<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 14th February 2026

જેફરી એપ્સટાઇન આત્મહત્યા કે પૂર્વનિયોજિત હત્યા? જેલના સીસીટીવીમાં દેખાયેલો ‘નારંગી ઝબકારો’ અને તૂટેલા ગળાના હાડકાં ખોલી રહ્યા છે ઊંડા રહસ્યો!

ન્યૂયોર્ક જેલના ૩૦ મિલિયન દસ્તાવેજોનો પર્દાફાશ: ગાર્ડ્સની રહસ્યમય ઊંઘ, કામ ન કરતા કેમેરા અને હાઈ-પ્રોફાઈલ નામોને બચાવવા ‘ડીપ સ્ટેટ’ના ષડયંત્રની ગંધ

ન્યૂયોર્ક : દુનિયાના સૌથી ચર્ચિત સેક્સ ટ્રાફિકિંગ કેસના મુખ્ય આરોપી જેફરી એપ્સટાઇનના મૃત્યુના સાત વર્ષ બાદ પણ સત્ય બહાર આવ્યું નથી. તાજેતરમાં યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસ (DOJ) દ્વારા જાહેર કરવામાં આવેલા ૩૦ મિલિયનથી વધુ દસ્તાવેજો અને સીસીટીવી ફૂટેજે ફરી એકવાર એપ્સટાઇનની 'આત્મહત્યા' પર સવાલો ઉભા કર્યા છે. ન્યૂયોર્કની હાઈ-સિક્યોરિટી જેલમાં જે રીતે પુરાવાઓ સાથે છેડછાડ થઈ છે, તે કોઈ મોટા ષડયંત્ર તરફ ઈશારો કરે છે.

સીસીટીવીમાં કેદ થયેલો ‘નારંગી પડછાયો’ કોનો હતો?

તપાસકર્તાઓએ ઓગસ્ટ ૨૦૧૯ની એ રાત્રિના ફૂટેજમાં એક વિચિત્ર ઘટના નોંધી છે. રાત્રે ૧૦:૩૯ કલાકે, જ્યારે તમામ કેદીઓ પોતપોતાના સેલમાં બંધ હોવા જોઈએ, ત્યારે સીડીઓ પાસે એક 'નારંગી રંગનો ઝબકારો' જોવા મળ્યો હતો. જેલના કેદીઓ નારંગી યુનિફોર્મ પહેરતા હોવાથી એવી આશંકા છે કે કોઈ કેદી અથવા નારંગી કપડામાં કોઈ શખ્સ એપ્સટાઇનના સેલ તરફ ગયો હતો. એફબીઆઈ (FBI) ના અહેવાલો મુજબ, આ ઝબકારો એ વ્યક્તિ હોઈ શકે છે જે એપ્સટાઇનને કાયમ માટે શાંત કરવા આવી હતી.

ગળું દબાવવાના નિશાન અને ડોક્ટરનો દાવો

પ્રખ્યાત ફોરેન્સિક પેથોલોજિસ્ટ ડૉ. માઈકલ બેડેન, જેમણે એપ્સટાઇનના ભાઈ વતી શબપરીક્ષણનું નિરીક્ષણ કર્યું હતું, તેમણે ચોંકાવનારો દાવો કર્યો છે. ડૉ. બેડેન મુજબ, એપ્સટાઇનની ગરદનમાં થયેલી ઈજાઓ અને તૂટેલા હાડકાં આત્મહત્યા (ફાંસો) ના કિસ્સામાં જોવા મળતા નથી, પરંતુ તે 'ગળું દબાવીને કરાયેલી હત્યા' (Manual Strangulation) સાથે વધુ સુસંગત છે. વધુમાં, જે ચાદરથી ફાંસો ખાધાનો દાવો કરાયો છે, તેના નિશાન શરીર પરની ઈજાઓ સાથે મેળ ખાતા નથી.

ગાર્ડ્સની બેદરકારી કે જાણી જોઈને અપાયેલી છૂટ?

જે રાત્રે એપ્સટાઇનનું મૃત્યુ થયું, તે રાત્રે તેની સુરક્ષામાં તૈનાત બે ગાર્ડ્સ – ટોવા નોએલ અને માઈકલ થોમસ – સતત ત્રણ કલાક સુધી ઊંઘતા રહ્યા હતા અથવા ઇન્ટરનેટ પર મોટરસાયકલ શોધી રહ્યા હતા. નિયમ મુજબ દર ૩૦ મિનિટે તપાસ કરવાની હોવા છતાં, તેમણે નકલી રેકોર્ડ બનાવ્યા કે 'બધું બરાબર છે'. આશ્ચર્યની વાત એ છે કે એપ્સટાઇનના સેલની બહારના બે મુખ્ય કેમેરા પણ એ જ રાત્રે 'ટેકનિકલ ખામી' ને કારણે બંધ હતા.

શક્તિશાળી મિત્રો અને 'ડેડ મેન સ્વિચ'

એપ્સટાઇન પાસે વિશ્વના અનેક દિગ્ગજ નેતાઓ, ઉદ્યોગપતિઓ અને શાહી પરિવારના સભ્યોના અંગત રહસ્યો હતા. મૃત્યુના થોડા દિવસો પહેલા જ તેણે વકીલો સાથે 'સહકાર' (Cooperation) કરવાની વાત કરી હતી, એટલે કે તે અનેક હાઈ-પ્રોફાઈલ લોકોના નામ જાહેર કરવાનો હતો. શું તે નામો બહાર ન આવે તે માટે જ તેને રસ્તેથી હટાવી દેવામાં આવ્યો? નવી ફાઈલો મુજબ, એપ્સટાઇનના મૃત્યુની સત્તાવાર જાહેરાત તે મૃત મળ્યો તેના ૨૪ કલાક પહેલા જ તૈયાર કરી લેવામાં આવી હતી, જેને સત્તાવાળાઓ હવે 'ટાઈપિંગ ભૂલ' ગણાવી રહ્યા છે.

આ નવા પુરાવાઓએ અમેરિકાના ન્યાયતંત્ર અને જેલ વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઊભા કર્યા છે. શું ક્યારેય સાચું કારણ બહાર આવશે કે પછી આ રહસ્ય એપ્સટાઇનની સાથે જ દફન થઈ જશે?

(10:44 PM IST)