News of Friday, 13th February 2026
રાજપાલ યાદવની 'કેનેડિયન' લવ સ્ટોરી: એક શૂટિંગ દરમિયાન દિલ આપી બેઠી હતી રાધા, અભિનેતા જેલના સળિયા પાછળ હોવા છતાં પત્ની મક્કમતાથી ઉભી રહી સાથે!
ચેક બાઉન્સ કેસમાં તિહાર જેલમાં બંધ રાજપાલ યાદવ માટે રાધા યાદવે તોડ્યું મૌન; કેનેડાની લક્ઝુરિયસ લાઈફ છોડીને સાત સમુદ્ર પાર ભારત આવી હતી રાધા, જાણો કેવી રીતે શરૂ થઈ આ અનોખી પ્રેમકહાની

મુંબઈ: બોલિવૂડના ફેમસ કોમેડિયન રાજપાલ યાદવ અત્યારે ₹૯ કરોડના ચેક બાઉન્સ કેસમાં મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે અને તિહાર જેલમાં બંધ છે. પરંતુ આ કપરા સમયમાં જે વ્યક્તિ તેમની પાછળ પહાડની જેમ ઉભી છે, તે છે તેમની બીજી પત્ની રાધા યાદવ. રાજપાલ યાદવની પ્રોફેશનલ લાઈફ વિશે તો બધા જાણે છે, પણ તેમની અને રાધાની લવ સ્ટોરી કોઈ ફિલ્મી પ્લોટથી ઓછી નથી.
રાજપાલ અને રાધાની મુલાકાત વર્ષ ૨૦૦૨માં કેનેડામાં થઈ હતી. રાજપાલ ત્યાં પોતાની ફિલ્મ 'ધ હીરો: લવ સ્ટોરી ઓફ અ સ્પાય'ના શૂટિંગ માટે ગયા હતા. એક કોમન ફ્રેન્ડ દ્વારા બંનેની મુલાકાત થઈ અને માત્ર ૧૦ દિવસના સાથમાં જ બંનેને અહેસાસ થઈ ગયો કે તેઓ એકબીજા માટે બન્યા છે. રાધા ત્યારે કેનેડામાં રહેતી હતી, પણ રાજપાલના પ્રેમમાં તે એટલી ગળાડૂબ હતી કે તેણે પોતાનો દેશ છોડી ભારત આવવાનો નિર્ણય લીધો.
હાલમાં જ્યારે રાજપાલ યાદવ જેલમાં છે અને તેમની જામીન અરજી પરની સુનાવણી ૧૬ ફેબ્રુઆરી સુધી મુલતવી રાખવામાં આવી છે, ત્યારે રાધા યાદવે પહેલીવાર મીડિયા સામે પોતાની પ્રતિક્રિયા આપી છે. રાધાએ કહ્યું, "આ મુશ્કેલ સમયમાં ફિલ્મ ઉદ્યોગ અને ચાહકોએ જે રીતે રાજપાલને સપોર્ટ કર્યો છે, તે બદલ હું સૌની આભારી છું. દરેક વ્યક્તિ અમારી સાથે ઉભી રહી છે."
જ્યારે રાજપાલ રાધાને મળ્યા ત્યારે તેઓ વિધુર હતા (તેમની પહેલી પત્નીનું અવસાન થયું હતું) અને એક પુત્રીના પિતા પણ હતા. રાધાએ આ બધું જાણવા છતાં રાજપાલનો હાથ પકડ્યો અને ૨૦૦૩માં બંને લગ્નગ્રંથિથી જોડાયા. આજે આ દંપતીને બે પુત્રીઓ છે. રાધા હંમેશા લાઈમલાઈટથી દૂર રહે છે, પરંતુ રાજપાલના દરેક કાનૂની અને આર્થિક વિવાદમાં તે મજબૂતીથી તેમની પડખે ઉભી રહી છે. રાજપાલ યાદવ ભલે અત્યારે જેલના સળિયા પાછળ હોય, પણ રાધાનો અતૂટ વિશ્વાસ અને બોલિવૂડના સાથી કલાકારોનો સાથ તેમને આ મુસીબતમાંથી બહાર લાવવા માટે આશાનું કિરણ બની રહ્યો છે
(9:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
