News of Saturday, 14th February 2026
સાધ્વી પ્રેમ બૈસા ડેથ કેસમાં મોટો વળાંક: નથી અપાયું ઝેર કે નથી થઈ હત્યા, પોલીસ કમિશનરે મેડિકલ રિપોર્ટના આધારે ખોલ્યું મૃત્યુનું રહસ્ય
શંકાસ્પદ મોતના મામલે SIT તપાસમાં ચોંકાવનારો ઘટસ્ફોટ; સાધ્વીને ઝેર કે જાતીય હુમલાની આશંકાઓ નકામી ઠરી, ફેફસાની ગંભીર બીમારી અને હાર્ટ એટેક બન્યું મોતનું કારણ

જોધપુર: જોધપુરના પાલ ગામ સ્થિત આરતી નગર આશ્રમમાં સાધ્વી પ્રેમ બૈસાના રહસ્યમય મૃત્યુને લઈને ચાલી રહેલી અનેક અટકળો પર આખરે પોલીસે પૂર્ણવિરામ મૂક્યું છે. શનિવારે સાંજે એક મહત્વની પત્રકાર પરિષદમાં જોધપુર પોલીસ કમિશનર ઓમ પ્રકાશે સાધ્વીના મૃત્યુ પાછળના સાચા કારણો જાહેર કરીને સૌને ચોંકાવી દીધા છે.
ઝેર કે હત્યા નહીં, પણ કુદરતી બીમારી નડી
છેલ્લા ઘણા સમયથી સાધ્વીને ઝેર આપીને મારી નાખવામાં આવ્યા હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું હતું. પરંતુ, FSL અને હિસ્ટોપેથોલોજીકલ રિપોર્ટ બાદ પોલીસ કમિશનરે સ્પષ્ટ કર્યું છે કે સાધ્વી પ્રેમ બૈસાનું મોત ઝેરને કારણે થયું નથી. મેડિકલ રિપોર્ટ મુજબ, સાધ્વી લાંબા સમયથી ફેફસાના ગંભીર રોગ (અસ્થમા/COPD) થી પીડાતા હતા. ૨૮ જાન્યુઆરીએ આશ્રમમાં તેમને શ્વાસ લેવામાં તકલીફ પડ્યા બાદ 'કાર્ડિયોપલ્મોનરી એરેસ્ટ' (હૃદય અને ફેફસા બંધ પડી જવા) થયો હતો, જેના આઘાતથી તેમનું મૃત્યુ નીપજ્યું હતું.
SIT તપાસમાં તમામ આશંકાઓ નિર્મૂળ
સાધ્વીના પિતાએ નોંધાવેલી ફરિયાદ બાદ આ કેસની તપાસ માટે એસીપી છાવી શર્માના નેતૃત્વમાં સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) ની રચના કરવામાં આવી હતી. SIT એ અનેક પાસાઓ પર તપાસ કરી હતી, જેમાં હવે પુષ્ટિ થઈ છે કે:
• સાધ્વીના શરીરમાં કોઈ ઝેરના અંશ મળ્યા નથી.
• તેમની સાથે કોઈ જાતીય હુમલો કે છેડતી થઈ નથી.
• શરીર પર કોઈ આંતરિક કે બાહ્ય ઈજાના નિશાન મળ્યા નથી.
ઈન્જેક્શન રિએક્શન પર હજુ પણ સવાલ?
જોકે, પોલીસ હજુ પણ કોઈ કસર છોડવા માંગતી નથી. સાધ્વીને આપવામાં આવેલા કોઈ ઈન્જેક્શનની આડઅસર (રિએક્શન) ને કારણે મોત થયું છે કે કેમ, તે જાણવા માટે પોલીસે મેડિકલ બોર્ડ પાસેથી ફરીથી એક અંતિમ અને વિગતવાર રિપોર્ટ માંગ્યો છે. હાલમાં SIT દ્વારા આશ્રમના અન્ય સભ્યો અને સાધ્વીના સંપર્કમાં આવેલા લોકોની પૂછપરછ ચાલુ છે.
આ ખુલાસા બાદ સાધ્વી પ્રેમ બૈસાના અનુયાયીઓમાં ચાલી રહેલી ગેરસમજ દૂર થઈ છે, પરંતુ ઈન્જેક્શનના રિએક્શન અંગેના અંતિમ રિપોર્ટ પર હવે સૌની નજર મંડાયેલી છે.
(9:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
