તા. ૧૫ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ભાદરવા સુદ – ૪ મંગળવાર
News of Saturday, 14th February 2026
DUમાં લોહીલુહાણ ખેલ: મહિલા પત્રકાર પર 500 ના ટોળાનો હિચકારો હુમલો, "તારું નગ્ન સરઘસ કાઢીશું" કહી જાતિ પૂછીને બળાત્કારની ધમકી આપતા ખળભળાટ
UGC કાયદાના સમર્થન વચ્ચે દિલ્હી યુનિવર્સિટી હિંસાનું અખાડો બની; રિપોર્ટિંગ કરવા ગયેલી મહિલા પત્રકારને ટોળાએ અડધો કલાક સુધી બંધક બનાવી શારીરિક પ્રતાડના આપી, 'મોબ લિંચિંગ'નો આક્ષેપ

નવી દિલ્હી: દિલ્હી યુનિવર્સિટી (DU) કેમ્પસમાં ફરી એકવાર લોહીલુહાણ હિંસા અને અરાજકતાનો માહોલ સર્જાયો છે. યુનિવર્સિટીમાં UGCના નવા નિયમોના સમર્થનમાં ચાલી રહેલા વિરોધ પ્રદર્શનને કવર કરવા પહોંચેલી મહિલા પત્રકાર રુચિ તિવારી પર આશરે ૫૦૦ લોકોના ઉશ્કેરાયેલા ટોળાએ જીવલેણ હુમલો કર્યો છે. આ ઘટનાએ દેશની રાજધાનીમાં સુરક્ષા વ્યવસ્થા સામે મોટા સવાલો ઊભા કર્યા છે.
જાતિ પૂછીને શિકાર બનાવવામાં આવી: ભયાનક આપવીતી
પિડીત પત્રકાર રુચિ તિવારીએ પોતાની આપવીતી જણાવતા કહ્યું કે, જ્યારે તેઓ રિપોર્ટિંગ કરી રહ્યા હતા ત્યારે ટોળામાંથી કોઈએ તેમનું નામ પૂછ્યું હતું. જેવી જ તેમની બ્રાહ્મણ જાતિની ઓળખ થઈ, કે તરત જ 'યુજીસીના ગુંડાઓ' એ તેમને ઘેરી લીધી હતી. રુચિનો આક્ષેપ છે કે ટોળામાં રહેલી છોકરીઓએ તેમનું ગળું પકડી લીધું હતું અને કેટલાક લોકો તેમના કાનમાં બળાત્કારની ધમકી આપી રહ્યા હતા. ઉશ્કેરાયેલા ટોળાએ બૂમો પાડી હતી કે, "આજે તારું નગ્ન સરઘસ નીકળશે."
પોલીસની નિષ્ક્રિયતા અને મોતનો ભય
પત્રકારે આક્ષેપ કર્યો છે કે આ હિંસક નાટક અડધો કલાક સુધી ચાલ્યું હતું. શારીરિક ઈજાઓ અને માનસિક આઘાતને કારણે રુચિ તિવારી કેમ્પસમાં જ બેભાન થઈ ગઈ હતી. તેમણે જણાવ્યું કે શરૂઆતમાં પોલીસ મૂકપ્રેક્ષક બનીને બધું જોતી રહી હતી. જોકે, બાદમાં લો ફેકલ્ટીના કેટલાક સભ્યો અને મહિલા પોલીસકર્મીઓની મદદથી તેમને કોઈક રીતે સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા. પત્રકારે આ ઘટનાને પોતાની હત્યાની સાજિશ ગણાવી છે.
UGC કાયદો અને સુપ્રીમ કોર્ટનો સ્ટે
આ સમગ્ર વિવાદ UGCના જાન્યુઆરી ૨૦૨૬ના નવા નિયમોને લઈને શરૂ થયો છે. સુપ્રીમ કોર્ટે હાલમાં જ આ નિયમો પર સ્ટે (રોક) લગાવી દીધો છે કારણ કે કોર્ટનું માનવું છે કે તેનાથી સમાજમાં ભેદભાવ વધવાની શક્યતા છે. આ મુદ્દે કેમ્પસમાં ડાબેરી અને જમણેરી સંગઠનો આમને-સામને આવી ગયા છે. આર્ટસ ફેકલ્ટીની બહાર થયેલી આ અથડામણ હવે જાતિવાદના રંગે રંગાઈ ગઈ છે, જેના કારણે કેમ્પસમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ છે.
દિલ્હી પોલીસે આ મામેલ એફઆઈઆર (FIR) દાખલ કરીને તપાસ શરૂ કરી છે. યુનિવર્સિટી પ્રશાસને પણ દોષિતો સામે કડક કાર્યવાહી કરવાનું આશ્વાસન આપ્યું છે. પરંતુ, પત્રકાર પરના આ હુમલાએ કેમ્પસમાં વૈચારિક લડાઈના નામે ચાલી રહેલા ગુંડાગીરીના વરવા દ્રશ્યો ખુલ્લા પાડ્યા છે.
(9:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
