<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 15th February 2026

અકસ્માત સમયે હવે પૈસાની ચિંતા છોડો: પીએમ મોદીની 'રાહત' યોજનાથી મળશે રૂ.૧.૫ લાખની મફત સારવાર!

નવા કાર્યાલય 'સેવાતીર્થ'થી પીએમ મોદીનો પ્રથમ મોટો માસ્ટરસ્ટ્રોક; અકસ્માત પીડિતોને હોસ્પિટલમાં મળશે કેશલેસ સુવિધા

નવી દિલ્હી: ભારતમાં માર્ગ અકસ્માતો દરમિયાન સમયસર સારવાર ન મળવાને કારણે થતા મોતના આંકડા હવે ભૂતકાળ બનશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના નવા કાર્યાલય 'સેવાતીર્થ' ખાતેથી પદભાર સંભાળતાની સાથે જ માનવતાવાદી અભિગમ અપનાવી 'RAHAT' (રોડ અકસ્માત પીડિત હોસ્પિટલાઇઝેશન એન્ડ એશ્યોર્ડ ટ્રીટમેન્ટ) યોજનાને મંજૂરી આપી દીધી છે. આ યોજના હેઠળ રસ્તા પર અકસ્માતનો ભોગ બનેલા કોઈ પણ નાગરિકને હોસ્પિટલમાં દાખલ થતી વખતે કોઈ પણ ફી ચૂકવવી પડશે નહીં. સરકાર આવા પીડિતોને રૂ.૧.૫ લાખ સુધીની કેશલેસ સારવારની ગેરંટી આપી રહી છે, જેથી 'ગોલ્ડન અવર' (અકસ્માત પછીનો પ્રથમ કલાક) માં કોઈનો જીવ નાણાંના અભાવે ન જાય.

આ યોજનાની સૌથી મોટી વિશેષતા તેની સરળતા છે. પીડિત વ્યક્તિએ કોઈ અગાઉથી નોંધણી કરાવવી પડશે નહીં, કોઈ વીમા પોલિસીની જરૂર નથી અને આવકનું પ્રમાણપત્ર પણ રજૂ કરવાનું રહેશે નહીં. જો અકસ્માત જીવલેણ હોય, તો પીડિતને ૪૮ કલાક સુધી અને સામાન્ય ઈજાના કિસ્સામાં ૨૪ કલાક સુધી 'સ્ટેબેલાઈઝેશન' સારવાર મળશે. મહત્તમ સાત દિવસ સુધીની સારવારનો સંપૂર્ણ ખર્ચ સરકાર સીધો હોસ્પિટલને ડિજિટલ માધ્યમથી ચૂકવશે. આ સુવિધા સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત (એમ્પેઈલડ) તમામ ખાનગી અને સરકારી હોસ્પિટલોમાં ઉપલબ્ધ રહેશે.

પીએમ મોદીના આ નિર્ણયને મેડિકલ ઈમરજન્સીના ક્ષેત્રમાં એક ક્રાંતિકારી પગલું માનવામાં આવે છે. ઘણીવાર અકસ્માત સમયે પરિવારજનો પાસે તાત્કાલિક પૈસાની વ્યવસ્થા હોતી નથી, જેના કારણે હોસ્પિટલો સારવાર શરૂ કરવામાં વિલંબ કરે છે. હવે 'રાહત' યોજના હેઠળ હોસ્પિટલે દર્દીને જોઈને સીધી સારવાર શરૂ કરવી પડશે. આ યોજના દેશના તમામ નાગરિકો માટે સમાન રીતે લાગુ પડશે, જે દર્શાવે છે કે સરકાર સામાન્ય માણસની સુરક્ષા અને સ્વાસ્થ્યને સર્વોપરી ગણી રહી છે.રૂ.

(10:56 AM IST)