News of Saturday, 14th February 2026
દીકરીનું ઘર વસાવવું એ 'પાપ' ગણાયું? વિધવા પુત્રીના પુનઃલગ્ન કરાવતા પિતાનો ૧૦ વર્ષ માટે સામાજિક બહિષ્કાર
બાલાઘાટમાં મધ્યકાલીન ક્રૂરતા: ૨૨ વર્ષની વયે પતિ ગુમાવનાર પુત્રીને નવું જીવન આપ્યું તો સમાજના ઠેકેદારોએ ૨૫ હજારનો દંડ ફટકારી પરિવારને જીવતે જીવ નરકમાં ધકેલ્યો

બાલાઘાટ:એક તરફ ભારત ડિજિટલ ક્રાંતિ અને સ્ત્રી સશક્તિકરણના ગુણગાન ગાઈ રહ્યું છે, ત્યારે મધ્યપ્રદેશના બાલાઘાટ જિલ્લામાંથી માનવતાને શર્મસાર કરતી એક ઘટના સામે આવી છે. લાંજી વિસ્તારના એક લાચાર પિતાએ જ્યારે પોતાની ૨૨ વર્ષીય વિધવા પુત્રીના જીવનમાં ફરીથી ખુશીઓના રંગ ભરવા માટે તેના બીજા લગ્ન કરાવ્યા, ત્યારે સમાજની કહેવાતી પંચાયતે તેને ગંભીર ગુનો ગણી લીધો. આધુનિક યુગમાં પણ 'તાલિબાની' શૈલીમાં ન્યાય તોળતા સામાજિક ટ્રિબ્યુનલે આ પરિવારનો ૧૦ વર્ષ માટે બહિષ્કાર કરવાનો આદેશ આપ્યો છે. આ કઠોર રુઢિચુસ્ત નિર્ણયને કારણે એક હિંમતવાન પિતા આજે પોતાના જ ગામમાં અસ્પૃશ્ય બની ગયા છે.
આ દુઃખદ વાર્તાની શરૂઆત ત્યારે થઈ જ્યારે લગ્નના માત્ર અઢી જ મહિનામાં આ યુવતીના પતિનું અવસાન થયું. ભરજુવાનીમાં પુત્રીના સફેદ વસ્ત્રો પિતાથી જોવાયા નહીં, એટલે તેમણે સામાજિક બેડીઓ તોડીને દીકરીનું ઘર ફરીથી વસાવ્યું. પરંતુ સમાજના રક્ષકોને આ પ્રગતિશીલ વિચાર પચ્યો નહીં. ગુપ્ત રીતે યોજાયેલી પંચાયતની બેઠકમાં એવો ફરમાન બહાર પડ્યો કે જે પરિવારે વિધવા પુત્રીના પુનઃલગ્ન કરાવ્યા છે, તેની સાથે ગામનો કોઈ વ્યક્તિ સંબંધ રાખશે નહીં. જો કોઈ મદદ કરશે કે વાત કરશે, તો તેને પણ પંચાયતના રોષનો ભોગ બનવું પડશે.
સ્થિતિ એટલી ગંભીર છે કે પરિવારને દૂધ, કરિયાણું કે પાયાની જરૂરિયાતો મેળવવામાં પણ ફાંફા પડી રહ્યા છે. પિતાનો આરોપ છે કે તેમને માનસિક રીતે ટોર્ચર કરવામાં આવે છે અને ૨૫,૦૦૦ રૂપિયાનો રોકડ દંડ ભરવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે. બીજી તરફ, સમુદાયના પ્રમુખ અજય પાલેવારે બહુ જ ચાલાકીથી આ બહિષ્કારના આક્ષેપોને નકારી દીધા છે. તેમનું કહેવું છે કે સમાજના પોતાના નિયમો હોય છે અને પરિવારે બીજા સમુદાયમાં લગ્ન કરીને પરંપરાઓનું ઉલ્લંઘન કર્યું છે. જોકે, પંચાયતના આ 'સામૂહિક નિર્ણયો' વાસ્તવમાં આધુનિક ભારતની બંધારણીય વ્યવસ્થાને સીધો પડકાર આપી રહ્યા છે.
ન્યાયની શોધમાં થાકેલા પિતાએ અંતે કલેક્ટર કચેરીના દ્વાર ખખડાવ્યા છે. આ મામલો સોશિયલ મીડિયા પર વાયુવેગે પ્રસરતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. પ્રશાસને આ ઘટનાને ગંભીરતાથી લઈને એસડીએમ લાંજીને તપાસના કડક આદેશ આપ્યા છે. હવે સવાલ એ ઊભો થાય છે કે શું ગામડાઓમાં બેઠેલી આ કહેવાતી પંચાયતો દેશના કાયદાથી ઉપર છે? શું કોઈ પિતા માટે પોતાની દીકરીના આંસુ લૂછવા એ સામાજિક અપરાધ છે? બાલાઘાટની જનતા હવે તંત્રની કાર્યવાહી અને આ પરિવારને ન્યાય મળે તેની આતુરતાથી રાહ જોઈ રહી છે.
(11:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
