<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 14th February 2026

હાઇકોર્ટમાં કુલ ૧૭ અને નીચલી કોર્ટોમાં કુલ ૫૩૫ જગ્‍યા ખાલી

ગુજરાતમાં જિલ્‍લા સહિતની નીચલી કોર્ટોમાં ૧૫.૯૦ લાખ અને હાઇકોર્ટમાં ૧.૭૧ લાખ જેટલા કેસ પેન્‍ડિંગ

 

અમદાવાદ,તા.૧૪: ગુજરાત સહિત દેશભરમાં કોર્ટ કેસનો ઝડપી ઉકેલ લાવવા પ્રયાસ છતાં હાઇકોર્ટથી લઇને નીચલી અદાલતોમાં કોર્ટ કેસની સંખ્‍યા સતત વધી રહી છે. રાજ્‍યમાં હાઇકોર્ટમાં ૨૦૨૫ના વર્ષના અંતે કુલ પેન્‍ડિંગ કેસની સંખ્‍યા ૧.૭૫ લાખ જેટલી છે. તો જિલ્‍લા કોર્ટ સહિતની તમામ નીચલી અદાલતોમાં ૧૫.૯૦ લાખ કેસ જેટલી કેસ પેન્‍ડિંગ છે.  લોકસભામાં કાયદો-ન્‍યાય મંત્રાલય દ્વારા ૧૩ ફેબ્રુઆરીએ એક સવાલના જવાબમાં ગુજરાત સહિત દેશના વિવિધ રાજ્‍યમાં કોર્ટોમાં પેન્‍ડિંગ કેસની માહિતી આપવામાં આવી છે. તે મુજબ હાઇકોર્ટમાં વર્ષ ૨૦૨૩ની સરખામણીમાં ૨૦૨૫માં પેન્‍ડિંગ કેસમાં ૪.૯૨ ટકાનો વધારો થવા પામ્‍યો છે. તો જિલ્‍લા સહિતની નીચલી કોર્ટમાં આ ત્રણ વર્ષના સમયગાળામાં ૨.૨૧ ટકાનો વધારો થવા પામ્‍યો છે.

ગુજરાત હાઇકોર્ટમાં ફેબ્રુઆરી-૨૦૨૬ની સ્‍થિતિએ કાયમી જજની મંજૂર કરાયેલી સંખ્‍યા ૩૯ છે તેની સામે ૩૫ ભરાયેલી છે અને ૪ ખાલી છે. તો એડીશનલ જજની મંજૂર કરાયેલી સંખ્‍યા ૧૩ છે તે તમામ ખાલી છે. હાઇકોર્ટમાં કાયમી જજ અને એડીશનલ જજની કુલ મંજૂર ૫૨ની છે તેમાંથી ૧૭ ખાલી છે. તેવી જ રીતે જિલ્‍લા અને તેને આધીન નીચલી અદાલતોમાં કુલ મંજૂર જગ્‍યાઓ ૧૭૨૦ની છે તેની સામે ૧૧૮૫ ભરાયેલી છે અને ૫૩૫ જગ્‍યા ખાલી છે. મંત્રાલય દ્વારા દેશના અન્‍ય રાજ્‍યમાં કેસની માહિતી આપવામાં આવી છે તેમાં કેટલાક રાજ્‍યમાં પેન્‍ડિંગ કેસમાં ઘટાડો પણ નોંધાયેલો છે. 

કોર્ટોમાં જંગી સંખ્‍યામાં કેસ પેન્‍ડિંગ રહેવા પાછળ ફક્‍ત કોર્ટ જ નહીં, કોર્ટમાં જરૂરી સ્‍ટાફની અછત, કેસ સંલગ્ન અન્‍ય પરિબળો પણ જવાબદાર હોય છે. તો નીચલી અદાલતોમાં નોંધાતા કેસમાં રાજ્‍યમાં ગુનાખોરીનું પ્રમાણથી લઇ અનેક બાબતો પર પણ નિર્ભર હોય છે. રાજ્‍ય સરકાર છેલ્‍લા કેટલાક સમયથી વિવિધ કોર્ટના નવા સુવિધાજનક બિલ્‍ડિંગ કરોડોના ખર્ચે બનાવે તે જેટલા આવશ્‍યક છે તે સાથે ઝડપી ન્‍યાયની આશા પણ રાખતા હોય છે. હાઇકોર્ટ હોય કે કોઇપણ નીચલી કોર્ટ તમામમાં છેલ્‍લા ત્રણ વર્ષમાં પેન્‍ડિંગ કેસની સંખ્‍યા વધી રહી છે.

ગુજરાત હાઇકોર્ટમાં છેલ્‍લા ત્રણ વર્ષમાં પેન્‍ડિંગ કેસ

૨૦૨૩-૧,૬૭,૨૫૮

૨૦૨૪-૧,૭૧,૨૧૧

૨૦૨૫-૧,૭૫,૪૮૬

રાજ્‍યમાં જિલ્‍લા-નીચલી અદાલતોમાં છેલ્‍લા ત્રણ વર્ષમાં પેન્‍ડિંગ કેસ

૨૦૨૩-૧૫,૫૬,૩૭૧

૨૦૨૪-૧૫,૦૩,૭૬૩

૨૦૨૫-૧૫,૯૦,૮૪૪

કેસોનો ઘટાડો થયો હોય તેવા રાજ્‍યની હાઇકોર્ટ

છત્તીસગઢ-૧૫.૫૬ ટકા

ઝારખંડ-૧૫.૮૨ ટકા

પંજાબ-હરિયાણા-૪.૯૫ ટકા

મદ્રાસ-૪.૯૦ ટકા

કોલકાતા-૧.૯૬ ટકા

કેરળ-૧.૬૫ ટકા

બોમ્‍બે-૦.૪૫ ટકા

નીચલી અદાલતોમાં કેસોનો ઘટાડો થયો હોય તેવા રાજ્‍ય

ઉત્તરાખંડ-૧૪.૨૩ ટકા

કેરળ-૫.૭૩ ટકા

ગોવા-૨.૯૭ ટકા

ઓરિસ્‍સા-૨.૬૨ ટકા

હિમાચલ પ્રદેશ-૦.૪૯ ટકા. (૪૦.૪)

(10:21 AM IST)