News of Sunday, 15th February 2026
મોતને મ્હાત આપી 'મૃતક' યુવાન ઘરે પાછો ફર્યો: અગ્નિસંસ્કારના ત્રણ દિવસ બાદ દીકરાને જીવતો જોઈ પરિવાર સ્તબ્ધ!
મેઘાલય ખાણ વિસ્ફોટમાં જેનો અંતિમ સંસ્કાર કરાયો તે શ્યામબાબુ સિંહા સદેહે પરત ફરતા ચમત્કાર; ઓળખ વિધિમાં મોટી બેદરકારી કે પછી ખરેખર કોની લાશ સળગાવી? વહીવટીતંત્રમાં ફફડાટ અને સવાલોનો મારો

રતાબારી (આસામ):મેઘાલયની કોલસાની ખાણમાં થયેલા ભયાનક વિસ્ફોટ બાદ એક એવી ઘટના સામે આવી છે જે સાંભળીને કોઈને પણ પોતાની આંખો પર વિશ્વાસ ન આવે. આસામના શ્રીભૂમિ જિલ્લાના રતાબારી ગામમાં રહેતા શ્યામબાબુ સિંહા નામના યુવાનના ઘરે જ્યારે તેના મૃત્યુના સમાચાર આવ્યા, ત્યારે આખું ગામ હિબકે ચઢ્યું હતું. સરકારી પ્રક્રિયા મુજબ મૃતદેહ સોંપાયા બાદ પરિવારે ભારે હૈયે તેના અંતિમ સંસ્કાર પણ કરી દીધા હતા. પરંતુ, અગ્નિસંસ્કારના બરાબર ત્રણ દિવસ પછી જ્યારે શ્યામબાબુ અચાનક પોતાના ઘરના આંગણે આવીને ઉભો રહ્યો, ત્યારે પરિવારના સભ્યો તેને 'ભૂત' સમજીને ડરી ગયા હતા. જોકે, સત્ય જાણ્યા પછી શોકનું વાતાવરણ ક્ષણવારમાં જ હર્ષોલ્લાસમાં ફેરવાઈ ગયું હતું.
ઘટનાની પૃષ્ઠભૂમિ જોઈએ તો, મેઘાલયના પૂર્વ જયંતિયા હિલ્સમાં આવેલી ગેરકાયદેસર કોલસાની ખાણમાં ૫ ફેબ્રુઆરીના રોજ ડાયનામાઈટ બ્લાસ્ટ થયો હતો, જેમાં ૩૧ શ્રમિકોના મોત નિપજ્યા હોવાનું મનાતું હતું. આ વિસ્ફોટ એટલો ભયાનક હતો કે મૃતદેહોની ઓળખ કરવી પણ મુશ્કેલ હતી. વહીવટીતંત્રે ઉતાવળમાં ઓળખ વિધિ પતાવીને શ્યામબાબુના પરિવારને એક મૃતદેહ સોંપ્યો હતો. ૯ ફેબ્રુઆરીએ બચાવ કામગીરી સ્થગિત કરવામાં આવી અને શ્યામબાબુને સત્તાવાર રીતે મૃત જાહેર કરી દેવામાં આવ્યો હતો. હવે તે પોતે જીવતો પાછો ફરતા આખા દેશમાં આ કિસ્સો ચર્ચાનો વિષય બન્યો છે.
આ 'ચમત્કાર' પછી હવે મેઘાલય વહીવટીતંત્ર અને પોલીસ તપાસના ઘેરામાં આવી ગયા છે. સૌથી મોટો સવાલ એ ઉભો થયો છે કે જે મૃતદેહનો અગ્નિસંસ્કાર શ્યામબાબુ સમજીને કરવામાં આવ્યો, તે ખરેખર કોનો હતો? શું વિસ્ફોટમાં જીવ ગુમાવનાર અન્ય કોઈ અભાગિયા શ્રમિકનો પરિવાર હજુ પણ તેના આવવાની રાહ જોઈ રહ્યો હશે? શ્યામબાબુએ જણાવ્યું કે વિસ્ફોટ સમયે તે કોઈક રીતે બચીને બહાર નીકળવામાં સફળ રહ્યો હતો અને આઘાતને કારણે તે ભટકી ગયો હતો. ઓળખ પ્રક્રિયામાં થયેલી આ ભયંકર બેદરકારીએ સરકારી તંત્રની પોલ ખોલી નાખી છે.
હાલમાં આસામ અને મેઘાલયની પોલીસ આ ગૂંચ ઉકેલવા મથી રહી છે. ગેરકાયદેસર ખાણ માલિકોની બેદરકારી અને વહીવટીતંત્રની ઉતાવળે એક નિર્દોષ પરિવારને જે માનસિક ત્રાસ આપ્યો, તેનાથી લોકોમાં ભારે રોષ છે. શું ખાણની ખામીઓ છુપાવવા માટે મૃતકોની સંખ્યા અને ઓળખ સાથે ચેડા કરવામાં આવ્યા હતા? તે દિશામાં હવે તપાસ તેજ કરવામાં આવી છે. શ્યામબાબુનો પુનર્જન્મ તેના પરિવાર માટે દિવાળી જેવો ઉત્સવ લાવ્યો છે, પરંતુ તે સરકારી તંત્ર માટે ગળાની ફાંસ બની ગયો છે.
(12:10 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
