News of Saturday, 14th February 2026
દુબઈના 'કિંગમેકર' નું પતન: જેફરી એપ્સ્ટેઈન સાથેના સેક્સ સ્કેન્ડલમાં સુલતાન બિન સુલાયમનું ૪૦ વર્ષનું સામ્રાજ્ય ધ્વસ્ત
વૈશ્વિક વેપારના બેતાજ બાદશાહ અને DP વર્લ્ડના સર્વેસર્વાને રાતોરાત પદભ્રષ્ટ કરાયા; ૯,૦૦૦થી વધુ ખાનગી ઇમેઇલ્સ અને વાંધાજનક ચેટ્સ જાહેર થતા આરબ જગતમાં ખળભળાટ, પામ જુમેરાહના સર્જકની પ્રોફાઇલ સત્તાવાર વેબસાઇટ પરથી ભૂંસી નાખવામાં આવી

દુબઈ: દુબઈને રણમાંથી વૈશ્વિક વેપારનું કેન્દ્ર બનાવનાર અને 'ધ પામ' જેવા અજાયબ ટાપુઓના સર્જક સુલતાન અહેમદ બિન સુલાયમનું ચાર દાયકા જૂનું વર્ચસ્વ પત્તાના મહેલની જેમ તૂટી પડ્યું છે. અમેરિકાના કુખ્યાત અપરાધી જેફરી એપ્સ્ટેઈન સાથેના તેમના અતિશય નિકટના અને શંકાસ્પદ સંબંધોનો પર્દાફાશ થતા જ આખા મધ્ય પૂર્વના દેશોમાં સન્નાટો છવાઈ ગયો છે. શુક્રવારે મોડી રાત્રે લેવાયેલા એક કડક નિર્ણયમાં તેમને વિશ્વની સૌથી મોટી પોર્ટ ઓપરેટર કંપની 'ડીપી વર્લ્ડ' (DP World) ના ગ્રુપ ચેરમેન અને સીઈઓ પદેથી તાત્કાલિક અસરથી હાંકી કાઢવામાં આવ્યા છે, જે દુબઈના ઇતિહાસની સૌથી મોટી કોર્પોરેટ સર્જરી માનવામાં આવે છે.
યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસ (DOJ) દ્વારા સાર્વજનિક કરવામાં આવેલા ચોંકાવનારા દસ્તાવેજોમાં સુલતાન બિન સુલાયમનું નામ ૯,૪૦૦ થી વધુ વખત ઉલ્લેખાયેલું જોવા મળ્યું છે. આ ફાઇલો સૂચવે છે કે એપ્સ્ટેઈન અને સુલતાન વચ્ચે માત્ર વ્યાવસાયિક સંબંધો જ નહોતા, પરંતુ તેઓ એકબીજાના અંગત રહસ્યોના ભાગીદાર હતા. અમેરિકન કાયદા નિર્માતાઓ થોમસ મેસી અને રો ખન્ના દ્વારા જાહેર કરવામાં આવેલી વિગતો મુજબ, ૨૦૦૯ થી ૨૦૧૮ દરમિયાન બંને વચ્ચે થયેલા ઇમેઇલ્સમાં અત્યંત ખાનગી, અશ્લીલ અને જાતીય રીતે સ્પષ્ટ બાબતોનું આદાનપ્રદાન થયું હતું. આ ખુલાસાએ સુલતાનની છબીને વૈશ્વિક સ્તરે કલંકિત કરી દીધી છે.
તપાસમાં બહાર આવેલી વિગતો મુજબ, સુલતાન બિન સુલાયમે એપ્સ્ટેઈનને ટોક્યો અને અન્ય વિદેશી પ્રવાસો દરમિયાન માણેલી જાતીય પળો અને મસાજની અંગત વિગતો વિગતવાર મોકલી હતી. એટલું જ નહીં, થોમસ મેસીએ એક એવા ઇમેઇલનો પણ ઉલ્લેખ કર્યો છે જેમાં એક અત્યંત વાંધાજનક અને ત્રાસદાયક વીડિયોનો સંદર્ભ છે, જેમાં સુલતાનનું નામ સીધું જોડાયેલું હોવાનું જણાય છે. આ પુરાવાઓ સામે આવ્યા બાદ આંતરરાષ્ટ્રીય સ્તરે દુબઈ પર દબાણ વધ્યું હતું, જેના પરિણામે શાસક પરિવારે તેમના સૌથી વિશ્વાસુ ગણાતા અને શેખ મોહમ્મદ બિન રશીદ અલ મક્તૂમના 'જમણા હાથ' ગણાતા આ ઉદ્યોગપતિને તમામ હોદ્દા પરથી બરતરફ કરી દીધા છે.
સુલતાન બિન સુલાયમનું પતન એ માત્ર એક વ્યક્તિનું પતન નથી, પરંતુ દુબઈના અર્થતંત્ર માટે એક મોટો આંચકો છે. ડીપી વર્લ્ડ એકલી કંપની દુબઈના જીડીપીમાં ૩૬% અને સમગ્ર યુએઈના અર્થતંત્રમાં ૧૨% ફાળો આપે છે. નખીલ જેવી કંપનીઓના સ્થાપક અને ટેક્સ ઓથોરિટીના મુખ્ય સભ્ય રહી ચૂકેલા સુલતાનની ઓળખ હવે માત્ર એક 'વિવાદાસ્પદ મિત્ર' તરીકે રહી ગઈ છે. હાલમાં ડીપી વર્લ્ડની સત્તાવાર વેબસાઇટ પરથી તેમની પ્રોફાઇલ અને ફોટાઓ સંપૂર્ણપણે હટાવી દેવામાં આવ્યા છે, જે એ વાતનો પુરાવો છે કે દુબઈ હવે તેમના કલંકિત ભૂતકાળથી છેડો ફાડી લેવા માંગે છે.
(10:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
