News of Saturday, 14th February 2026
કેરેબિયન સમુદ્રમાં અમેરિકાની પ્રચંડ એરસ્ટ્રાઈક: મિસાઈલ હુમલામાં શંકાસ્પદ ડ્રગ સ્મગલરોની બોટના ફૂરચા ઉડ્યા; વધુ 3 ના મોત સાથે ટ્રમ્પ સરકારના અભિયાનમાં મૃતાંક 133 પર પહોંચ્યો!
નવેમ્બર બાદ પ્રથમવાર કેરેબિયનમાં સૈન્ય કાર્યવાહી: 11 સેકન્ડના વીડિયોમાં દેખાયો મિસાઈલનો કહેર; ડ્રગ્સ માફિયાઓ સામેના ઓપરેશનમાં અત્યાર સુધીમાં 39 સ્ટ્રાઈક, કાયદાકીય નિષ્ણાતોએ ઉઠાવ્યા ગંભીર સવાલો

વોશિંગ્ટન: અમેરિકાની સધર્ન કમાન્ડે શુક્રવારે કેરેબિયન સમુદ્રમાં એક મોટી સૈન્ય કાર્યવાહી કરતા ડ્રગ્સની હેરાફેરી કરતી હોવાની શંકા ધરાવતી એક બોટ પર મિસાઈલ હુમલો કર્યો હતો. આ હુમલામાં બોટમાં સવાર ત્રણ લોકોના મોત થયા છે. ટ્રમ્પ વહીવટીતંત્ર દ્વારા પાંચ મહિના પહેલા સમુદ્રમાં શંકાસ્પદ ડ્રગ સ્મગલરો વિરુદ્ધ શરૂ કરવામાં આવેલા આક્રમક અભિયાનમાં અત્યાર સુધીમાં કુલ 133 લોકોએ જીવ ગુમાવ્યા છે.
વીડિયોમાં કેદ થયો મિસાઈલનો વિસ્ફોટ
અમેરિકી સેના દ્વારા આ હુમલાનો 11 સેકન્ડનો એક વીડિયો ક્લિપ જાહેર કરવામાં આવ્યો છે. આ ફૂટેજમાં જોઈ શકાય છે કે એક મિસાઈલ ખુલ્લા સમુદ્રમાં જઈ રહેલી બોટના બરાબર મધ્ય ભાગમાં અથડાય છે અને જોતજોતામાં બોટના ટુકડે-ટુકડા કરી નાખે છે. સૈન્યના જણાવ્યા અનુસાર, આ બોટ કેરેબિયનમાં જાણીતા ડ્રગ ટ્રાફિકિંગ રૂટ પર જઈ રહી હતી અને માદક દ્રવ્યોના વેપારમાં સામેલ હતી.
નવેમ્બર પછીનો આ પ્રથમ હુમલો
ધ ન્યૂયોર્ક ટાઈમ્સના ટ્રેકર મુજબ, ગયા વર્ષના નવેમ્બર મહિનાની શરૂઆત પછી કેરેબિયન સમુદ્રમાં આ પ્રકારનો આ પ્રથમ જાણીતો હુમલો છે. અત્યાર સુધીમાં આ અભિયાન હેઠળ અમેરિકી સરકાર દ્વારા કુલ 39 સ્ટ્રાઈકની વિગતો જાહેર કરવામાં આવી છે. અગાઉના મોટાભાગના હુમલાઓ પેસિફિક મહાસાગરમાં શંકાસ્પદ બોટોને નિશાન બનાવીને કરવામાં આવ્યા હતા.
કાયદાકીય વિવાદ: સૈન્ય કાર્યવાહી કે ‘બિન-ન્યાયિક હત્યા’?
એક તરફ અમેરિકી સરકાર આ ઓપરેશનને ડ્રગ્સ માફિયાઓની કમર તોડવા માટે જરૂરી ગણાવી રહી છે, તો બીજી તરફ કાયદાકીય નિષ્ણાતોમાં આ મામલે ભારે રોષ જોવા મળી રહ્યો છે. ઘણા કાયદાશાસ્ત્રીઓનું કહેવું છે કે આ હુમલાઓ ‘ગેરકાયદેસર અને બિન-ન્યાયિક હત્યાઓ’ (Extrajudicial Killings) છે. નિષ્ણાતોની દલીલ છે કે સૈન્ય એવા નાગરિકોને નિશાન બનાવી શકે નહીં જેઓ હિંસાનો તાત્કાલિક ખતરો ઉભો ન કરતા હોય, ભલે તેઓ ગુનાહિત પ્રવૃત્તિમાં સંડોવાયેલા હોવાની શંકા હોય.
(11:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
