થિક કંગાળી હવે માત્ર દેશની સરહદો પૂરતી મર્યાદિત નથી રહી, પરંતુ રમતગમતના મેદાનમાં પણ દેશને ભારે અપમાનિત કરી રહી છે. તાજેતરમાં ઓસ્ટ્રેલિયાના પ્રવાસે ગયેલી પાકિસ્તાની પુરુષ હોકી ટીમને જે શરમજનક પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો છે, તેણે સમગ્ર વિશ્વમાં પાકિસ્તાન રમતગમત તંત્રની પોલ ખોલી દીધી છે. FIH પ્રો લીગ રમવા ગયેલી ટીમના ખેલાડીઓને વિદેશી ધરતી પર રહેવા માટે હોટલ ન મળતા રસ્તા પર રઝળવું પડ્યું હતું.
 પાકિસ્તાન હોકી ટીમ જર્મની અને ઓસ્ટ્રેલિયા સામેની મેચો માટે હોબાર્ટ પહોંચી હતી. જોકે, કેનબેરા પહોંચ્યા પછી ખેલાડીઓના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. પાકિસ્તાન હોકી ફેડરેશન (PHF) પાસે પૂરતું ભંડોળ ન હોવાને કારણે તેઓ હોટલનું એડવાન્સ બિલ ચૂકવી શક્યા નહોતા. પરિણામે, હોટલ મેનેજમેન્ટે છેલ્લી ઘડીએ બુકિંગ રદ કરી દીધું હતું. લાહોરથી લાંબી મુસાફરી કરીને થાકેલા-પાકેલા ખેલાડીઓ કલાકો સુધી પોતાના સામાન સાથે રસ્તા પર ઉભા રહેવા મજબૂર બન્યા હતા.
 ટીમના કોચ તાહિર ઝમાન માટે સ્થિતિ અત્યંત ગંભીર બની ગઈ હતી. પાકિસ્તાન અને ઓસ્ટ્રેલિયા વચ્ચેના સમયના તફાવતને કારણે તેઓ તત્કાલ પાકિસ્તાની અધિકારીઓનો સંપર્ક પણ કરી શક્યા નહોતા. આખરે, કોચે હોટલ મેનેજમેન્ટ સામે આજીજી કરી તેમને સમજાવ્યા બાદ ટીમને અંદર પ્રવેશ મળ્યો હતો. જોકે, મર્યાદિત બજેટને કારણે સ્થિતિ એવી સર્જાઈ હતી કે એક જ નાના રૂમમાં બે થી ત્રણ ખેલાડીઓને આશરો લેવો પડ્યો હતો.
 આવી શરમજનક પરિસ્થિતિ અને પૂરતા આરામના અભાવે ખેલાડીઓના પ્રદર્શન પર સીધી અસર પડી હતી. બીજા જ દિવસે રમાયેલી મેચમાં પાકિસ્તાન ઓસ્ટ્રેલિયા સામે ૩-૨થી હારી ગયું હતું. જે દેશ ક્યારેક હોકીમાં વિશ્વ ચેમ્પિયન હતો અને દુનિયાને હોકી શીખવતો હતો, તે આજે તેના ખેલાડીઓને ન્યૂનતમ સુવિધાઓ આપવામાં પણ નિષ્ફળ રહ્યો છે. આ ઘટનાએ સોશિયલ મીડિયા પર પાકિસ્તાન સરકાર અને રમતગમત બોર્ડની ભારે ટીકા જગાવી છે. વિદેશી ધરતી પર રાષ્ટ્રધ્વજ સાથે ગયેલા ખેલાડીઓની આ હાલત પાકિસ્તાનની વર્તમાન આર્થિક અને વહીવટી ખાડે ગયેલી સ્થિતિનું જીવતું જાગતું ઉદાહરણ છે.

(9:10 PM IST)