News of Friday, 13th February 2026
દિલ્હીમાં સાઉથ બ્લોકને વિદાય: PM મોદીએ ‘સેવા તીર્થ’માં સંભાળ્યો કાર્યભાર : પ્રથમ દિવસે જ લીધા બે મોટા નિર્ણય!
બ્રિટિશ હકુમતની ૧૦૦ વર્ષ જૂની યાદોને પાછળ છોડી PMO હવે ‘સેવા તીર્થ’માં સ્થાનાંતરિત: ‘પીએમ રાહત યોજના’ ને મંજૂરી અને ૬ કરોડ ‘લખપતિ દીદી’ બનાવવાનો લક્ષ્યાંક

નવી દિલ્હી: ભારતની રાજધાની નવી દિલ્હીમાં ૧૩ ફેબ્રુઆરી ૨૦૨૬ના રોજ એક યુગનો અંત અને નવા અધ્યાયનો પ્રારંભ થયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બ્રિટિશ આર્કિટેક્ટ હર્બર્ટ બેકર દ્વારા ડિઝાઇન કરાયેલા ઐતિહાસિક સાઉથ બ્લોકમાં કેન્દ્રીય મંત્રીમંડળની અંતિમ બેઠક યોજી હતી. આ બેઠક બાદ પીએમ મોદીએ નવા અત્યાધુનિક સંકુલ 'સેવા તીર્થ' નું ઉદ્ઘાટન કર્યું, જે હવે દેશનું નવું વડાપ્રધાન કાર્યાલય (PMO) બનશે. ૧૯૨૧ થી સત્તાના કેન્દ્ર રહેલા ઉત્તર અને દક્ષિણ બ્લોક હવે ખાલી કરવામાં આવશે અને તેને વિશ્વ કક્ષાના ‘રાષ્ટ્રીય સંગ્રહાલય’ માં રૂપાંતરિત કરવામાં આવશે, જે ભારતની સભ્યતાની ૫૦૦૦ વર્ષની યાત્રા દર્શાવશે.
‘સેવા તીર્થ’ માં પ્રવેશતાની સાથે જ વડાપ્રધાન મોદીએ જનકલ્યાણના બે અત્યંત મહત્વપૂર્ણ દસ્તાવેજો પર હસ્તાક્ષર કરીને પોતાની પ્રાથમિકતા સ્પષ્ટ કરી દીધી છે. પ્રથમ નિર્ણય હેઠળ, દરેક ભારતીય નાગરિકને જીવનરક્ષક સુરક્ષા પૂરી પાડવા માટે ‘પીએમ રાહત યોજના’ શરૂ કરવામાં આવી છે. બીજા મહત્વના નિર્ણયમાં, સ્વસહાય જૂથો સાથે જોડાયેલી મહિલાઓ માટે ‘લખપતિ દીદી’ યોજનાનો વ્યાપ બમણો કરીને ૬ કરોડ મહિલાઓને આર્થિક રીતે સશક્ત બનાવવાનો લક્ષ્યાંક નક્કી કરાયો છે. પીએમ મોદીએ કાર્યાલયમાં ભગવાન ગણેશની પૂજા અર્ચના કરીને ખેડૂતો, યુવાનો અને વંચિતોના ઉત્થાન માટે કામ કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.
આ પરિવર્તન એવા દિવસે થયું છે જ્યારે નવી દિલ્હીના ઔપચારિક ઉદ્ઘાટનને ૯૫ વર્ષ પૂર્ણ થયા છે. નવી ઇમારતોનું નામકરણ પણ અર્થસભર રાખવામાં આવ્યું છે, જેમાં પીએમઓ ‘સેવા તીર્થ’ કહેવાશે અને બે કેન્દ્રીય સચિવાલય ઇમારતોને ‘કર્તવ્ય ભવન’ ૧ અને ૨ નામ અપાયું છે. પીએમ મોદીએ સંબોધનમાં જણાવ્યું હતું કે, આ નવી ઇમારતો માત્ર ઈંટ-પથ્થરનું બાંધકામ નથી, પરંતુ તે ‘વિકસિત ભારત’ તરફની સફરના સીમાચિહ્નરૂપ છે અને નાગરિક-કેન્દ્રિત શાસન પ્રત્યેની સરકારની પ્રતિબદ્ધતાનું પ્રતીક છે. આ સાથે જ ભારતની નવી સંસદ બાદ હવે દેશનું સચિવાલય પણ સંપૂર્ણપણે ‘ભારતીય’ ઓળખ સાથે સજ્જ થઈ ગયું છે.
(10:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
