News of Saturday, 14th February 2026
પુત્રના પ્રેમની સજા પિતાને મળી: પરિણીત મહિલા સાથે ભાગી જવાની અદાવતમાં પિતાની ક્રૂર હત્યા, નાળામાંથી મળ્યો મૃતદેહ
પ્રેમ પ્રકરણમાં લોહીનો ખેલ: મહિલાના પરિવારે ધમકી આપતા ઘર છોડીને ભાગેલા મજૂર પિતાને શોધીને રહેંસી નાખવામાં આવ્યા; પત્નીની ફરિયાદ બાદ ૧૬ નરધમો સામે હત્યાનો ગુનો દાખલ, ગોરખપુરમાં સનસનાટી

ગોરખપુર:ઉત્તર પ્રદેશના ગોરખપુરમાં એક પુત્રના પ્રેમ સંબંધની કિંમત તેના પિતાએ જીવ આપીને ચૂકવવી પડી હોવાની હચમચાવી નાખતી ઘટના સામે આવી છે. ગુલરીહા પોલીસ સ્ટેશન વિસ્તારના જંગલ ડુમરી ગામમાં રહેતા ૫૦ વર્ષીય રાજારામનો મૃતદેહ શુક્રવારે સવારે તેના ઘરથી માત્ર ૫૦૦ મીટર દૂર એક નાળામાં તરતો મળી આવતા સમગ્ર પંથકમાં અરેરાટી ફેલાઈ ગઈ છે. જે પિતા દિવસ-રાત ઈંટના ભઠ્ઠામાં મજૂરી કરીને પોતાના છ બાળકોનું પેટ ભરતા હતા, તેમનો વાંક માત્ર એટલો હતો કે તેમનો પુત્ર ગામની જ એક પરિણીત મહિલા સાથે ભાગી ગયો હતો. આ આક્રોશમાં મહિલાના પરિવારે કાયદો હાથમાં લઈ નિર્દોષ પિતાનો ભોગ લીધો હોવાનો આરોપ છે.
ઘટનાની વિગત એવી છે કે ૧૧ ફેબ્રુઆરીની રાત્રે રાજારામનો નાનો પુત્ર સચિન ગામની જ એક પરિણીત મહિલા સાથે રહસ્યમય રીતે ગુમ થઈ ગયો હતો. આ મહિલા તેના સાસરિયાના ઘરેથી પિયર આવી હતી. પુત્રી ભાગી જવાથી રોષે ભરાયેલા મહિલાના પરિવારજનોએ રાજારામના ઘરે જઈ હંગામો મચાવ્યો હતો અને આખા પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જીવના જોખમે રાજારામ પોતાના ઘરને તાળું મારીને પત્ની અને બાળકો સાથે ગામ છોડીને ક્યાંક અજાણ્યા સ્થળે છુપાઈ ગયા હતા. પરંતુ કાળ બનીને આવેલા વિરોધીઓએ તેમને શોધી કાઢ્યા અને ૧૨ ફેબ્રુઆરીની રાત્રે તેમની ક્રૂર હત્યા કરી લાશને નાળામાં ફેંકી દીધી હતી.
મૃતક રાજારામની પત્ની સિંધુ દેવીએ પોલીસ સમક્ષ રડતા-રડતા પોતાની વ્યથા ઠાલવી છે. તેમણે આરોપ લગાવ્યો છે કે મહિલાના પરિવારે તેમને ઘરમાં ઘૂસીને માર માર્યો હતો અને ધમકી આપી હતી કે "જો પુત્રી પાછી નહીં આવે તો લાશો પડશે." ૧૩ ફેબ્રુઆરીની સવારે જ્યારે ગ્રામજનો ફરવા નીકળ્યા ત્યારે નાળામાં તરતી લાશ જોઈને પોલીસને જાણ કરી હતી. પત્નીની ફરિયાદના આધારે પોલીસે સુચિતા, પરશુરામ અને શૈલેન્દ્ર સહિત કુલ ૧૬ લોકો સામે નામજોગ FIR દાખલ કરી છે. આ હુમલાખોરોમાં મહિલાના પિયર પક્ષ અને સાસરિયા પક્ષના સભ્યોનો સમાવેશ થાય છે.
હાલમાં ગોરખપુર પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે અને આરોપીઓની ધરપકડ કરવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. બીજી તરફ, જે પ્રેમી યુગલને કારણે આ આખું તાંડવ ખેલાયું, તે સચિન અને પરિણીત મહિલા હજુ પણ લાપતા છે. પોલીસને આશંકા છે કે બંને રાજ્ય છોડીને નેપાળ કે અન્ય રાજ્યમાં ભાગી ગયા હોઈ શકે છે. એક તરફ પિતાની ચિતા બળી રહી છે અને બીજી તરફ પુત્ર હજુ પણ ફરાર છે, ત્યારે આ ઘટનાએ ગ્રામીણ વિસ્તારોમાં ફેલાયેલી સામાજિક અરાજકતા અને 'ઓનર કિલિંગ' જેવા ભયાનક માનસ તરફ આંગળી ચીંધી છે.
(10:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
