News of Sunday, 15th February 2026
અમેરિકામાં ૬ દિવસથી ગુમ ભારતીય વિદ્યાર્થી સાકેત શ્રીનિવાસૈયાનો મૃતદેહ મળ્યો: પરિવારમાં કલ્પાંત
સાકેત તે છ લોકોમાં સામેલ હતો જેમણે 'હાયપરલૂપ' માટે માઈક્રોચેનલ કુલિંગ સિસ્ટમની પદ્ધતિ વિકસાવી હતી અને તેની પેટન્ટ પણ મેળવી હતી

અમેરિકાની કેલિફોર્નિયા યુનિવર્સિટી, બર્કલે ખાતે અભ્યાસ કરતો ૨૨ વર્ષીય ભારતીય વિદ્યાર્થી સાકેત શ્રીનિવાસૈયા છેલ્લા ૬ દિવસથી ગુમ હતો, જેનો હવે મૃતદેહ મળી આવ્યો છે. કર્ણાટકનો વતની સાકેત ૯ ફેબ્રુઆરીથી રહસ્યમય રીતે લાપતા થયો હતો. તેને છેલ્લે બર્કલે હિલ્સ વિસ્તારમાં 'લેક અંજા' પાસે જોવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન તેના પાડોશીના ઘરના દરવાજા પાસેથી તેનો લેપટોપ અને બેગ મળી આવ્યા હતા. ભારતીય કોન્સ્યુલેટ જનરલે આ દુખદ સમાચારની પુષ્ટિ કરતા જણાવ્યું છે કે સ્થાનિક પોલીસે સાકેતનો મૃતદેહ મળી આવ્યાની જાણ કરી છે.
સાકેત એક અત્યંત તેજસ્વી વિદ્યાર્થી હતો, જેણે ભારતની પ્રતિષ્ઠિત આઈઆઈટી મદ્રાસમાંથી અભ્યાસ પૂર્ણ કર્યા બાદ ઉચ્ચ અભ્યાસ માટે અમેરિકા ગયો હતો. તે કેમિકલ અને બાયોમોલેક્યુલર એન્જિનિયરિંગનો અભ્યાસ કરી રહ્યો હતો. સાકેત તે છ લોકોમાં સામેલ હતો જેમણે 'હાયપરલૂપ' માટે માઈક્રોચેનલ કુલિંગ સિસ્ટમની પદ્ધતિ વિકસાવી હતી અને તેની પેટન્ટ પણ મેળવી હતી.
તેણે પોતાનું પ્રારંભિક શિક્ષણ બેંગલુરુના શ્રી વાણી એજ્યુકેશન સેન્ટરમાંથી મેળવ્યું હતું. ભારતીય દૂતાવાસે સાકેતના પાર્થિવ દેહને વહેલી તકે ભારત લાવવા માટે તમામ કાયદાકીય સહાયની ખાતરી આપી છે.
(10:54 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
