<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 13th February 2026

બાંગ્લાદેશમાં 'હસીના યુગ'નો અંત, તારિક રહેમાનનો સૂર્યોદય: ૧૯૭૩ થી ૨૦૨૬ સુધીના સત્તા સંગ્રામનો સંપૂર્ણ ચિતાર; જુઓ કેવી રીતે BNP એ ફરીથી મેળવ્યું રાજ્યાસન!

૧૩ ચૂંટણીઓ અને ૫૫ વર્ષનો લોહિયાળ ઇતિહાસ: ૨૯૯માંથી ૨૧૨ બેઠકો જીતીને BNP નું પ્રચંડ પુનરાગમન; શુક્રવારે વડાપ્રધાન તરીકે શપથ લેશે તારિક રહેમાન, જાણો આંકડાઓની માયાજાળ

ઢાકા:  બાંગ્લાદેશના રાજકારણમાં આજે એક નવો અધ્યાય લખાઈ રહ્યો છે. વર્ષો સુધી દેશનિકાલ અને સંઘર્ષ બાદ તારિક રહેમાનના નેતૃત્વમાં BNP (બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી) એ પ્રચંડ બહુમતી સાથે સત્તામાં વાપસી કરી છે. ૧૩મી સામાન્ય ચૂંટણીના પરિણામોએ સ્પષ્ટ કરી દીધું છે કે બાંગ્લાદેશની જનતાએ પરિવર્તન સ્વીકાર્યું છે. ૨૯૯ બેઠકોમાંથી ૨૧૨ બેઠકો જીતીને BNP ગઠબંધને અવામી લીગ અને જમાત-ઉદ-દીનના સૂપડા સાફ કરી દીધા છે.
બાંગ્લાદેશની સત્તાની ઉથલપાથલ: ૧૯૭૧માં આઝાદી મળ્યા બાદ બાંગ્લાદેશના રાજકારણમાં અનેક ચડાવ-ઉતાર આવ્યા છે. નીચે મુજબ છે અત્યાર સુધીની મુખ્ય ચૂંટણીઓનો ટૂંકો ઇતિહાસ:
૧૩મી ચૂંટણી (૨૦૨૬): BNP નું તોફાન, ૨૧૨ બેઠકો સાથે તારિક રહેમાન વડાપ્રધાન બનવા તૈયાર.
૧૨મી ચૂંટણી (૨૦૨૪): અવામી લીગનો દબદબો હતો, શેખ હસીનાએ ૨૨૪ બેઠકો જીતી હતી, પરંતુ જનઆક્રોશ સામે સત્તા ટકી શકી નહીં.
૧૧મી ચૂંટણી (૨૦૧૮): ૮૦% મતદાન સાથે અવામી લીગે ૨૫૮ બેઠકો જીતી હતી, જ્યારે BNP માત્ર ૬ બેઠકો પર સમેટાઈ ગઈ હતી.
૮મી ચૂંટણી (૨૦૦૧): BNP એ ૧૯૫ બેઠકો સાથે મોટો વિજય મેળવ્યો હતો અને ખાલિદા ઝિયા સત્તામાં આવ્યા હતા.
૧લી ચૂંટણી (૧૯૭૩): આઝાદી પછીની પ્રથમ ચૂંટણીમાં અવામી લીગે ૨૯૩ બેઠકો જીતીને ઇતિહાસ રચ્યો હતો.
કેવી રીતે પલટાયું નસીબ?: ૧૯૭૩ થી ૨૦૨૬ સુધીની સફરમાં બાંગ્લાદેશે રાષ્ટ્રપતિ શાસન અને સંસદીય પ્રણાલી બંનેનો અનુભવ કર્યો છે. ૧૯૯૧ સુધી ચાર ચૂંટણીઓ રાષ્ટ્રપતિ શાસન હેઠળ યોજાઈ હતી. ૨૦૧૪ માં જ્યારે BNP એ ચૂંટણીનો બહિષ્કાર કર્યો હતો, ત્યારે લાગતું હતું કે પક્ષ ખતમ થઈ જશે, પરંતુ ૨૦૨૬ માં તારિક રહેમાનના નેતૃત્વમાં પક્ષે ફિનિક્સ પક્ષીની જેમ રાખમાંથી બેઠા થઈને વિજય મેળવ્યો છે.
તારિક રહેમાન, જેમના પિતા ઝિયાઉર રહેમાન રાષ્ટ્રપતિ હતા અને માતા ખાલિદા ઝિયા બે વાર વડાપ્રધાન રહી ચૂક્યા છે, તેઓ હવે દેશની કમાન સંભાળશે. જમાત-ઉદ-દીન જેવી કટ્ટરપંથી પાર્ટીઓ આ BNP ના તોફાનમાં માત્ર ૭૭ બેઠકો પર જ અટકી ગઈ છે.
હવે આખા વિશ્વની નજર એ વાત પર છે કે તારિક રહેમાનના શાસનમાં ભારત-બાંગ્લાદેશના સંબંધો કેવો વળાંક લેશે અને શું શેખ હસીના ક્યારેય બાંગ્લાદેશ પરત ફરી શકશે?

(9:57 PM IST)